સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શિક્ષિકાએ ગાળો બોલી આચાર્ય સામે કર્યા આક્ષેપ
- મારી ખોટી ફરિયાદ કરી છે તેવું કહી સમિતિની એક શિક્ષિકાએ સ્કૂલ માથે લીધી
- તમે એને ઉચકો , એ મારી પાસે કામ કરાવે છે એમ કહી પોલીસ સાથે શિક્ષિકાએ કરી જીભાજોડી : અગાઉ પણ આવું વર્તન કર્યું હોવાની ફરિયાદ બહાર આવી સમિતિ દ્વારા પગલાં ભરવા કવાયત
સુરત,તા.29 જાન્યુઆરી 2024,સોમવાર
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક સ્કૂલમાં થોડા દિવસ પહેલાં એક શિક્ષિકાએ આચાર્ય દ્વારા મારી ખોટી ફરિયાદ કરવામાં આવે છે અને મારી પાસે વધુ કામ કરાવડાવે છે તેવું કહીને સ્કૂલ માથે લીધી હતી. સ્કુલમાં પોલીસ બોલાવવા સાથે ઉગ્ર બોલાચાલી કરીને સ્કુલ અને આચાર્યની ઓફિસમાં જ ગાળો આપી હતી. આ ઉપરાંત પોલીસને આ બન્નેને હાલ ઉચકો અને પોલીસ સ્ટેશન લઈ જાવ કહું કહી હોબાળો મચાવવામા આવ્યો હતો. જોકે, આ પહેલા પણ આ શિક્ષિકા દ્વારા આવું ઉગ્ર વર્તન કર્યું હોવાની અનેક ફરિયાદ થઈ હતી. આ વિડીયો સાથે પણ ફરિયાદ થતાં શિક્ષણ સમિતિ દ્વારા સમગ્ર કિસ્સામાં તપાસ કરવા સાથે આવા વર્તન સામે પગલાં ભરવા માટે પણ કવાયત હાથ ધરી છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ભેસ્તાન વિસ્તારમાં એક શાળાનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ભેસ્તાનની એક શાળામાં શિક્ષિકાની બદલી થતાં તેઓએ પોતાની પાસે આચાર્ય દ્વારા વધુ કામ કરાવવા આવે છે અને ખોટી ફરિયાદ કરવામા આવે છે તેમ કહીને હોબાળો મચાવ્યો હતો. એક તરફ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા ત્યારે આ શિક્ષિકા હોબાળો મચાવતા હતો. હાથમાં ચપ્પલ લઈને આચાર્યને પોલીસની હાજરીમાં મારવા પહોંચી ગયા હતા. આ ઉપરાંત તેઓ ગંદી ગાળો બોલતા હતા તે પણ વિડિયોમાં આવી ગયું છે. આ ઉપરાંત અન્ય શિક્ષકાઓને પણ તેઓ ગાળો આપતા હતા. પોલીસની હાજરીમાં જ ગાળાગાળી અને મારા મારીના દ્રષ્યો સર્જાયા હતા.
આ અંગેનો વિડિયો વાયરલ થયા બાદ શિક્ષણ સમિતિએ તપાસ કરતાં અન્ય સ્કૂલમાં પણ આ શિક્ષિકા દ્વારા ઉગ્ર વર્તન કરાતું હોવાની ફરિયાદ બહાર આવી છે. આ ઉપરાંત સમગ્ર કિસ્સામાં શિક્ષણ સમિતિની ઈમેજને પણ ધક્કો લાગી રહ્યો છે. જેના કારણે શિક્ષણ સમિતિ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અને સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ શાળામાં ગાળો બોલી હંગામો મચાવનાર શિક્ષિકા સામે નજીકના દિવસોમાં શિક્ષાત્મક પગલાં પણ ભરાય તેવી પૂરી શક્યતા છે.