કમળેજ ગામેથી દારૃ અને બિયરના જથ્થા સાથે એક શખ્સ ગિરફ્તાર
- કારમાં દારૃ ભરીને બેઠેલા શખ્સને ઉઠવી લીધો
- લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૃ, બીયર, કાર, મોબાઈલ મળી કુલ રૃ. 10.99 લાખનો મુદ્દામાલ કબ્જે લીધી
ભાવનગર : વરતેજ થી કમળેજ જતા રોડ પર રેલ્વે ફાટક ક્રોસ કર્યાં બાદ ડાબી બાજુ પડતા કાચા રસ્તેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૃ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.તદુપરાંત બે અલગ-અલગ સ્થળે શખ્સે છુપાવેલા દારૃ અને બિયરનો જથ્થો પોલીસે બરામદ કર્યો હતો.
આ બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ખાનગી વાહનમાં નાઈટ પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન રંગોલી ચોકડી પાસે પહોંચ્યા ત્યારે બાતમી મળી હતી કે, વરતેજ થી કમળેજ જતા રોડ પર રેલ્વે ફાટક ક્રોસ કર્યાં બાદ ડાબી બાજુ પડતા કાચા રસ્તે થોડા અંદર ચાલતા રમેશભાઈ ગોરધનભાઈ ઝાપડીયાની વાડી આવેલી છે. આ વાડીમાં આવેલ મકાનની ઓરડીમાં કમળેજના શૈલેષ ગોરધનભાઈ દેલવાડીયાએ દારૃ અને બિયરનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે રાખેલો હોવાની સચોટ બાતમીના આધારે દરોડો કર્યો હતો. રસ્તાના વળાંક પર કાર નંબર જીજે-૧૨-એઈ-૮૭૫૧ પડી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચ આ કારને કોર્ડંન કરી કારમાં સવાર શૈલેષ ગોરધનભાઈ દેલવડિયાને કારમાંથી ઉતરી તલાશી લેતા વિદેશી દારૃનો જથ્થો મળી આવતા પોલીસે કબ્જે કરી શૈલેષની કડક હાથે પૂછપરછ હાથ ધરતા શૈલેષે કબૂલાત કરતાં જણાવ્યું હતું કે, આ દારૃનો જથ્થો ભાવનગર ખાતે રહેતો રાહુલ ઉર્ફે ચીની જયેશભાઇ ને પહોંચાડવાનો હતો.દરમિયાનમા વાડીની ઓરડીમાં પોલીસે તલાશી લેતા તેમાંથી વિદેશી દારૃનો જથ્થો મળી આવતા પોલીસે દારૃનો જથ્થો બરામદ કરી શખ્સની પૂછપરછ કરતાં શરદ પાંચાભાઈ નામના શખ્સનો વંડા ભાડે રાખી દારૃ રાખ્યો હોવાનું જણાવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે કમળેજ ખાતે આવેલા વંડા પર દરોડો કરી દારૃ અને બિયરનો મોટો જથ્થો બરામદ કર્યો હતો. પોલીસે શૈલેશની કાર, ભાડે રાખેલ ઓરડી અને કામળેેજ ખાતે આવેલા વંડામાંથી કુલ મળી વિદેશી દારૃની બોટલ ૪,૩૮૦, બિયરના ટીનની પેટી ૩૯, કાર, મોબાઈલ મળી કુલ રૃ.૧૦,૯૯,૩૨૦ના મુદ્દામાલ સાથે શૈલેષ ગોરધનભાઈ દેલવાડીયા ધરપકડ કરી પોલીસે શૈલેષ, શરદ પાંચાભાઈ ખાખડિયા, રાહુલ ઉર્ફે ચીની જયેશભાઇ અને આર. કે. ( રહે. રાજસ્થાન સાંચોર ) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દારૃ અને બિયરનો જથ્થો રાજસ્થાનના સાંચોર ગામના શખ્સ પાસેથી મંગાવ્યો હતો
લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી માત્રામાં દારૃ બિયરના જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો હતો. ઝડપાયેલો શૈલેષ નામનો શખ્સ રાજસ્થાન સાંચોર ખાતે રહેતો આર.કે.નામના શખ્સ પાસેથી દારૃ અને બિયરનો જથ્થો મંગાવતો હતો અને પોતાના હવાલેવાળી કાર વડે અલગ-અલગ સ્થળે દારૃ બિયરની ડિલિવરી કરતો હતો.
દારૃ અને બિયરનો જથ્થો છુપાવવા માટે વંડા અને ઓરડી ભાડે રાખતો હતો
દારૃ અને બિયરના જથ્થા સાથે પકડાયેલ શૈલેષ મોટી માત્રામાં દારૃ અને બિયરનો જથ્થો મંગાતો હતો. આ દારૃ અને બિયરનો જથ્થો છુપાવવા માટે વંડા અને ઓરડી ભાડે રાખતો હતો અને દારૃ અને બિયરનો જથ્થો ઓરડી અને વંડામાં ઠાલવી બાદમાં અલગ-અલગ સ્થળોએ કાર વડે ડિલિવરી કર્યો હતો.