સુરતમાં મકાન દલાલની ઓફિસમાં 20 દિવસથી રહેતો મિત્રનો સંબંધી રોકડા રૂ.3.08 લાખ ચોરી ફરાર
- યોગીચોક સીટી સેન્ટર કોમ્પલેક્ષમાં સરદાર પટેલ ગ્રુપના નામે ઓફિસ ધરાવતા બાબુભાઈ સુતરીયા કોમ્પલેક્ષનું મેન્ટેનન્સ પણ ઉઘરાવતા હોય તેની રકમ રૂ.1.73 લાખ અને પોતાના ખર્ચના પૈસા ખાનામાં મુક્યા હતા
- ખાનાના લોક તોડી પૈસા ચોરી કરતા સંબંધી સીસીટીવી ફુટેજમાં નજરે ચઢ્યા
સુરત,તા.02 નવેમ્બર 2023,ગુરુવાર
સુરતના સરથાણા યોગીચોક સ્થિત સીટી સેન્ટર કોમ્પલેક્ષમાં સરદાર પટેલ ગ્રુપના નામે ઓફિસ ધરાવતા મકાન દલાલની ઓફિસમાં 20 દિવસથી રહેતો મિત્રનો સંબંધી રોકડા રૂ.3.08 લાખ ચોરી ફરાર થઈ જતા સરથાણા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ગીર સોમનાથ કોડીનારના વલાદર ગામના વતની અને સુરતમાં સરથાણા યોગીચોક મહાલક્ષ્મી સોસાયટી ઘર નં.બી/197 માં રહેતા 49 વર્ષીય બાબુભાઈ કેશવભાઈ સુતરીયા સરથાણા યોગીચોક સ્થિત સીટી સેન્ટર કોમ્પલેક્ષમાં સરદાર પટેલ ગ્રુપના નામે ઓફિસ ધરાવે છે અને મકાન દલાલીનું કામ કરે છે. બાબુભાઈ કોમ્પલેક્ષના પ્રમુખ પણ હોય મેન્ટેનન્સ ઉઘરાવવા માટે તેમણે કિશન નામના વ્યક્તિને રાખ્યો છે. જયારે છેલ્લા 20 દિવસથી તેમના મિત્ર મુકેશ ધીરુભાઈ ઉઘાડના સંબંધી નટુભાઈ ગાંડાભાઈ બુટાણી ( રહે.બોરડી સમઢીયાળા, તા જેતપુર, જી.રાજકોટ ) તેમની ઓફિસમાં રહેતા હતા અને રાત્રે ત્યાં જ સુતા હતા.
દરમિયાન, ગત મંગળવારે કિશને મેન્ટેનન્સના ઉઘરાવેલા રૂ.1,72,774 બાબુભાઈની ઓફિસના ટેબલના ખાનામાં મૂકી લોક માર્યું હતું અને ચાવી પોતાની સાથે લઈ ગયો હતો. બાબુભાઈએ પણ પોતાનો નવો મોબાઈલ ફોન લેવા અને વપરાશ માટે રૂ.1.35 લાખ બીજા ખાનામાં મુક્યા હતા અને સાંજે ખાનાને લોક કરી ચાલ્યા ગયા ત્યારે નટુભાઈ ઓફિસમાં જ હતા. બાદમાં ગત સવારે બાબુભાઇ ઓફિસે પહોંચ્યા તો ટેબલના ખાનાના લોક તોડી તેમાંથી પૈસાની ચોરી થયાની જાણ થઈ હતી. નટુભાઈ ત્યાં હાજર નહીં હોય તેમણે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા તો રાત્રે એક વાગ્યે નટુભાઈ ટેબલના ખાનાના લોક તોડી રૂ.3,07,774 ચોરી કરતા નજરે ચઢતા તેમણે આ અંગે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.