વાર્ષિક પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓની એકાગ્રતા વધારવા દેશી રમત નો પ્રયોગ કરતી શિક્ષણ સમિતિની કેટલીક શાળા
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આવતીકાલથી પરીક્ષા શરુ થઈ રહી છે. આ પરીક્ષા પહેલાં સમિતિની શાળાના વિદ્યાર્થીઓમાં એકાગ્રતા વધે અને તેઓ સારુ પરિણામ મેળવી શકે તે માટે કેટલીક શાળાઓ દ્વારા દેશી રમત નો પ્રયોગ કરવામાં આવ્યો છે. કેટલીક દેશી રમત થકી વિદ્યાર્થીઓને મોબાઈલ થી દુર રાખવા સાથે એકાગ્રતા વધે તેના કારણે પરીક્ષામાં સારું પરિણામ આવી શકે તેવા આ પ્રયોગના કારણે પરિણામમાં સુધારો આવે તેવો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકોને બિન શૈક્ષણિક પ્રવૃત્તિ માં જોડી દેવાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડે છે તેવી વ્યાપક ફરિયાદ છે. પરંતુ પાલિકાની કેટલીક શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સારા શિક્ષણ મળે અને વિદ્યાર્થીઓનો પાયો પણ મજબુત થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. આવતીકાલથી પરીક્ષા શરુ થઈ રહી છે તે પહેલાં કેટલીક શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની એકાગ્રતા વધે તે માટે નો અનોખો પ્રયોગ કરવામા આવ્યો હતો.
પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ વિસ્તારમાં આવેલી કંચનલાલ મામાવાલા સ્કૂલમાં વિદ્યાર્થીઓની એકાગ્રતા વધે અને વિદ્યાર્થીઓ પરીક્ષામાં ધ્યાન કેન્દ્રિત કરી શકે તે દેશી રમત નો સહારો લેવામા આવ્યો હતો. આ પ્રકારનો પ્રયોગ કરનારા શિક્ષિકા પ્રિયા કટારિયા કહે છે, કેટલીક દેશી રમત એવી છે તેના પર પૂરું ધ્યાન રાખી રમવામાં આવે છે. જમીન પર ગોળ ચોરસ એવી આકૃતિ દોરી વિદ્યાર્થીઓને આ રમત રમાડવામાં આવે છે. રમતમાં જે આદેશ આપવામા આવે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રમત રમવાની હોય છે. આવા પ્રકારની રમત ના કારણે વિદ્યાર્થીઓની એકાગ્રતામાં વધારો થાય તેવું નોંધાયું છે.
આ ઉપરાંત આવી રમતમાં વિદ્યાર્થીઓને રસ પડી રહ્યો છે અને તેના કારણે વિદ્યાર્થીઓને મોબાઈલ થી દૂર રાખવામા પણ સફળતા મળે છે. આ ઉપરાંત આ શારીરિક રમત હોય વિદ્યાર્થીઓને રમત સાથે સાથે કસરત પણ થઈ જાય છે. વિદ્યાર્થીઓને આ રમત ના કારણે એકાગ્રતામાં વધારો થતો હોય તેઓ પરીક્ષા પણ શાંત ચિતે અને એકાગ્રતાથી આપી શકે છે. હાલ આ રમતની શરુઆત છે અને જે રીતે વિદ્યાર્થીઓ એકાગરતા દર્શાવી રહ્યાં છે તે જોતાં પરિણામ ચોક્કસ સારા આવે તેવી શક્યતા છે.