સુરતમાં ઉધના વિસ્તારમાં અંબર નગરની જર્જરિત બિલ્ડીંગ રહિશો માટે જીવતા બોમ્બ સમાન
Surat Dilapidated Building : સુરતમાં પાલી ખાતેની મકાન દુર્ઘટના બાદ સુરતમાં જર્જરિત મકાન સામે કાર્યવાહી તેજ થઈ રહી છે. સુરતમાં અનેક બિલ્ડીંગમાં મકાન માલિક અને ભાડુઆત વચ્ચેની તકરારના કારણે મિલકત વધુ જર્જરિત થઈ રહી છે. જેના કારણે સુરતના હરીપુરા અને પાલી જેવી મકાન હોનારત થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. સુરતના ઉધનાના અંબર નગર ખાતે આવેલો એક જર્જરિત એપાર્મેન્ટ લોકો માટે બની શકે છે આફતરૂપ બની શકે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે. બિલ્ડીંગના માલિક મુંબઈ અને માત્ર ભાડુઆત વસવાટ કરે છે. આ બિલ્ડીંગ જર્જરિત હોવાથી પાલિકાએ અગાઉ નોટિસ આપી છે અને આજે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયાં હતા.
સુરત પાલિકાના ઉધના એ ઝોનમાં અંબર નગર વિસ્તાર આવ્યો છે જેમાં ઝૈનબ એપાર્ટમેન્ટ આવ્યો છે. આ એપાર્ટમેન્ટના જ લોકોએ પાલિકાને એક અરજી કરી છે. આ અરજીમાં તેઓએ જણાવ્યું છે કે આ એપાર્ટમેન્ટ છેલ્લા 8 વર્ષથી જર્જરિત છે. છેલ્લા પાંચ વર્ષમાં તો અનેક નોટિસ આપવામાં આવી છે અને કેટલીક વાર સ્લેબના પોપડા પડ્યા છે તેવા પણ બનાવ બન્યા છે. આ બિલ્ડીંગ જર્જરિત હોવા છતાં બિલ્ડિંગના માલિકને કંઈ પડી નથી. આ બિલ્ડીંગમાં 100 જેટલા લોકો વસવાટ કરે છે અને તે તમામના જીવને જોખમ છે. તેથી પાલિકા કડક કામગીરી કરે તેવી માંગણી કરવામાં આવી છે.
સુરતના પાલી ખાતે મકાન હોનારત બાદ પાલિકા તંત્ર વધુ સતેજ બની ગયું છે અને આ અરજીના આધારે આજે ઝોનના અધિકારીઓ મુલાકાત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. દરમિયાન, આ બિલ્ડિંગમાં માલિક અને ભાડુઆત વચ્ચે ઝઘડો હોવાની વાત પણ બહાર આવી છે.