સુરત પાલિકાના વરાછાની એક સોસાયટીમાં કોલેરાના કેસ દેખાતા તંત્ર દોડતું થયું
- ડ્રેનેજની લાઈનના શિફ્ટીંગ દરમ્યાન લિકેજ થતાં ખાનગી બોરમાં ગંદુ પાણી ભળતાં સમસ્યા ઉભી થઇ
સુરત,તા.3 જાન્યુઆરી 2024,બુધવાર
સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ જગદીશ નગર સોસાયટીમાં છેલ્લા બે-ત્રણ દિવસથી પીવાના પાણીમાં ડ્રેનેજના પાણી ભળી જતાં કોલેરાના દર્દી દેખાતા પાલિકા તંત્ર દોડતું થયું છે હાલમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન મનીષા આહિરના વોર્ડ નં. 15 (કરંજ-મગોબ)માં આવેલા જગદીશ નગર સોસાયટીમાં છેલ્લા બે-ત્રણ દિવસથી પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. ડ્રેનેજ લાઈનનું પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી જવાને કારણે આ વિસ્તારમાં પાંચથી છ જણાને કોલેરા થવાને કારણે રહેવાસીઓ ગભરાઈ ગયા છે.
જગદીશ નગરમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાની વાત બહાર આવતા પાલિકા તંત્ર દોડતું થયું છે. હાલમાં વરાછા ઝોનના વહીવટી તંત્ર દ્વારા પાણીના સેમ્પલ લેવાની સાથે-સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને એક ટીમ જગદીશ નગરમાં સ્ટેન્ડ બાયમાં મુકવામાં આવી છે.
યુદ્ધસ્તરે ડ્રેનેજના લીકેજની સમસ્યા દૂર કરવાની કવાયત હાથ ધરી હતી. આજે બપોરે લીકેજની સમસ્યા દુર કરવાની સાથે જ સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા કોલેરાના રોગચાળાની સ્થિતિને ધ્યાને રાખીને સમગ્ર સોસાયટીમાં છેલ્લા બે દિવસથી ટેન્કર દ્વારા પીવાના પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સ્થાનિકોને બોરિંગના પાણીનો ઉપયોગ ન કરવા અંગે પણ અપીલ કરવામાં આવી હતી.
મેટ્રોની લાપરવાહીને કારણે રોગચાળો થયો હોવાની ફરિયાદ
સુરત શહેરમાં છાશવારે ટ્રાફિક સહિતની સમસ્યાઓ માટે મેટ્રોની કામગીરી ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. વરાછા ઝોનમાં પણ જગદીશ નગરમાં કોલેરાના કેસો નોંધાતા હવે મેટ્રોની કામગીરી જવાબદાર હોવાની ફરિયાદ થઈ રહી છે. હાલમાં જ મેટ્રો દ્વારા આ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનના શિફ્ટીંગની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં મેટ્રોના કોન્ટ્રાક્ટર દ્વારા વરાછા ઝોનના અધિકારીઓ સાથે સંકલન ન કરતાં ડ્રેનેજની લાઈનમાં લીકેજ થવાને કારણે આ પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી ગયું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.