Get The App

છેલ્લા 5 વર્ષમાં સુરત શિક્ષણ સમિતિની શાળામાં ખાનગી સ્કુલમાંથી 48778 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
છેલ્લા 5 વર્ષમાં સુરત શિક્ષણ સમિતિની શાળામાં ખાનગી સ્કુલમાંથી 48778 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો 1 - image


Surat News : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષણનું સ્તર નીચું ગયા હોવાના આક્ષેપની વચ્ચે ખાનગી શાળામાંથી સમિતિની શાળામાં પ્રવેશ મેળવનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં શિક્ષણ સમિતિની સ્કૂલમાં 48778 વિદ્યાર્થીઓએ ખાનગી સ્સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે. તેમાં પણ કોરોના કાળ દરમિયાન સૌથી વધુ 13673 બાળકોએ ખાનગી સ્કૂલ છોડીને પાલિકાની સ્કૂલમાં પ્રવેશ લીધો હતો. ખાનગી શાળામાંથી અભ્યાસ છોડીને પાલિકાની શાળામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે અને તેના કારણે સમિતિના વિદ્યાર્થીઓનો આંકડો પણ 1.90 લાખ સુધી પહોંચી ગયો છે. સતત વધતી સંખ્યા હોવાના કારણે શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે કે સમિતિના શિક્ષણનું સ્તર સુધર્યું છે. તેવી ચર્ચા શરુ થઈ રહી છે. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આમ તો વિવાદનું ઘર છે પરંતુ છેલ્લા કેટલાક વખતથી સમિતિના શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે આ ઉપરાંત હાલમાં વધતી જતી મોંઘવારી અને તેમાં પણ ખાનગી શાળાઓમાં શિક્ષણ ઘણું જ મોંઘુ થઈ રહ્યું હોવાથી મધ્યમ વર્ગમાં પણ ખાનગી શાળાનો મોહ ઓછો થઈ રહ્યો છે. તેના પરિણામે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોની ઘટ વચ્ચે વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 

હાલમાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 1.90 લાખ ને પાર કરી ગઈ છે. મોટા ભાગની શાળાઓમાં હાઉસ ફુલ જેવી હાલત છે આ સંખ્યા વધવા પાછળનું કારણ ખાનગી શાળામાં અભ્યાસક્રમ છોડીને અનેક વિદ્યાર્થીઓ પાલિકાની શાળામાં એડમિશન લઈ રહ્યા છે.  છેલ્લા પાંચ  વર્ષના આંકડા જોવામાં આવે તો ખાનગી શાળામાંથી સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 48778 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા જોવામાં આવે તો કોરોના કાળ પછી સૌથી વધુ એટલે કે વર્ષ 2021- 22માં 13676 વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી પ્રવેશ લીધો હતો. કોરોના કાળ દરમિયાન અનેક લોકોના નોકરી ધંધા બંધ થઈ ગયા હતા તેના કારણે  ફી ભરવી પણ પોસાય તેમ ન હોવાથી અનેક વાલીઓએ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી પાલિકાની શાળામાં એડમિશન લેવડાવ્યું હતું. 

સરકારી શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકો સ્માર્ટ બનાવવાનો પ્રયાસ

સુરતમાં ખાનગી સ્કૂલોની જેમ સરકારી સ્કૂલમાં શિક્ષણનું સ્તર સુધારવા સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓને સ્માર્ટ બનાવવા પાલિકા પ્રયાસ કરી રહી છે. આ પ્રયાસના ભાગરૂપે ખાનગી સ્કૂલમાં જેમ ઈન્ટર એક્ટિવ(સ્માર્ટ બોર્ડ) પર શિક્ષણ અપાય છે તેમ સમિતિ અને સુમન સ્કુલમાં પણ આ બોર્ડ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ માટે શિક્ષકોને ખાસ તાલીમ આપવામાં આવી છે. આ બોર્ડના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણમાં રૂચી વધવા સાથે શિક્ષકો ઓછી મહેનતે વધુ સારું શિક્ષણ આપી રહ્યાં છે. 

વિવિધ પ્રયોગ, દાખલા અને વાર્તાનું ઓડિયો વિડિયોથી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. આ પ્રકારની પદ્ધતિથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં કંટાળો આવતો નથી અને રસપૂર્વક માહિતી નિહાળી રહ્યા હોવાથી શિક્ષણ જલ્દી પણ ગ્રહણ કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કંટાળો ઓછા થઈ રહ્યો હોવાથી શિક્ષણનું સ્તર વધુ સુધરે તેવો દાવો કરવામા આવી રહ્યો છે. આ બોર્ડને ઈન્ટરનેટ સાથે જોડી દેવામાં આવ્યું હોવાથી આધુનિક માહિતી વિદ્યાર્થીઓને મળી રહે છે અને વિદ્યાર્થીઓ ઝડપથી શીખી પણ રહ્યાં છે.

આ પ્રકારની સુવિધા પહેલા ખાનગી શાળામાં જ હતી પરંતુ સમિતિની શાળામાં સ્માર્ટ બોર્ડની સુવિધા ઉભી થતાં વિદ્યાર્થીઓને રિવિઝન કરાવવાની કામગીરી તદ્દન સરળ અને અસરકારક બની ગઈ છે. બોર્ડના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હોય ત્યારે રેફરન્સ માટે ફોટા અને વિડિયો નેટ પરથી સીધા બતાવી શકાય છે.

કસોટીના પ્રશ્નપત્ર પણ ઈન્ટર એક્ટિવ બોર્ડ પર 

વિદ્યાર્થીઓને પરીક્ષા માટે રિવિઝન કરવા માટે હવે સમિતિની કેટલીક સ્કૂલના શિક્ષકો ઈન્ટર એક્ટિવ બોર્ડનો ઉપયોગ કરી રહ્યાં છે. હાલમાં એકમ કસોટીના પ્રશ્નપત્ર તથા તેના જવાબો માટેની માહિતી સાથેની ઓડિયો વ્યુઝીયલ ઈન્ટર એક્ટિવ બોર્ડ પર બતાવી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. પરીક્ષાની તૈયારી મેન્યુઅલી કરવામા આવે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ કંટાળો અનુભવતા હોય છે પરંતુ ઈન્ટર એક્ટિવ બોર્ડ પર પરીક્ષાને લગતી માહિતી આપવામાં આવતી હોવાથી વિદ્યાર્થીઓ રસ પૂર્વક અભ્યાસ કરી રહ્યાં છે.

સમિતિની સ્કૂલમાં ફી વિના ખાનગી સ્કૂલ જેવી સુવિધાના કારણે વિદ્યાર્થીઓ વધી રહ્યાં છે : અધ્યક્ષ 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ફી વિના ખાનગી સ્કૂલ જેવી સુવિધાના કારણે વિદ્યાર્થીઓ વધી રહ્યાં છે હોવાની વાત શિક્ષણ સમિતિના અધ્યક્ષ કરી રહ્યાં છે. સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડીયા કહે છે,  સમિતિની સ્કૂલમાં સુવિધામાં વધારો કરવા સાથે શિક્ષણનું સ્તર સુધારવા અને કોમ્પ્યુટર વિષય તથા અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરતા ખાનગી સ્કૂલ માંથી દર આ વિદ્યાર્થીઓ સમિતિની સ્કૂલમાં પ્રવેશ લઈ રહ્યા છે. આ ઉપરાંત પાલિકાની શાળામાં વિનામુલ્યે પુસ્તક, સ્કુલ બેગ, બુટ-મોજા સહિતની સામગ્રી આપવામા આવે છે અને મધ્યાહન ભોજન પણ આપવામા આવે છે તેના કારણે પણ અનેક વિદ્યાર્થીઓ સમિતિની શાળામાં પ્રવેશ લઈ રહ્યાં છે.

વર્ષ               

ખાનગી શાળામાંથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા

2019-20               

5814

2020-21                 

7051

2021-22                 

13673

2022-23                   

8971

2023-24                   

12369

કુલ                             

48778


Google NewsGoogle News