સુરતમાં સવારે ત્રણ કલાકમાં 475 ગણેશજીની પ્રતિમાનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાયું
- સુરતમાં સવારે છ વાગ્યાથી વિસર્જન પ્રક્રિયા શરૂ કરવામાં આવી
- પાલિકાએ બનાવેલા 19 કૃત્રિમ તળાવમાં શાંતિપુર્ણ માહોલમાં વિસર્જનની કામગીરી શરૂ થઈ
સુરત,તા.9 સપ્ટેમ્બર 2022,શુક્રવાર
દસ દિવસની બાપાની પુજા અર્ચના બાદ આજે સુરતમાં વિસર્જનની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરતમાં સવારે છ વાગ્યા પહેલાં જ વિસર્જનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પહેલા ત્રણ કલાકમાં સુરતમાં 475 પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
સુરતની તાપી નદી કે તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ હોવાથી સુરત મ્યુનિ.તંત્રએ શહેરના જુદા જુદા વિસ્તારમાં 19 કૃત્રિમ તળાવ બનાવ્યા છે. આ તળાવમાં પ્રતિકાત્મક વિસર્જન કરાયા બાદ હજીરા જેટી પર શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે.
વર્ષો પહેલા સુરતમાં તાપી નદીમાં વિસર્જન થતું હતું ત્યારે બપોર બાદ વિસર્જન મોટી સંખ્યામાં થતું હતું પરંતુ ત્યાર બાદ હવે લોકોમાં આવેલી જાગૃતિના બાદ વહેલી સવારથી ગણેશ પ્રતિમા વિસર્જનની કામગીરી શરૂ થઈ છે.
સુરત મ્યુનિ. તંત્રએ બનાવેલા કૃત્રિમ તળાવમાં સવારે છ વાગ્યાથી સાત વાગ્યા વચ્ચે 30 પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. જ્યારે 7થી 8 વાગ્યા વચ્ચે 134 ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. આ ઉપરાંત 8 વાગ્યાથી 9 વાગ્યા વચ્ચે શહેરમાં 475 શ્રીજીની પ્રતિામનું વિસર્જન કરવામા આવ્યું છે.