સરથાણામાં ખાડી કિનારેની હોસ્ટેલમાં પાણી ઘૂસી જતા 40 વિદ્યાર્થી સહિત 45 લોકોનું ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
Heavy Rain in Surat : સુરતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો હોવાથી કેટલાક વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે. આવા સમયે સરથાણામાં વ્રજ ચોક પાસે ખાડી કિનારે વરસાદી પાણીનું લેવલ વધીને નજીકમાં આવેલી શાળા અને હોસ્ટેલ ઘૂસી ગયું હતું. જેથી ત્યાં અભ્યાસ કરતા 40 વિદ્યાર્થીઓ સહિત 45 વ્યક્તિઓને ફાયર જવાનોએ રેસ્ક્યુ કરી બોટમાં સહી સલામત બહાર કરતા તમામ રાહતનો શ્વાસ લીધો હતો.
ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ સરથાણા વ્રજચોક લટુંરીયા હનુમાન મંદિર પાસે ખાડી કિનારે આવેલ આદર્શ નિવાસી શાળા અને બોઇઝ હોસ્ટેલ આવેલી છે. જોકે વરસાદના લીધે ખાડી પાણીથી ફુલ થઈ અને વરસાદના લીધે પાણીનું લેવલ વધી રહ્યું હોવાથી સ્કૂલમાં અને હોસ્ટેલમાં ઘૂસી ગયું હતું. જેને લીધે ત્યાં હાજર ધોરણ 9 અને 10 વિદ્યાર્થીઓ અને ત્યાં શિક્ષક સહિતના સ્ટાફમાં ગભરાઈ જઈને ભાગદોડ થઈ જવા પામી હતી.
ફાયર વિભાગને કોલ મળતા જ ફાયર કાફલો ઘટના સ્થળે ઘસીને વિદ્યાર્થીઓ અને સ્ટાફને વારાફરતી બોટમાં બેસાડી નજીકમાં આવેલા વારીગૃહમાં લઈ ગયા હતા. બાદમાં ત્યાંથી સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે શિફ્ટિંગ કરવાની કામગીરી એક કલાક સુધી કરવામાં આવી હતી. જોકે ફાયર લાશ્કરો રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢતા તમામ વિદ્યાર્થી અને સ્ટાફે રાહત અનુભવ્યો હોવાનું ફાયર અધિકારીએ જણાવ્યું હતું.