સુરતમાં સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલમાં 315 નર્સ, વોર્ડ બોય અને આયાની નિમણુંક કરવામાં આવશે
- સુરત પાલિકા સંચાલિત હોસ્પિટલમાં કર્મચારીઓની ઘટ પૂરી કરવા કવાયત હાથ ધરી
- લાંબા સમયથી પાલિકાની હોસ્પિટલમાં દર્દી અને સગાઓને નડતી મુશ્કેલી દુર કરવા માટે કર્મચારીઓની ભરતી કરવા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત
સુરત,તા.28 ફેબ્રુઆરી 2024,બુધવાર
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે મદદરુપ થાય તેવા નર્સ, વોર્ડ બોય અને આયાની ઘટ હોવાની અનેક ફરિયાદ બાદ હાલમાં પાલિકાના શાસકોએ પાલિકા સંચાલિત હોસ્પિટલમાં કર્મચારીઓની ઘટ પૂરી કરવા કવાયત શરૂ કરી છે. પાલિકાની સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલમાં 315 નર્સ, વોર્ડ બોય અને આયાની નિમણુંક કરવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજુ કરવામા આવે છે તેના પર સ્થાયી સમિતિ નિર્ણય કરાશે.
સુરત પાલિકાની સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારવાર દરમિયાન સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલમાં નર્સ, વોર્ડ બોય અને આયાની ઘટ હોવાથી તબીબ અને દર્દી તથા તેમના સગાંઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાલિકાની હોસ્પિટલમાં આવા કર્મચારીઓની ભરતી ન થતી હોવા સાથે ઘટ હોવાથી અનેક વખત દર્દીઓના સગાઓએ વોર્ડ બોયની કામગીરી કરવી પડતી હોય વિવાદ થતા હતા. આવા પ્રકારની અનેક ફરિયાદ હોવાના કારણે હાલમાં સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલમાં 315 નર્સ, વોર્ડ બોય અને આયાની નિમણુંક કરવામાં માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. પાલિકાની સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલમાં 90 નર્સ, 140 વોર્ડ બોય અને 85 આયાની આઉટસોર્સથી જગ્યાઓ ભરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં નર્સને મહિને 22,601 રૂપિયા જ્યારે વોર્ડ બોય અને આયાને મહિને 19,505 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવશે. આ દરખાસ્ત પર આગામી સ્થાયી સમિતિ દ્વારા નિર્ણય કરાશે.