વિશ્વ વિકલાંગ દિવસે ગુજરાતના 3111 દિવ્યાંગ બાળકો ગાયત્રી મંત્ર લેખન કરશે

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
વિશ્વ વિકલાંગ દિવસે ગુજરાતના 3111 દિવ્યાંગ બાળકો ગાયત્રી મંત્ર લેખન કરશે 1 - image


- દિવ્યાંગોને આધ્યાત્મિક માર્ગે લઈ જઈ આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ

- સુરતના એક નિવૃત્ત શિક્ષિકાએ અત્યાર સુધીમાં 6 હજારથી વધુ દિવ્યાંગ બાળકોને ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં માટે તૈયાર કર્યા 

સુરત,તા.22 નવેમ્બર 2023,બુધવાર

આગામી 3 ડિસેમ્બરે વિશ્વ વિકલાંગ દિવસે સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના 3111 વિવિધ દિવ્યાંગ બાળકો એક સાથે એક કલાકના સમય સુધી ગાયત્રી મંત્ર લેખન કરશે. દિવ્યાંગ બાળકોમાં પ્રેમના આત્મિક વિકાસ માટે સતત સાધના કરવાની સુટેવ કેળવાય તે માટે છેલ્લા કેટલાક સમયથી પ્રયાસ થઈ રહ્યાં છે તેમાં પણ સુરતની એક નિવૃત્ત શિક્ષિકાએ દિવ્યાંગોને આધ્યાત્મિક માર્ગે લઈ જઈ આત્મવિશ્વાસ વધારવા માટે કામગીરી શરૂ કરી તેમાં અત્યાર સુધીમાં 6 હજાર કરતાં વધુ દિવ્યાંગ વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા આપી છે. 

વિશ્વ વિકલાંગ દિવસે ગુજરાતના 3111 દિવ્યાંગ બાળકો ગાયત્રી મંત્ર લેખન કરશે 2 - image

વિવિધ કુદરતી ખોડ ખાંપણ ધરાવતા બાળકો જેઓ પર ભગવાનની વિશેષ કૃપા હોય છે પરંતુ તેઓ સમાજના મુખ્ય પ્રવાહથી કેટલાક કારણોથી દૂર રહે છે. આવા દિવ્યાંગ બાળકોને સમાજ ના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. સુરતના નિવૃત્ત શિક્ષિકા હેમાંગીની દેસાઈએ દિવ્યાંગોને આધ્યાત્મિક માર્ગે લઈ જઈ આત્મવિશ્વાસ વધારવા માટેની કામગીરી 2010થી કરી રહ્યાં છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, હરિદ્વાર દ્વારા દેશભરમાં લેવાતી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં સુરત અગ્રેસર છે. સુરતની શિક્ષિકાના પ્રયાસના કારણે આ પરીક્ષામાં અત્યાર સુધીમાં 6000 બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આટલું જ નહી પરંતુ આ છ હજાર વિદ્યાર્થીઓમાંથી 90 રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ અનેક સિદ્ધિ મેળવી છે. 

વિશ્વ વિકલાંગ દિવસે ગુજરાતના 3111 દિવ્યાંગ બાળકો ગાયત્રી મંત્ર લેખન કરશે 3 - image

આગામી 3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસના અનુસંધાનમાં 5 ડિસેમ્બરે દિવ્યાંગોને દયાની નજરે નહીં પરંતુ ગૌરવની દ્રષ્ટિએ નિહાળે તે માટેનો પ્રયાસ થઈ રહ્યો છે. પાંચમી ડિસેમ્બરે ગુજરાત ભરમાં 11:30 થી 12:30 સમય દરમિયાન રાજ્યના 10 જિલ્લાની શાળાના 3111 દિવ્યાંગ વિદ્યાર્થીઓ જે પૈકી 640 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ ગાયત્રી મંત્ર જાપ કરશે, 908- મુકબધીર વિદ્યાર્થીઓ તથા 413 શારીરિક રીતે વિકલાંગ વિદ્યાર્થીઓ ગાયત્રી મંત્ર લેખન કરશે અને 1150 મંદ બુદ્ધિ ધરાવતા મનો દિવ્યાંગ બાળકો પંડિત શ્રીરામ શર્માના અવાજમાં ધ્વનિમુદ્રિત થયેલા ગાયત્રી મંત્રની મદદથી ધ્યાન કરશે આવા પ્રકારના પ્રયાસને કારણે ઉદભવતી સામૂહિક ઉર્જા દિવ્યાંગોના આત્મિક વિકાસને વેગ આપશે.

વિશ્વ વિકલાંગ દિવસે ગુજરાતના 3111 દિવ્યાંગ બાળકો ગાયત્રી મંત્ર લેખન કરશે 4 - image

સુરતના નિવૃત્ત શિક્ષિકા આ કામગીરી પોતાના પેન્શનના પૈસા તથા અન્ય કેટલીક મદદ લઈને કરી રહ્યાં છે. તેઓ કહે છે આ બાળકો ભગવાનનું જ એક સ્વરૂપ છે તેથી આવા બાળકોમાં  આત્મવિશ્વાસ આવે તે ઘણું મહત્વનું છે.


Google NewsGoogle News