Get The App

સુરતમાં સાંસ્કૃતિક સમિતિના રેઢિયાળ વહીવટથી સમિતિની ઈમેજને ધક્કો, આમંત્રિત 300 શિક્ષકોને ભોજન ન મળ્યું

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
સુરતમાં સાંસ્કૃતિક સમિતિના રેઢિયાળ વહીવટથી સમિતિની ઈમેજને ધક્કો, આમંત્રિત 300 શિક્ષકોને ભોજન ન મળ્યું 1 - image


- સુરતમાં સાંસ્કૃતિક સમિતિના રાસ-ગરબા સ્પર્ધામાં આયોજના અભાવે જમવાનું ખુટી પડ્યું, આમંત્રિત 300 જેટલા શિક્ષકોને ભોજન ન મળ્યું 

- સાંસ્કૃતિક સમિતિના મનસ્વી વહિવટ અને એકલા જ શ્રેય ખાટવાની લ્હાયમાં ભોજનના ઓર્ડર ઓછો અપાયો : શિક્ષકોને ખમણનો નાસ્તો આપવા પણ લાઈનમાં ઉભા રખાયા

સુરત,તા.19 ઓક્ટોબર 2023,ગુરૂવાર

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત રાસ ગરબાની સ્પર્ધામાં સાંસ્કૃતિક સમિતિના રેઢિયાળ વહીવટથી સમિતિની ઈમેજને ધક્કો પહોંચ્યો છે. શિક્ષણ સમિતિની સૌથી મોટી રાસ ગરબા સ્પર્ધાનું આયોજનનો શ્રેય એકલા જ ખાટવા માટે સાંસ્કૃતિક કમિટિએ બધો કારભાર એકલા જ કર્યો હતો જેમાં સ્પર્ધામાં હાજર રહેલા શિક્ષકો, વાલી અને વિદ્યાર્થીઓની સંખ્યામાં લોચા પડ્યા હતા. જેના કારણે સ્પર્ધા ધરમિયાન યોજાયેલા ભોજન સમારંભમાં ભોજન ખુટી પડતાં અફરા તફરી થઈ ગઈ હતી. આ રેઢિયાળ વહિવટના કારણે આમંત્રણ અપાયેલા 300 જેટલા શિક્ષકોને ભોજન મળ્યું ન હતું અને નાસ્તા માટે પણ લાઈનમાં ઉભા રખાતા તેઓના સ્વમાનને ઠેસ પહોંચી હતી.

સુરત મહાનગપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિવાદનું બીજુ નામ બની રહી છે. શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષે રાસ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે તેમાં સાંસ્કૃતિક સમિતિના રેઢિયાળ કારભારને કારણે વિવાદ ઉભો થાય છે. ગત વર્ષે સ્પર્ધા દરમિાયન બાળકોની હાજરી પુરે તેમ શિક્ષકોની હાજરી પુરીને શિક્ષકોનું અપમાન કર્યું હતું. પરંતુ આ વર્ષે તો સ્પર્ધા માટે આમત્રણ અપાયેલા શિક્ષકોનું એનાથી મોટું અપમાન શિક્ષણ સમિતિએ કર્યું હોવાનો કકળાટ સાંભલવા મળી રહ્યો છે.

પાલિકાના વરાછા ઝોન વિસ્તારમાં આવેલા સરદાર સ્મૃતિ ભવનમાં શિક્ષણ સમિતિની રાસ ગરબા-લોક નૃત્યની સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું હતુ. સવારે 9 વાગ્યાથી આ સ્પર્ધા શરૂ થઈ હતી. કેટલીક કૃતિ પુરી થયાં બાદ ભોજનનો સમય થતાં બ્રેક પાડવામા આવ્યો હતો. તમામ હાજર લોકો, આમંત્રિતોને ભોજન માટે આવવા જાહેરાત કરવામા આવી હતી. પરંતુ સાંસ્કૃતિક સમિતિએ ભાગ લેનારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને આમંત્રિત શિક્ષકોની સંખ્યા પહેલાથી જ નક્કી હતી અને તે પ્રમાણે જ આમંત્રણ અપાયા હતા. આ સ્પર્ધા આખો દિવસની હોય સમિતિ દ્વારા આમંત્રિતો અને ભાગ લેનારાઓ માટે ભોજનની વ્યવસાથા કરવામાં આવી હતી. 

પરંતુ શિક્ષણ સમિતિની સાંસ્કૃતિક સમિતિ દ્વારા આયોજનમાં કાચું કાપ્યું હતું અને ભોજન માટેનો ઓર્ડર આપવામાં લોચો માર્યો હતો. જેના કારણે ભોજન સમારંભ શરૂ થયું તેના થોડા જ સમયમાં ભોજન ખુટી પડ્યાની બુમ પડવાની શરુ થઈ ગયું હતું. જે લોકો લાઈનમાં ઉભા હતા તેઓને પણ પુરુ ભોજન મળ્યું ન હતું તેવી અનેક ફરિયાદ હતી. થોડા સમય બાદ ભોજન પુરુ થઈ ગયું હતું ત્યારે 300 થી વધુ આમંત્રિત શિક્ષકો ભોજન કરવાના બાકી હતી. સમિતિના એક સભ્યએ તાત્કાલિક ભોજન માટે પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. ત્યાર બાદ સિક્ષકો માટે ખમણનો નાસ્તો મંગાવવામા આવ્યો હતો અને તેમાં પણ શિક્ષકોને લાઈનમાં ઉભા રાખી દેવાતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી હતી. 

સાંસ્કૃતિક સમિતિ દ્વારા કરવામાં આવેલા રેઢિયાળ વહિવટના કારણે શિક્ષણ સમિતિના અન્ય સભ્યો પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. આવી સ્થિતિ સાંસ્કૃતિક સમિતિએ સ્પર્ધાનું આયોજનનો શ્રેય એકલા જ ખાટવા માટે સાંસ્કૃતિક કમિટિએ બધો કારભાર જાતે કર્યો હતો તેના કારણે સ્થિતિ ઉભી થઈ હોવાની ચર્ચા થઈ રહી છે.


Google NewsGoogle News