સુરત પાલિકાના નવ ઝોનમાં વિકાસના કામો માટે 260 કરોડનો ખર્ચ કરાયો , લિંબાયત ઝોન સૌથી અગ્રેસર
- વિકાસના કામોમાં સૌથી અગ્રેસર લિંબાયત ઝોનમાં 47.86 કરોડ જ્યારે સૌથી ઓછા વરાછાએ ઝોનમાં 7.95 કરોડનો ખર્ચ કરાયો
સુરત,તા.20 નવેમ્બર 2023,સોમવાર
સુરત મહાનગરપાલિકાએ આ નાણાકીય વર્ષમાં રેકર્ડ બ્રેક વિકાસના કામો કર્યા છે. સુરત પાલિકાએ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 1700 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે જે ગત વર્ષ કરતાં એક હજાર કરોડ વધુ થયો છે. જેમાં સુરતમાં આઈકોનિક પ્રોજેક્ટને બાદ કરતાં સુરત પાલિકાના નવ ઝોનમાં 260 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકાએ ગત વર્ષે દિવાળી પહેલાં 700 કરોડના કેપીટલ કામો કર્યા હતા. જે આ વર્ષે અધધ કહી શકાય તેમ 1700 કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં પાલિકાના નવ ઝોનમાં 260 કરોડના કેપીટલ કામો કરવામાં આવ્યા છે. જેમાં લિંબાયત ઝોનમાં સૌથી વધુ 47.86 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે સૌથી ઓછો ખર્ચ પાલિકાના વરાછાએ ઝોનમાં 7.95 કરોડનો નોંધાયો છે.
સુરત પાલિકાએ દિવાળી પહેલાં જ કેપીટલ ખર્ચમાં રેકર્ડ બ્રેક કર્યો છે 1700 કરોડથી વધુના કેપીટલ ખર્ચમાં હાઇડ્રોલિક પાણી શુદ્ધિકરણ અને વિતરણ પાછળ સૌથી વધારે 378.87 કરોડનો ખર્ચ થયો છે. આ ઉપરાંત તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ 224.55 કરોડના ખર્ચ સાથે બીજા ક્રમે રહ્યો છે. જ્યારે પાલિકામાં ડ્રેનેજ વિભાગ દ્વારા 156.96 કરોડ અને એફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેક્ટ માટે 142.18 કરોડનો ખર્ચ નોધાયો છે. સુરત પાલિકાના સ્પેશિયલ સેલ વિભાગ દ્વારા 134.60 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
સુરત પાલિકાના રોડ વિભાગ દ્વારા 115 કરોડ, બ્રિજ સેલમાં 85.34 કરોડ તથા ખજોદ ડિસ્પોઝલ સાઈડ ઉંળ ખસેડવા માટે 28.16 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રજાલક્ષી સુવિધા અને અન્ય પ્રકલ્પો, પ્રોજેક્ટોને બાદ કરતા ઝોન કક્ષાએ 260 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત દિવાળી પહેલાં પાલિકાના નવ ઝોન પાછળ 259 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે જેમાં લિંબાયત ઝોનમાં 47.86 કરોડના ખર્ચ સાથે અગ્રેસર છે. જ્યારે કતારગામ ઝોનમાં 47.56 કરોડ, વરાછા બી ઝોનમાં 46.19 કરોડ, રાંદેર ઝોન 34.07 કરોડ, ઉધના ઝોનમાં 28.62 કરોડ, અઠવા ઝોનમાં 26.14 કરોડ, ઉધના બી ( કનકપુર) ઝોનમાં 11.48 કરોડ. સેન્ટ્રલ ઝોનમાં 9.14 કરોડ અને વરાછાએ ઝોનમાં 7.95 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.