સતત ટ્રાફિક થી ધમધમતા હજીરા વિસ્તારમાં કવાસ પાટિયા અને રિલાયન્સ કંપની સામે 152 કરોડના ખર્ચે બે ઓવરબ્રિજ બનાવાશે
image : Twitter
સુરત,તા.09 માર્ચ 2024,શનિવાર
પિકઅવર્સમાં સતત ટ્રાફિક જામ થી ધમધમતા હજીરા વિસ્તારના કવાસ પાટિયા અને રિલાયન્સ કંપનીના ગેટ સામે 152 કરોડના ખર્ચે બે ઓવરબ્રિજ બનાવવા માટે હાઇવે ઓથોરીટીએ ટેન્ડર ઇસ્યૂ કરતા હજીરા વિસ્તારના ગ્રામજનો અને મહાકાય કંપનીને રાહત થશે.
હજીરાપટ્ટી પર રિલાયન્સ, અદાણી, કૃભકો એલ એન્ડ ટી,એએમએનએસ સહિતની મહાકાય કંપનીઓ આવી છે. આ વિસ્તારમાં હજીરાથી ધુલિયાને જોડતા મુખ્ય હાઇવે હોવાથી દરરોજ વિવિધ રાજ્યોમાંથી હજારો ટ્રક, ટેઇલર જેવા ભારે વાહનોની અવરજવર રહે છે. તો કંપનીની આજુબાજુમાં કવાસ, મોરા, દામકા, રાજગરી, જૂનાગામ સહિતના 15 થી વધુ ગ્રામજનો અને મહાકાય કંપનીના કર્મચારી અધિકારીઓના સતત વાહનોની અવરજવરથી હાઈવે ધમધમતો રહે છે. પિકઅવર્સમાં તો ટ્રાફિકજામની સમસ્યા સતત રહે છે. આ ઉપરાંત રસ્તાની બંને બાજુના કિનારા પર મોટા મોટા વાહનો પાર્ક કરી દેવામાં આવે છે.જેના કારણે કવાસ પાટિયાથી મોરા તરફ જતા હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે.
કંપનીના કર્મચારી, ગ્રામજનોની ટ્રાફિક સમસ્યા કાયમી ધોરણે નિવારવા માટે ગ્રામજનોએ ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈને રજૂઆત કરતા છેક દિલ્હી કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરતા તેમણે લોકોને પડતી હલકીને ધ્યાને લઇ તાત્કાલિક અસરથી કવાસપાટિયા અને રિલાયન્સ કંપની પાસે ઓવરબ્રિજ બનાવવા નેશનલ હાઇવે ઓથોરિટીને આદેશ કર્યો હતો. દરમિયામ હાઇવે ઓથોરીટીએ તાત્કાલિક અસરથી આ બંને જગ્યા 152 કરોડના ખર્ચે બ્રિજ બનાવવા ટેન્ડર ઇસ્યુ કરી દીધા હતા.