બે મહિના પહેલા સુરતમાં વિપક્ષના કોર્પોરેટરે ગેરકાયદે ટેમ્પરરી સ્ટ્રકચર માટે ફરિયાદ કરી હતી પણ પરિણામ શૂન્ય
Surat Corporation : રાજકોટ આગ દુર્ઘટના બાદ સુરત પાલિકાએ ફાયર એન.ઓ.સી. કે અન્ય ગેરકાયદે પ્રવૃત્તિ અંગે માહિતી ભેગી કરવાનું શરુ કર્યું છે. પરંતુ પાલિકાની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. પાલિકાના વિપક્ષના એક કોર્પોરેટરે વરાછા વિસ્તારમાં ખુબ મોટા પાયે ટેમ્પરરી સ્ટ્રક્ચર હોવાની ફરિયાદ કરી હતી અને તેના કારણે હોનારત થાય તેવું જણાવ્યું હતું. આ ફરિયાદને બે મહિના જેટલો સમય થયો હોવા છતાં પાલિકા દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સુરત પાલિકાના વિપક્ષના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ માર્ચ મહિનામાં પાલિકાને એક પત્ર લખીને શહેરના વરાછા વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં ટેમ્પરરી સ્ટ્રકચર ગેરકાયદેસર છે તેવું જણાવ્યું હતું. જોકે, આવી ગંભીર ફરિયાદ છતાં પણ કોઈ પગલાં કેમ નથી ભરવામાં આવ્યા તે ચર્ચાનો વિષય બન્યો છે. પત્રમાં જણાવ્યું હતું કે, વરાછા ઝોન એ માં ઇલેક્શન વોર્ડ નં 17 માં આવેલ TP 17, 20, અને 60 માં ખુબ મોટા પાયે ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવી દેવામાં આવેલા છે, આ તમામ ટેમ્પરરી સ્ટ્રક્ચર પ્લાન વિરુદ્ધ, સુરત મહાનગરપાલિકા ની પરમિશન વગર તથા પરમિશન લીધેલ હોય તો તેની સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલા જણાય આવેલ હોય, તમામ ટેમ્પરરી સ્ટ્રક્ચર સુરત મહાનગરપાલિકા ની ગાઈડ લાઈન વિરુદ્ધ છે. આ ઉપરાંત આ સ્ટ્રક્ચર માટે કોઈ પ્રકારની પરવાનગી લેવામાં આવી નથી અને જે પરવાનગી છે તે પરવનગી પુરી થઈ ગઈ છે. આવી ગંભીર ફરિયાદ છતાં હજી સુધી પાલિકાએ કોઈ પગલાં ભર્યા ન હોવાથી પાલિકાના અધિકારીએ સામે શંકા ઉભી થઈ રહી છે.