Get The App

યુવાન કલ્યાણજીએ નાગિનથી આગવી કેડી કંડારી

Updated: Apr 30th, 2021


Google NewsGoogle News
યુવાન કલ્યાણજીએ નાગિનથી આગવી કેડી કંડારી 1 - image


- સિનેમેજિક-અજિત પોપટ

સાચા સંગીત રસિકો તો તરત પામી ગયેલા કે આ વાત કલ્યાણજી વીરજી શાહની છે જેમણે પાછળથી પોતાના નાનાભાઇ આનંદજી અને બાબલા સાથે મળીને ફિલ્મ સંગીતના સુવર્ણયુગમાં મબલખ પ્રદાન કર્યું. કલ્યાણજી સોલોવોક્સ શોધતા હતા. એ તો મળ્યું નહીં. પણ એવુંજ એક વિદેશી સેકંડહેન્ડ સાજ ક્લેવોયલિન મળી ગયું. આ ક્લેવોયલિનમાં ગારુડી-મદારી વગાડતા એ પૂંગી (બિન)ની ઇફેક્ટ સર્જીને કલ્યાણજીએ જે પાર્શ્વસંગીત તૈયાર કર્યું એ ફિલ્મ નાગિનના 'મન ડોલે મેરા તન ડોલે..' ગીતનું અનિવાર્ય અંગ બની ગયું.રાતોરાત કલ્યાણજી દેશના ખૂણે ખૂણે જાણીતા થઇ ગયા. 

આજે તો કેસિયો, યામાહા, રોલાન્ડ, કૂર્ગ, કવાઇ અને બીજી અર્ધો ડઝન બ્રાન્ડના કી બોર્ડ ઉપલબ્ધ છે. પરંતુ ૧૯૫૦ના દાયકામાં આવા ઇલેક્ટ્રોનિક સાજને અપનાવનારા કલ્યાણજી વીરજી શાહ પહેલા હતા. એ રીતે એમને કી ઇલેક્ટ્રોનિક સંગીતના પાયોનિયર કહી શકાય. એમના વિશે વધુ વાત કરવા પહેલાં થોડી પૂર્વભૂમિકા જોઇ લઇએ. કચ્છના મુંદ્રા તાલુકાના કુંદરોડી ગામના વેપારી વીરજી પ્રેમજી શાહના પુત્રોમાં કલ્યાણજી, આનંદજી અને બાબલાને ગળથૂથીમાં જ સંગીત મળ્યું હતું એમ કહી શકાય. વીરજીભાઇના બા અને વીરજીભાઇનાં પત્ની અત્યંત હલકદાર કંઠે લોકગીતો અને ભજનો ગાતાં. એ ગીતો સંતાનોનાં હૈયામાં ઘર કરી ગયા હતા.

વેપાર ધંધા અર્થે વીરજીભાઇ મુંબઇ આવ્યા અને કલ્યાણજી તથા આનંદજીને મુંબઇના માટુંગા વિસ્તારમાં આવેલા જૈન છાત્રાલયમાં શિક્ષણ માટે મૂક્યા. પહેલેથી જ આ બંનેને શિક્ષણમાં ઝાઝો રસ નહીં. છાત્રાલયના વાદ્યવૃન્દ (જૈન બેન્ડ)માં કલ્યાણજી જોડાઇ ગયા અને જુદાં જુદાં વાદ્યો વગાડતા થયા. કલ્યાણજીનો એક મિત્ર પોતાના દોસ્તની હાજરી સ્કૂલમાં પૂરાવી દેતો. કલ્યાણજીને સ્વર સાધનામાં લીન રહેવાની સગવડ મળી રહેતી. એક વાર તો છાત્રાલયના કમ્પાઉન્ડમાં પડેલા નાનકડા ગોળ પથ્થરો ભેગા કરીને પાષાણ-તરંગ જેવું વાદ્ય બનાવવાનો પ્રયાસ પણ કલ્યાણજીએ કરેલો.

છાત્રાલયમાં જી ડી વ્યાસ કરીને સંગીત શિક્ષક હતા. એ કલ્યાણજીની નવું નવું શીખવાની ધગશ પામી ગયેલા. એમણે પોતાની પાસે હતી એટલી તમામ વિદ્યા કલ્યાણજી-આનંદજીને આપી. આમ દાદીમા, માતુશ્રી અને જી ડી વ્યાસે ભાવિ સંગીતકારને તૈયાર કરી દીધેલા. પિતાને જો કે આ બધી પ્રવૃત્તિ ગમતી નહીં. પિતાનું મન રાખવા કલ્યાણજી આનંદજી મુંબઇના ગિરગામ ઠાકુર દ્વાર પર આવેલી પિતાની દુકાને બેસતા ખરા. બીજી બાજુ રાત્રે સરખે સરખી વયના કિશોરોનું એક નાનકડું ઓરકેસ્ટ્રા બનાવીને નાના નાના પ્રોગ્રામ કરતા થઇ ગયા.

નાગિન ફિલ્મમાં ક્લેવોયલિન પર વગાડેલા બીને કલ્યાણજીની કારકિર્દીને જબરદસ્ત વેગ આપ્યો. ફિલ્મ સર્જક કીકુભાઇ દેસાઇના પુત્ર અને મનમોહન દેસાઇના ભાઇ સુભાષ દેસાઇનો એક દિવસ સંદેશો મળ્યો- મને મળી જાઓ. હસમુખા કલ્યાણજી સુભાષ દેસાઇને મળવા ગયા. સુભાષ દેસાઇ આ કચ્છી યુવાનમાં રહેલી પ્રતિભા પારખી ગયેલા. તેમણે કલ્યાણજીને ધરતીકંપના જેવો એક જોરદાર આંચકો આપતાં કહ્યું, મારે તમારી સાથે મારી આગામી અગિયાર ફિલ્મો માટે સંગીતકાર તરીકે કેાન્ટ્રેક્ટ કરવો છે.

કોઇ પૂર્વાનુભવ વિના અગિયાર ફિલ્મોનું સંગીત ? પહેલા તો કલ્યાણજીએ રમૂજમાં કહ્યું, મને આ કામનો કોઇ અનુભવ નથી. હું કરી શકું કે કેમ એ વિશે વિચાર કરવો પડે. સુભાષ દેસાઇએ કહ્યું કે મને એક નિર્માતા તરીકે તમારામાં રહેલી પ્રતિભાનો ખ્યાલ છે. તમારે આ કોન્ટ્રેક્ટ સહી કરવાનો છે. કલ્યાણજીએ ઘેર પાછાં ફરીને અગિયાર ફિલ્મો સાઇન કરી હોવાની જાણ કરી. 

કલ્યાણજીએ તો કલ્યાણજી વીરજી શાહના નામે ફિલ્મ સંગીતમાં ઝુકાવી દીધું. શંકર જયકિસન અને હેમંત કુમાર સાથે કામ કરી ચૂક્યા હતા એટલે સાજિંદાઓ સાથે સારો સુમેળ હતો.                       

(ક્રમશ:)

Cine-Magic

Google NewsGoogle News