Get The App

સાગના સોટા જેવો પાતળો, લાંબો, હસમુખો યુવાન નમ્રતાથી સૌને જીતી લેતો

Updated: Apr 23rd, 2021


Google NewsGoogle News
સાગના સોટા જેવો પાતળો, લાંબો, હસમુખો  યુવાન નમ્રતાથી સૌને જીતી લેતો 1 - image


- સિનેમેજિક-અજિત પોપટ

શંકર જયકિસને ફિલ્મ સંગીતના સુવર્ણયુગનો પાયો નાખવાની સાથોસાથ બીજા પણ બે ત્રણ કાર્યો કર્યાં. એક, ગોવાના કેથોલિક ક્રિશ્ચન સાજિંદાઓને ભારતીય સંગીતમાં રસ લેતા કર્યા, અગાઉ આંગળીના વેઢે ગણાય એટલા સાજિંદાને કામ મળતું. બે, શંકર જયકિસને સો સો સાજિંદા રાખીને વધુ રોજગાર પેદા કર્યો. ત્રીજું અને સૌથી મહત્ત્વનું પ્રદાન એ કે પ્રતિભાવાન સંગીતકારો તૈયાર કર્યા. એમની સાથે સાજિંદા તરીકે કામ કરીને ઘડાયેલા દત્તારામ, કલ્યાણજી વીરજી શાહ, વી બલસારા, કિશોર દેસાઇ, વિપિન રેશમિયા, લક્ષ્મીકાંત કુડાલકર, પ્યારેલાલ શર્મા...

અલબત્ત, આમાંના સંગીતકાર તરીકે બધા શંકર જયકિસન જેટલા સફળ ન થયા. ખરેખરા પ્રતિભાવાન હતા અને જેમના પુરુષાર્થને પ્રારબ્ધનો સાથ હતો એવા ત્રણ ચાર સંગીતકારો શંકર જયકિસનની હાજરીમાં જ સફળ થયા. આ સંગીતકારોએ શંકર જયકિસનની સર્જનશૈલીને અપનાવી અને પોતાની રીતે કેડી કંડારી. કેડી રાજમાર્ગ બની અને આ સંગીતકારો પણ જબરદસ્ત કામિયાબીને વર્યા. મબલખ નામ-દામ કમાયા. એવા એક સંગીતકારની વાત હવે શરૂ કરવી છે.

આશરે ૧૯૫૧ની આખરની વાત છે. સંગીતકાર હેમંત કુમાર પાસે એક યુવાનને લાવવામાં આવ્યો, સાગના સોટા જેવો પાતળિયો અને હસમુખો એ યુવાન નમસ્કાર કરીને ઊભો રહ્યો. એને લાવનાર સાજિંદા તરફ હેમંતદાએ પ્રશ્નસૂચક નજર કરી. પેલાએ માહિતી આપી. 'બહુ મીઠ્ઠું હાર્મોનિયમ, વાયોલિન, ગિટાર અને ડ્રમ વગાડે છે... ભારતીય નોટેશન સિસ્ટમ જાણે છે...' હેમંતદાએ હકારમાં માથું ધુણાવ્યું. નવો યુવાન પસંદ થઇ ગયો.

હેમંત કુમાર જોડે એ દિવસોમાં અન્ય એક સહાયક સંગીતકાર હતો. આવેલા બીજાનો ઉમેરો થયો. એ સતત હસતો અને વાતાવરણને હળવુંફૂલ રાખતો. નિર્માતા એસ મુખરજી એ દિવસોમાં ફેન્ટસી કમ માઇથોલોજિકલ ટાઇપની એક ફિલ્મ બનાવવાની યોજના ઘડી રહ્યા હતા. બીજોન ભટ્ટાચાર્યે કથા લખી હતી. હમીદ બટ્ટ અને રાજેન્દ્ર કૃષ્ણે એની સ્ક્રીપ્ટ તૈયાર કરી હતી. 

પરસ્પર લડી રહેલા બે આદિવાસી કબીલામાં પાંગરી રહેલી એક પ્રણયકથાની સંગીતપ્રધાન ફિલ્મ બને એવું હતું. હેમંત કુમાર એનું સંગીત તૈયાર કરી રહ્યા હતા. એમને એક લોકવાદ્યની સૂરાવલિ જેવી સ્પેશિયલ ઇફેક્ટ્સની જરૂર હતી. જંગલમાં રઝળતા અને ગમે તેવા ઝેરી નાગ-સાપને વશ કરતા વાદીઓ સિવાય એ લોકવાદ્ય કોઇ પાસે જોવા ન મળે. વાદીઓ પોતાની સ્થાનિક બરછટ બોલીમાં એને પૂંગી કહેતા. સભ્ય સમાજમાં એેને બિન કહેતા. જો કે શાસ્ત્રીય સંગીતકારો સિતાર જેવા એક પ્રાચીન સાજને બિન કહે છે. એ તદ્દન જુદી વાદ્ય છે.

હેમંત કુમાર સાથે જોડાયેલા પેલા નવા યુવાનને એ જમાનામાં સોલોવોક્સ તરીકે ઓળખાતા એક ઇલેક્ટ્રોનિક વાદ્યની તલાશ હતી. એ વાદ્ય ભારતમાં સહેલાઇથી ઉપલબ્ધ નહોતું. મારા તમારા જેવા સંગીતરઘેલા લોકો પર ભાગ્યની દેવી રીઝી હશે એટલે આ યુવાનને સોલોવોક્સની ગરજ સારે એવું એક અન્ય સેકંડહેન્ડ વિદેશી સાજ મળી ગયું. નવરાશની પળે એ સાજ પર આ યુવાન જાતજાતના અખતરા કરતો. એક દિવસ એ આ રીતે પેલા વિદેશી સાજ પર આંગળીઓ ફેરવી રહ્યો હતો ત્યારે અનાયાસે એક વિશિષ્ટ સૂરાવલિ સર્જાવા માંડી.

યોગાનુયોગે બરાબર એ જ ક્ષણે હેમંતદા આ ઓરડા પાસેથી પસાર થયા. પેલી સૂરાવલિ સાંભળીને એ ત્યાંજ અટકી ગયા. આ તો મને જોઇએ છે એજ ઇફેક્ટ... તરત હેમંતદા આ ઓરડામાં ધસી આવ્યા અને પેલા યુવાનને કહ્યું, બજાઓ બજાઓ... યહ મુઝે ચાહિયે... પહેલાં તો પોતાની ધૂનમાં મસ્ત એવા યુવાનને ખ્યાલ ન આવ્યો કે હેમંતદા શું કહી રહ્યા છે. પણ આંખના પલકારામાં એ સમજી ગયો અને તરત ઊઠીને હેમંતદાને નમસ્કાર કર્યા. હેમંતદાએ એને કહ્યું કે હમણાં તું જે વગાડી રહ્યો હતો એ મને જોઇએ છે. મારો એરેંજર તને ગીતની તર્જ આપશે. એમાં તારી આ સૂરાવલિ ફિટ કરી દે.

હેમંત કુમારે જે ગીત તૈયાર કર્યું હતું એમાં યુવાને સર્જેલી સૂરાવલિ દૂધમાં સાકર ભળે એટલી સહજતાથી ભળી ગઇ. ગીત રેકોર્ડ થયું. રાતો રાત આ યુવાન અને એનું સાજ દેશના ખૂણે ખાંચરે ગૂંજતું થયું. એક નવો યુગ શરૂ થયો જેની વાત આવતા શુક્રવારથી આપણે કરીશું.

Cine-Magic

Google NewsGoogle News