એક સાથે છ ફિલ્મો કરી, માત્ર સંગીત ગૂંજ્યું, ફિલ્મોનો ધબડકો વળ્યો !
- સિનેમેજિક-અજિત પોપટ
- શંકર જયકિસન કરતાં કલ્યાણજી આણંદજી માટે મૂકેશે વધુ ગીતો ગાયાં છે
સુભાષ દેસાઇની સમ્રાટ ચંદ્રગુપ્તના પગલે રવીન્દ્ર દવેની પોસ્ટ બોક્સ ૯૯૯ ફિલ્મનું સંગીત પણ વખણાયું એટલે સંગીતકાર તરીકે કલ્યાણજી વીરજીની નોંધ લેવાઇ. પછીના વરસે એટલે કે ૧૯૫૯માં કલ્યાણજીને એક સાથે છ ફિલ્મો માટે સાઇન કરવામાં આવ્યા. જો કે બોક્સ ઓફિસ પર છમાંની એક્કે ફિલ્મે કોઇ ધાડ મારી નહીં.
સમીક્ષકોની દ્રષ્ટિએ આ ફિલ્મો બી ગ્રેડની હતી. પરંતુ સંગીતકાર તરીકે કલ્યાણજી વીરજીની નિષ્ઠાને સલામ કરવી પડે. ફિલ્મ જેવી હોય તેવી, સંગીત આપવામાં કલ્યાણજીએ પોતાની સંપૂર્ણ શક્તિ કામે લગાડી હતી. એટલે છએ છ ફિલ્મોનું સંગીત ગાજ્યું અને ગૂંજ્યું.
છએ છ ફિલ્મનાં દરેક ગીતનો આસ્વાદ આપણે કરવાના નથી. આપણી પ્રણાલિ મુજબ દરેક ફિલ્મનાં યાદગાર ગીતોની ઝલક લેવાના છીએ. સુભાષ પિક્ચર્સની બાબુભાઇ મિસ્ત્રી નિર્દેશિત ફિલ્મ બેદર્દ જમાના ક્યા જાનેમાં એ સમયના સુપર એક્ટર અશોક કુમાર, નિરુપા રોય, સુદેશ કુમાર અને પ્રાણ જેવા કલાકારો હતાં. ફિલ્મ કેટલેક અંશે ટીઅર જર્કર એટલે કે મહિલાઓને રડાવે એવી ડ્રામેટિક કથા ધરાવતી હતી.
ગીતો ભરત વ્યાસનાં હતાં. આ ફિલ્મનાં બે-ત્રણ ગીતો વિશેષ ઉલ્લેખનીય છે. એવું સદા યાદગાર ગીત એટલે મૂકેશના ચાહકોને સદા આકર્ષતું આ ગીત 'નૈના હૈ જાદુ ભરે ઓ ગોરી તોરે નૈના હૈ જાદુભરે, હો હમ પે છૂપ છૂપ જુલમ કરે, ઓ ગોરી તોરે નૈના હૈ જાદુ ભરે...' આ ગીત પિયાનો પર બેઠેલા સુદેશ કુમાર પર ફિલ્માવાયું છે.
કેટલાક સમીક્ષકોની દ્રષ્ટિએ આ ગીતમાં સંગીતકારે રાગ સોહનીનો આધાર લીધો છે. તો લતાના કંઠે રજૂ થયેલા અન્ય એક ગીતમાં કલ્યાણજીએ બખૂબી શિવરંજનીનો ઉપયોગ કર્યો છે. એ ગીત આ રહ્યું- 'કૈદ મંુ હૈ બુલબુલ સય્યાદ મુસ્કુરાયે, કહા ભી ન જાયે, ચૂપ રહા ભી ન જાયે...' મૂકેશનું ગીત સીધાસાદા કહેરવા તાલમાં છે તો લતાએ ગાયેલું ગીત ખેમટા તાલમાં છે. બંને ગીતો આજે પણ તરો તાજાં હોય લાગે છે.
સદા સુહાગિન ભૈરવીની ઝલક ધરાવતું ગીત મુહમ્મદ રફી અને લતાના કંઠમાં છે. બંને મુખ્ય કલાકારો પર ફિલ્માવાયું છે. એ ગીત એટલે આ -'મૈં યહાં, તૂ કહાં, મેરા દિલ તુઝે પુકારે, ઝુકી ઝુકી હૈ નજર, ઝૂમે ઝૂમે રે જિગર, કોઇ ક્યોં હમેં પુકારે...'
આ ફિલ્મનાં બધાં ગીતો લોકપ્રિય થયાં હતાં અને ફિલ્મ જેટલી ચાલી એટલી સંગીતના જોરે ચાલી હતી.
જો કે નિર્માતાએ ખર્ચેલાં નાણાં જેટલી આવક આ ફિલ્મ કમાઇ ખરી. સુભાષ દેસાઇ સાથેના કલ્યાણજીભાઇના કરાર મુજબ આ બંનેની બીજી ફિલ્મ હતી.
આ ફિલ્મનું સંગીત તૈયાર કરતી વખતે કલ્યાણજીભાઇએ એ સમયના મોટા ભાગના ગાયકોમાંથી પસંદ કરીને ગીતો તૈયાર કર્યાં હતાં. મૂકેશ અને લતા ઉપરાંત આ ફિલ્મમાં ગીતા દત્ત અને મુહમ્મદ રફીના કંઠનો પણ ઉપયોગ કર્યો હતો.
આ ફિલ્મથી મૂકેશ સાથેના કલ્યાણજી (તેમજ પાછળથી મોટાભાઇ સાથે જોડાયેલા આણંદજી)ના સંબંધો આત્મીય થયા. પાછળથી કલ્યાણજી આણંદજીએ મૂકેશના કંઠે સંખ્યાબંધ યાદગાર ગીતો આપ્યાં. તમને જાણીને કદાચ નવાઇ લાગશે પરંતુ શંકર જયકિસન કરતાં કલ્યાણજી આણંદજી માટે મૂકેશે વધુ ગીતો ગાયાં છે અને એમાંનાં મોટા ભાગનાં ગીતો યાદગાર બન્યાં છે. જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ મૂકેશનાં યાદગાર ગીતોનો આસ્વાદ પણ આવશે.