Get The App

જયકિસનની વિદાય પછીનાં શંકરનાં ગીતોની ઝલક : ઓરકેસ્ટ્રેશન એવું જ મજબૂત

- સિનેમેજિક- અજિત પોપટ

Updated: Jan 8th, 2021


Google NewsGoogle News
જયકિસનની વિદાય પછીનાં શંકરનાં ગીતોની ઝલક : ઓરકેસ્ટ્રેશન એવું જ મજબૂત 1 - image


જયકિસનની વિદાય પછી અને રાજ કપૂર કેમ્પની બહાર નીકળી ગયા બાદ પણ  શંકર રઘુવંશીએ ફિલ્મ સંગીતની પોતાની કારકિર્દી ચાલુ રાખી હતી એવી વાત આપણે કરી રહ્યા છીએ. એ વિશે વિગતે વાત કરતી વેળા બે મુદ્દા યાદ રાખવાના છે. એક, બરસાતથી શંકર જયકિસને કારકિર્દી શરુ કરી ત્યારે બંને સંગીતકારો વીસીમાં હતા. ૧૯૭૧-૭૨માં એટલે કે પચીસ વર્ષ પછી શંકરે એકલે હાથે કામ કરવાનું આવ્યું ત્યારે અદાકારોની એક આખી પેઢી બદલાઇ ચૂકી હતી. એમનાં રસરુચિ અલગ હતા. દાખલા તરીકે પહેલી ફિલ્મ ગીત ગાયા પથ્થરોં ને બાદ કરો તો જિતેન્દ્રની છાપ જમ્પીંગ જેકની હતી. અદાકારો સાથે ઓડિયન્સનાં પણ રસરુચિ બદલાઇ ચૂક્યાં હતાં. યોગાનુયોગે ૧૯૭૨માં પ્રકાશ મહેરાની જંજિર રજૂ થયા પછી હીરો (કથાનાયક)ની ઇમેજ પણ બદલાઇ ચૂકી હતી. 

આમ છતાં ફિલ્મ સર્જક આત્મા રામની જિતેન્દ્ર અને રાખી ગુલઝારને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ યાર મેરાનું સંગીત સાંભળતાં નિરાશ થવાતું નથી. શંકરની કામ કરવાની પદ્ધતિ જે રસિકો જાણે છે એમને ખ્યાલ હશે. શંકર તર્જ તૈયાર રાખતા. ગીતકારે એ તર્જમાં ફિટ બેસે એવા શબ્દો ગીતકારે આપવાના. આમ શંકર પાસે પોતાનો તર્જોનો ભંડાર તૈયાર રહેતો એટલે ફટાફટ કામ કરી શકતા. હવે ધ્યાન આપો. યાર મેરામાં છ ગીતો છે જેમાં એક કેબ્રે ટાઇપનું ક્લબ સોંગ છે. હેલન પર ફિલ્માવાયું છે. એક ભક્તિગીત છે. એક રમૂજી કહેવાય એવું હળવું ગીત છે અને બાકીનાં ત્રણ જિતેન્દ્રની ઇમેજમાં ફિટ બેસે એવાં રોમાન્ટિક ડાન્સ સોંગ છે. 

જિતેન્દ્ર, હાથમાં કદાચ ચોરીના માલ સાથેની બેગ જોડે અભિનેતા મનમોહન અને હિટલર કટ મૂછ ધરાવતો કોમેડિયન પેન્ટલ. આ ત્રણે પર ફિલ્માવાયેલું રમૂજી ગીત એટલે 'ડર લગે તો ગાના ગા, ઐસે ભી ઔર વૈસે ભી ડર લગે તો ગાના ગા...' નીરજની રચના છે. અંતરામાં એક જગ્યાએ કહે છે- 'પકડ ભી જાયે યાર કભી તૂ, બસ મેં કભી રેલ મેં, થાને મેં જેલ મેં ભીડ મેં ગાના ગા...' શબ્દોેને અનુરુપ સૂુરાવલિ સર્જવામાં અને ખાસ તો જિતેન્દ્રને ઠેકડા મારવામાં ઉપયોગી થાય એવા લયમાં તર્જ બની છે. 

રાતોરાત કરોડપતિ બની જવાની લાહ્યમાં ખોટે રસ્તે ચડી જતો નાયક પછી શરાબના રવાડે ચડે છે ત્યારે નાયિકા એના પર નારાજ થાય છે. અહીં શંકર જયકિસનના માનીતા ખેમટા તાલમાં એક રચના 'હાય, કુછ એૈસી અદા સે મેરા યાર ચલા, હર તરફ શોર હુઆ માર ચલા માર ચલા...' સાંભળવા જેવી છે. જો કે  અભ્યાસીઓને આ સૂરાવલિમાં ફિલ્મ ગબનના અહેસાન મેરે દિલ પે તુમ્હારા હૈ દોસ્તો અને હમેં તો લૂટ લિયા મિલ કે હુશ્નવાલેાંને.. (ફિલ્મ અલ હિલાલ ૧૯૫૮) એ બે ગીતના સંયોજન જેવું લાગે ખરું. અલબત્ત, શંકરના પુરુષાર્થની નોંધ તો લેવીપડે. 

ખોટે રસ્તે ગયા પછી પશ્ચાત્તાપ થાય ત્યારે નાયક મંદિરમાં જાય. મંદિરમાં મન્ના ડેના કંઠમાં એક ભજન રજૂ થાય છે. 'ભગવાન કે ઘર મેં સબ કુછ હૈ, જો યહાં મિલે વો કહીં નહીં, તેરે માગને મેં હો કમી ભલે, ઉસ કે દેને મેં કમી નહીં...' નીરજના આ શબ્દોમાં એક પ્રાચીન સંતવાણી યાદ આવી જાય- સાહેબ કે દરબાર મેં, કમી કછુ કી નાહીં બંદા મોજ ન પાવહીં, ચૂક ચાકરી માહિં... 

ખરેખર માણવા જેવી રચના તો કેબ્રે છે. ક્લબમાં નાયક સિગારેટના ધૂમાડા કાઢતો એક થાંભલાને અઢેલીને ઊભો છે અને હેલન પોતાના માદક ડાન્સ દ્વારા રજૂ થાય છે. 'હુશ્ન વાલોં કે પંજે મેં આ, કે હો જાયે તુઝ કો પતા, ક્યા ક્યા હોતા હેૈ રાત કે અંધેરે મેં...' વખાણ હેલનના કરવા કે ગીતના શબ્દોના કરવા કે શંકરની તર્જના કરવા એ વિમાસણ થઇ પડે.  

તટસ્થતાથી વિચારીએ તો શંકર જયકિસન સાથે હતા ત્યારે વાદ્યવૃન્દની જે મજા હતી એ અહીં છે. લતાજી ક્યાંય નથી. એને બદલે સુમન કલ્યાણપુર છે, આશા છે, મુહમ્મદ રફી છે અને મન્ના ડે છે.  શંકરના શારદા પ્રત્યેના અનુરાગના કારણે એને રાજ કપૂર કેમ્પ જતો કરવો પડયો. લતાજી પણ લગભગ દૂર થઇ ગયાં. પરંતુ જ્યાં જ્યાં ફિલ્મ સર્જક નિર્માતા નિર્દેશક સાથે સારા સંબંધ હતા ત્યાં શંકર માટે પણ લતાજીએ ગીતો તો ગાયાં. એ વાત હવે પછી કરીશું.

Cine-Magic

Google NewsGoogle News