ઝીનત અમાન : ઇન્સ્ટાગ્રામ પર ખૂબ ખીલ્યાં છે
- શિશિર રામાવત
- સત્યમ્ શિવમ્ સુંદરમ
ઇ ન્સ્ટાગ્રામ હેન્ડલ કરતાં શીખવું હોય તો કોઈ ઝીનત અમાનને પૂછે. વીતેલા જમાનાની આ સુપર ગ્લેમરસ એક્ટ્રેસ આજે ૭૨ વર્ષની થઈ ગઈ છે, પણ આ ઉંમરે સોશિયલ મીડિયાના યુગમાં એ રિલેવન્ટ છે. પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઝીનત એમના રોજ-બ-રોજના જીવનની વાતો કરે, મસ્તમજાના ફોટા મૂકે, પોતાના સમયના હીરો-હિરોઈનો-ડિરેક્ટરોના જૂના કિસ્સાઓ શેર કરે અને આટલું ઓછું હોય તેમ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કરીને કમાણી પણ કરે. ઉદાહરણ તરીકે, રાજ કપૂરની સુપરહિટ ફિલ્મ 'સત્યમ્ શિવમ્ સુંદરમ'નું યાદગાર 'ચંચલ શીતલ નિર્મલ કોમલ...' ગીત. ગીતમાં ઝીનત અમાન હતાં, શશી કપૂર હતાં, મૂકેશનો સ્વર હતો અને લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત હતું. રાજ કપૂરે આ ગીતને ફિલ્માવવામાં કોઈ કસર છોડી નહોતી. ગુલાબી રંગનાં વાદળાં, ધુમ્મસ, વિરાટ ફૂલો, જાયન્ટ મશરૂમ, જાણે કોઈ દુનિયાનાં હોય તેવી પ્રોપર્ટી, આકર્ષક વસ્ત્રો... આ ગીતના મેકિંગની કેટલીક રસપ્રદ વાતો ઝીનત અમાને શેર કરી છે. એમના શબ્દોમાં જ સાંભળોઃ
'રાજજીની એસ્થેટિક્સ સેન્સ ગજબની હતી. વૈજયંતિમાલા અને પદ્મિની જેવી દક્ષિણની હિરોઈનો - કે જે અદ્ભુત નૃત્યાંગનાઓ પણ હતી - એમને રાજજીએ પોતાની ફિલ્મોમાં ચમકાવી હતી. રાજજીને ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં પણ રસ પડતો. એમના મનમાં 'ચંચલ શીતલ...' ગીતનો આખો કોન્સેપ્ટ સ્પષ્ટ હતો. રાજ કપૂરના બેનરની આ મારી પહેલી જ ફિલ્મ. વળી, ક્લાસિકલ ડાન્સ સાથે મારો નહાવાનિચાવવાનોય સંબંધ નહીં. રાજજીએ મને એમના મનમાં ગીતની જે કલ્પના હતી તેનું વર્ણન કહી સંભળાવ્યું. હું તો રડવા જેવી થઈ ગઈ. મને ખાતરી હતી કે હું જો આ ગીતમાં ક્લાસિકલ ડાન્સ કરવાનો પ્રયત્ન સુધ્ધાં કરીશ તો મૂરખ જેવી લાગીશ અને આખી ફિલ્મને ડૂબાડી દઈશ. મેં ડરતાં ડરતાં અને આંખોમાં આંસુ સાથે મારી મૂંઝવણ રાજજીને કહી. રાજજી હસી પડયા. પછી કહેઃ 'વોટ વિલ આઇ ડુ વિથ યુ કોન્વેન્ટ ગર્લ્સ એન્ડ યોર ટુ લેફ્ટ ફીટ? (હે ભગવાન, તારા જેવી કોન્વેન્ટમાં ભણેલી ને નાચવાનું ન જાણતી છોકરીઓનું મારે શું કરવું?)'
પણ રાજ કપૂર એમ કંઈ હાથ જોડીને બેસી થોડા રહેવાના હતા? એમણે લિજેન્ડરી કોરિયોગ્રાફર સોહનલાલને સૂચના આપી કે આ છોકરીને શાસ્ત્રીય નૃત્યની મુદ્રાઓ શીખવો ને સાવ સાદી કોરિયોગ્રાફી કરજો. અદ્ભુત કોસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયાએ મારા માટે ધમાકેદાર (વાંચોઃ ભરપૂર અંગપ્રદર્શન કરતાં) આઉટફિટ્સ તૈયાર કર્યાં. આર્ટ ડિરેક્ટર એ. રંગરાજે હાઇક્લાસ સેટ ખડો કર્યો. સમજોને કે, 'સત્યમ્ શિવમ્ સુંદરમ્'ની ટીમે રીતસર કલ્પનાની દુનિયા જ ઊભી કરી. ને પછી અમે ગીત શૂટ કર્યું...'
આટલું કહીને ઝીનત અમાન ઇન્સ્ટાગ્રામના પોતાના ફોલોઅર્સને કહે છેઃ 'તમે યુટયુબ પર જઈને 'ચંચલ શીતલ નિર્મલ કોમલ' ગીતનો આખો વીડિયો જોજો, અને તમને ગીત કેવંુ લાગ્યું તે અહીં કમેન્ટ્સમાં લખજો. ઇટ્સ અ વિઝ્યુઅલ ડીલાઇટ!'
કેમ મોડી પડી? તારો પગાર કટ!
હવે બીજી એક પોસ્ટઃ 'મેં ક્યાંક વાંચ્યું કે 'કરિઝ્મા' શબ્દના શોર્ટ ફોર્મ 'રિઝ્ઝ' (આરઆઇઝેડઝેડ)ને હવે સ્વીકૃતિ મળી ગઈ છે. (કરિઝ્માને આપણે સામાન્યપણે કરિશ્મા બોલતા હોઈએ છીએ.) જ્યારે જ્યારે કરિઝ્મા શબ્દ આવે ત્યારે મને જે એક માણસ યાદ આવે છે. એ છે ફિરોઝ ખાન. એની સાથેની મારી પ્રોફેશનલ રિલેશનશિપની શરૂઆત ઉબડખાબડ હતી. ૧૯૭૦ના દાયકામાં મારો સિતારો ચડતી કળાએ હતો ત્યારે એક દિવસ ફિરોઝે મને ફોન કરીને પોતાની એક આગામી ફિલ્મમાં રોલ ઓફર કર્યો. એ મેઇન રોલ નહોતો, સાઇડ હિરોઈનનો રોલ હતો એટલે મેં નમ્રતાથી ના પાડી. ફિરોઝ ભડક્યા અને ફોન પર જ ગાળોનો વરસાદ વરસાવી દીધો. મારે ફોનનું રિસીવર કાનથી દૂર કરી નાખવું પડયું.
થોડા મહિનાઓ પછી એમણે ફરી મને ફોન કર્યો. એમણે વાતચીતની શરૂઆત જ આ રીતે કરીઃ 'જો, આ વખતે હું તને મેઇન હિરોઇનનો રોલ ઓફર કરી રહ્યો છું, ના ન પાડતી.' અને આ રીતે હું 'કુરબાની'ની ટીમમાં સામેલ થઈ.
હું ઘણી વાર ફિલ્મના સેટ પર એટિકેટ વિશે લખતી હોઉં છું. આ મામલામાં ફિરોઝનો મારા પણ ઘણો પ્રભાવ છે. આમ તો હું બહુ કામઢી અને શિસ્તબદ્ધ એક્ટ્રેસ છું, પણ એક દિવસે મેં મારા પર જુવાનીનું જોશ ચડયું ને મેં ગરબડ કરી નાખી. બીજા દિવસે મારે શૂટિંગ પર વહેલા પહોંચી જવાનું હતું તો પણ આગલી રાતે હું કોઈ પાર્ટીમાં ગઈ. બહુ જલસો કર્યો. અમે ડાન્સ કર્યો, ડ્રિન્ક્સ લીધું. દેખીતી રીતે જ બીજા દિવસે સવારે હું સેટ પર એક કલાક મોડી પહોંચી. ફિરોઝ કેમેરામાં જોઈને ફ્રેમ ચેક કરી રહ્યા હતા. હું કંઈ પણ ખુલાસો કરું તે પહેલાં જ એમણે કહી દીધુંઃ 'બેગમ, યુ આર લેટ. શૂટિંગમાં ડીલે થવાથી જે નુક્સાન થયું છે તે તમારે ભરપાઈ કરવું પડશે.' કોઈ દલીલબાજી નહીં, કોઈ રાડારાડી નહીં, પણ તમે ખાતરી રાખો કે એમણે આખા યુનિટનો એક કલાકનો પગાર મારી ફીમાંથી કાપી જ નાખ્યો.'
આટલું કહીને ઝીનત ઉમેરે છેઃ 'ફિરોઝ સ્ટાઇલિશ હતા, ચાર્મિંગ હતા અને પોલિશ્ડ હતા. એ એક ટેલેન્ટેડ એક્ટર-ડિરેક્ટર હતા. 'કુરબાની' આજની તારીખે પણ મારી ફેવરિટ ફિલ્મ છે.'
ઝીનત અમાનની પોસ્ટ્સ પર નજર ફેરવતાં આપણને તરત સમજાય કે એમની લખવાની શૈલી કેટલી પ્રવાહી અને સુંદર છે. એમના લખાણમાં રમૂજ પણ ખૂબ આવે. બહુ ઓછા કલાકારોની પર્સનાલિટી આટલી આકર્ષક રીતે સોશિયલ મીડિયા પર ઊપસતી હોય છે. ઝીનત ક્યારેક ક્યારેક જુવાનિયાઓને સલાહો પણ આપે. વચ્ચે એમણે લખેલું કે લગ્ન કરતાં પહેલાં છોકરા-છોકરીએ લિવ-ઇન રિલેશનશિપમાં ખાસ રહેવું જોઈએ. આ વાંચીને એમના જમાનાની સાથી અભિનેત્રી મુમતાઝ બહુ ચિડાઈ ગઈ હતી. એમણે લખ્યુંઃ ઝીનત પોતે મઝહાર ખાનને પરણી તેની પહેલાં એની સાથે લિવ-ઇનમાં રહી હતી, પણ એ બન્નેનું લગ્નજીવન કેવું પૂરવાર થયું તે આખી દુનિયા જાણે છે. જો જુવાનિયાઓ ઝીનતની સલાહને અનુસરશે તો લગ્નસંસ્થા જ ખતમ થઈ જશે.
વેલ, મુમતાઝનો આ વિરોધ તો હળવો કહેવાય, બાકી સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહેતા સેલિબ્રિટીઓએ ટ્રોલર્સના તાતા તીરથી ટેવાઈ જવું પડે.