ઝીન્નત અમાન : સંતાનને પોતાની અપેક્ષાઓના ભાર નીચે કચડી ન નાખો

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
ઝીન્નત અમાન : સંતાનને પોતાની અપેક્ષાઓના ભાર નીચે કચડી ન નાખો 1 - image


- 'મારે 'બન ટિક્કી' જેવી જ કોઈક દમદાર પટકથા ધરાવતી ફિલ્મ સાથે કમબેક કરવું હતું. આ ફિલ્મની કહાણીમાં મારા ઘણા વિચારો અને માન્યતાઓનો પડઘો પડે છે.'

બૉલીવૂડના કેટલાંક કલાકારોને આજની તારીખમાં સોશ્યલ મીડિયાનું મહત્વ કેટલું છે એ સમજતાં ખાસ્સી વાર લાગી છે. ખાસ કરીને હવે આપણે જેમને 'પીઢ' કહી શકીએ એવા કલાકારોને. ઝિન્નત અમાન આવા કલાકારોમાંની એક છે. ૭૧ વર્ષની ઉંમરે પણ ખૂબસુરત લાગતી આ અભિનેત્રીએ માત્ર પાંચેક મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી લીધી છે. અને નેટિઝનો તેની થ્રોબેક પોસ્ટ જોઈને આભા બની રહ્યાં છે. જ્યારે હવે સીનિયર સીટિઝન થઈ ગયાં હોય એવા લોકો તેની ફિલ્મોને સંભારી રહ્યાં છે. એક તબક્કે તેની મૂવીઝ જોનારાઓ જ નહીં, હાલના તબક્કે તેની થ્રોબેક પોસ્ટ જોનારાઓ પણ તેને ફરીથી ૭૦ એમએમના પડદા પર જોવા ઉત્સુક છે. અને હવે તેમની આ ઉત્સુકતાનો અંત આવે એવા સમાચાર આવ્યાં છે.

વાસ્તવમાં ઝીન્નત અમાન ફરાઝ આરિફ અન્સારીની ફિલ્મ 'બન ટિક્કી'માં કામ કરવાની છે. છેલ્લે 'પાનીપત' (૨૦૧૯)માં કેમીઓ કરનાર આ પીઢ અભિનેત્રી 'બન ટિક્કી'માં શબાના આઝમી અને અભય દેઓલ સાથે જોવા મળશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે આ ફિલ્મ અભય દેઓલ અને તેના પુત્રની ધરી પર ફરે છે. જ્યારે શબાના આઝમી અને ઝીન્નત અમાન ફિલ્મની કરોડરજ્જુ સમાન છે. ઝીન્નતને આ મૂવીની સ્ક્રીપ્ટ બહુ ગમી ગઈ હતી તેથી તેણે ઝાઝો સમય વેડફ્યા વિના તેમાં કામ કરવાનું સ્વીકારી લીધું હતું. પીઢ અદાકારાએ કહ્યું હતું કે મને આવી જ કોઈક શક્તિશાળી પટકથા ધરાવતી ફિલ્મ સાથે કમબેક કરવું હતું. આ ફિલ્મની કહાણીમાં જાણે કે મારા ઘણાં વિચારો અને માન્યતાઓનો પડઘો પડે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ સર્જકે તેમાં માત્ર જેન્ડર આઈડન્ટિટીની વાત નથી કરી, બલ્કે એમ કહેવાનો પ્રયાસ કર્યો છે કે આપણે હમેશાં બાળકો પાસેથી જ એવી અપેક્ષા રાખતા હોઈએ છીએ કે તેમનું વર્તન સારું હોવું જોઈએ, જીવનમાં તેમને ચોક્કસ સિધ્ધિઓ પ્રાપ્ત કરવી જ જોઈએ. પરંતુ આ મૂવીમાં સંતાનો અને તેમના વાલીઓ પર એકસમાન જવાબદારી નાખવામાં આવી છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ફિલ્મ સર્જક આ મૂવી દ્વારા એવું ફલિત કરવાનો પ્રયાસ કરશે કે પ્રેમ, દયાભાવ અને મિત્રતા બંને તરફ હોવા જોઈએ. માતાપિતા માત્ર સંતાનો પાસેથી તેની અપેક્ષા ન રાખી શકે. સૂત્રોએ ઉમેર્યું હતું કે ફિલ્મ આ વર્ષના નવેમ્બર મહિનામાં હિમાચલ પ્રદેશ ખાતે ફ્લોર પર જશે. ઝીન્નત અમાનની વાત ચાલી રહી હોય ત્યારે તેના જમાનાની વાત ન થાય એવું શી રીતે બને. ૧૯૬૦થી ૧૯૮૦ સુધીનો સમય ઝીન્નત અમાન, પરવીન બાબી, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના, રેખા, હેમા માલીની જેવા કલાકારોનો હતો. તેમાંય ઝીન્નત અમાન અને પરવીન બાબી પોતાના ગ્લેમર અને સ્ટાઈલ માટે અત્યંત જાણીતી હતી. બંને અભિનેત્રીઓને 'બ્યુટી વિથ બ્રેન' કહેવામાં આવતી. તેમનામાં ચોક્કસ બાબતે એટલું બધું સામ્ય હતું કે ઘણીવાર લોકો ઝીન્નત અમાનને પરવીન બાબી માની બેસતાં અને પરવીનને ઝીન્નત. બંને અદાકારાઓએ મૉડેલિંગમાંથી અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. તેમને ઓળખવામાં ગેરસમજ થતી તોય બેઉમાંથી કોઈએ કોઈની ઇર્ષ્યા નહોતી કરી. બંનેને પરસ્પર સારું ફાવતું હતું, બલ્કે બેઉ બહુ સારી સહેલી હતી.

થોડા સમય પહેલા ઝીન્નત અમાને ઇન્સ્ટાગ્રામ પર પરવીનના ફોટા મૂકવા સાથે લખ્યું હતું કે તે અત્યંત સુંદર, ગ્લેમરસ અને ટેલેન્ટેડ હતી. મહત્વની વાત એ છે કે ઝીન્નત અને પરવીને 'અશાંતિ' અને 'મહાન'માં સાથે કામ કર્યું હતું. આ બંને ફિલ્મોમાં તેમની કેમેસ્ટ્રીએ દર્શકોના મન મોહી લીધાં હતાં.

ઝીન્નતે તેના સમયના સુપરસ્ટાર્સ ગણાતા રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, ફિરોઝ ખાન જેવા અભિનેતાઓ સાથે કામ કર્યું હતું. રાજ કપૂરની 'સત્યમ્ શિવમ્ સુંદરમ્'તેની યાદગાર ફિલ્મોમાંની એક છે. આ મૂવીમાં શશી કપૂરે મુખ્ય અભિનેતાની ભૂમિકા ભજવી હતી.  


Google NewsGoogle News