ઝરીના વહાબ : કામમાં વ્યસ્ત ને ફિલ્મોમાં મસ્ત!
- 'હું એવી વ્યક્તિ છું કે જે લાંબો સમય નિરાંતે બેસી ન શકે. મુઝે ફિલ્મોં મેં કામ કરને કે અલાવા ઔર કુછ આતા હીં નહીં. આ કારણે જ હું ફિલ્મો સાઈન કરતી રહું છું.'
ઝરીના વહાબને બોલિવુડમાં પ્રવેશ કર્યો એ વાતને ચાર દાયકાથી વધુ સમય થઈ ગયો છતાં આજે પણ એ ફિલ્મોનો હિસ્સો છે અને નજીકના ભવિષ્યમાં એ રિટાયર્ડ થાય એવું લાગતું નથી. તેઓ હજુય સક્રિય છે, હિન્દી સિનેમાનો હિસ્સો છે. આવું ઘણા ઓછા કલાકારો સાથે બને છે અને ઝરીના વહાબ તેમાં એક છે.
આ માટે ઘણાને એવું લાગતું હશે કે ઝરીનાને ફિલ્મો પ્રત્યે પ્રેમ છે, લગાવ છે તેથી તે હજુય સક્રિય છે. જો કે આ અંગે ઝરીના વહાબને જ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, 'આ જ તો જીવનની ફિલસુફી છે. અરે, હું હજુય મહિનામાં કેટલાય દિવસો કામને કારણે વ્યસ્ત રહું છું. સમજોને, મહિનામાં ૧૦-૧૨ દિવસ હું શૂટિંગ કરું છું. આ તો ઈરાદાપૂર્વક કરેલી પસંદગી છે. મને પ્રવાસ કરવાનું ઘણું ગમે છે અને કામ મને આ પ્રકારની તક પૂરી પાડે છે. જ્યાં મારા માટે એકલા પહોંચવું મુશ્કેલ હોય છે ત્યાં મને કામ આવી તક પૂરી પાડે છે અને આથી જ મને આઉટડોર શુટિંગ ખૂબ જ ગમે છે.'
ઝરીના છેલ્લે 'લફઝોં મેં પ્યાર'માં જોવા મળી હતી.
૬૪ વર્ષની આ અભિનેત્રી કહે છે, 'હું આવા નિર્ણયો કરું છું કેમ કે એ મને વ્યસ્ત રાખે છે. હું એવી વ્યક્તિ છું કે જે લાંબો સમય નિરાંતે બેસી ન શકે. મુઝે ફિલ્મોં મેં કામ કરને કે અલાવા ઔર કુછ આતા હીં નહીં. આ કારણે જ હું ફિલ્મો સાઈન કરતી રહું છું. એમાં ટૂંકી ફિલ્મો અને પ્રાદેશિક ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. આ બાબત મને કેટલાક દિવસો સુધી કામમાં વ્યસ્ત રાખે છે. હું મારી જાતને કેમેરાથી બહુ દૂર રાખી શકતી નથી અને હું એમને એમ લાંબો સમય રહી શકતી નથી.'
ઘણા કલાકારો એવા હોય છે, જેમને જે સ્ક્રીન ટાઈમ મળે છે તેની બહુ ચિંતા કર્યા કરતાં હોય છે. જોકે આ અંગે ઝરીના વહાબનું સાવ જુદું જ મંતવ્ય છે, 'હું અત્યારે એવા કોઈ તબક્કામાં નથી જ્યાં માટે મારી કારકિર્દી બનાવવા પર લક્ષ્ય કેન્દ્રીત કરવું પડે કે મારે મારી ફિલ્મોગ્રાફી આગળ ધપાવવાની જરૂર હોય. આથી મને તો માત્ર ત્રણ સીન જ ભજવવાના હોય તોય ચિંતા નથી હોતી. હા, રોલ સારો હોવો હોય. સદ્દનસીબે આ ઇન્ડસ્ટ્રી એટલી સારી છે કે મને ઘણીવાર ધ્યાનમાં ગણતરીમાં આવી છે અને સારી સારી રસપ્રદ ભૂમિકાઓ મને ઓફર કરવામાં આવે છે. મને કોઈ પણ પ્રકારની ભૂમિકા ભજવવા માટે રુકાવટનો સામનો કરવો પડયો નથી,' એમ કહે છે 'અજમેર ૯૨'ની અભિનેત્રી ઝરીના વહાબ. આમ કહીને તેઓ ઉમેરે છે, 'મને જે કંઈ મળ્યું છે તેનાથી હું ખરેખર બહુ જ આનંદિત છું.'
ઝરીના વહાબ આ મહિને તેલુગુ પ્રોજેક્ટનું શુટિંગ કરવાનાં છે અને બીજા કેટલાંક પ્રોજેક્ટ્સ પાઈપલાઈનમાં છે. 'મેં હજુ એક ઓટીટી પ્રોજેક્ટનું કામ પૂરું કર્યું અને એક નૃત્ય પર આધારિત ફિલ્મ પૂરી કરી. એ બિગ બજેટની ફિલ્મ તો નથી જ, પણ તે ઘણી જ રસપ્રદ ફિલ્મ છે. આજકાલ ડાન્સ પર કહાં બન રહી હૈ ફિલ્મેં. બનતી હોય તોય એમાં ઊંડાણ અને આત્મા ક્યાં હોય છે,' એમ કહી ઝરીના સમાપન કરે છે.