Get The App

તમે બજારમાં જઇને સ્ટારડમ ખરીદી ન શકો : મિથુન ચક્રવર્તિ

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
તમે બજારમાં જઇને સ્ટારડમ ખરીદી ન શકો : મિથુન ચક્રવર્તિ 1 - image


- મિથુને આર્ટ અને કમર્શિયલ એમ બન્ને પ્રકારની ફિલ્મોમાં સફળતા મેળવી છે

- પહેલી જ ફિલ્મમાં નેશનલ એવોર્ડ મેળવનારા મિથુન ચક્રવર્તિ પૂણેની ફિલ્મ ઇન્સ્ટિટયુટના સ્ટુડન્ટ હતા, જેના જુનિયરમાં શક્તિ કપૂરનો સમાવેશ થતો હતો. 

૧૯૭૬માં  આવેલી આર્ટ ફિલ્મ નામે મૃગયાના હીરો  મિથુન ચક્રવર્તિને તેના અભિનય બદલ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. પહેલી જ ફિલ્મમાં નેશનલ એવોર્ડ મેળવનારા મિથુન ચક્રવર્તિ પૂણેની ફિલ્મ ઇન્સ્ટિટયુટનો સ્ટુડન્ટ હતો જેના જુનિયરમાં શક્તિ કપૂરનો સમાવેશ થતો હતો. પોતાની એક્ટિંગ અને ડાન્સિંગ સ્કીલને જોરે સુપરસ્ટારડમ હાંસલ કરનારા આ બંગાળી હીરો સંસ્મરણો વાગોળતાં આજે પણ ભાવુક થઇ જાય છે..

રતિ અગ્નિહોત્રી

મિથુનની હિરોઇન તરીકે દસ ફિલ્મો કરનારી રતિ અગ્નિહોત્રી કહે છે, આમ તો દાદાસાહેબ ફાળકે એવોર્ડ મિથુનને ઘણાં સમય અગાઉ જ મળી જવો જોઇતો હતો. ૧૯૭૬માં આવેલી તેની ફિલ્મ મૃગયામાં તેણે ભજવેલી ભૂમિકા મારી મનપસંદ છે. એ વખતે મિથુન નવોસવો યુવાનિયો હતો જેનામાં એક પ્રકારની માસુમ અપરિપક્વતા ઝલકતી હતી. તે જબરદસ્ત એકટર છે. તે સમાંતર સિનેમામાં જેટલી સરળતાથી કામ કરતો હતો એટલી જ સરળતાથી ડિસ્કોડાન્સર જેવી કમર્શિયલ ફિલ્મમાં પણ કામ કરી શકતો હતો. મિથુન દા આજે પણ એક ઉત્તમ અભિનેતા છે કેમ કે તેમની અભિનયની એક આગવી શૈલી છે. આ ઉપરાંત તે એક જબરદસ્ત ડાન્સર છે. જ્યારે પણ અમારી ડાન્સ સિકવન્સ શૂટ થવાની હોય ત્યારે તેમને ડાન્સ કરતાં જોવાની મજા પડી જતી હતી. તે કામ કરતી વખતે હળવાફૂલ રહેતા હતા. મને યાદ છે તેઓ સેટ પર હમેંશા હસતા અને દરેક પળની મોજ માણતાં રહેતા. ગંભીર કામની સાથે સાથે તેઓ સેટ પર પણ એકદમ હળવું વાતાવરણ રાખતા. 

ઉમેશ મહેરા

 મિથુન ચક્રવર્તિ સાથે આઠ ફિલ્મો કરનારા દિગ્દર્શક ઉમેશ મહેરા છેલ્લા ૪૦ વર્ષથી મિથુન દાના દોસ્ત છે. ઉમેશ મહેરા કહે છે, મિથુને ૧૯૮૯માં આવેલી મારી ફિલ્મ મુજરીમમાં જબરદસ્ત એક્ટિંગ કરી હતી. તેમની હિરોઇન એ વખતે માધુરી દિક્ષિત હતી. આ ફિલ્મની સાથે જ અમિતાભ બચ્ચનની ફિલ્મ અગ્નિપથ રજૂ થઇ હતી. મિથુન એક સંવેદનશીલ અને ઇન્સ્ટિક્ટિવ અભિનેતા છે. જ્યારે પણ હું તેમને સીન કહું ત્યારે તેઓ તરત જ તેમને શું કરવાનું છે તે સમજી જતા હતા. મિથુન અને અમિતાભ બચ્ચને  અગ્નિપથ અને ગંગા જમુના સરસ્વતિ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. જ્યારે મિથુનના સંઘર્ષના દિવસો હતા એ સમયનો એક કિસ્સો જાણીતો છે. મિથુનના પુત્ર નામાશીએ જણાવ્યુંહતું કે એકવાર મારા પિતા પ્રોડકશનના માણસો સાથે ટેમ્પોમાં બેઠાં હતા. એ સમયે અમિતાભ બચ્ચન કારમાંથી પસાર થયા તેમણે મિથુનને જોતાં જ કાર ઉભી રાખી સવાલ કર્યો, તમે મૃગયા ફિલ્મના અભિનેતા મિથુન છો? ત્યારે મિથુને જવાબ આપ્યો, હા, બચ્ચન સાબ. એ સમયે મિથુન પાસે પોતાની કાર નહોતી એ જાણી અમિતાભ બચ્ચનને આઘાત લાગ્યો હતો. તેમણે મિથુનદાને કહ્યું તમે મારી કારમાં આવી જાવ હું તમને તમારા લોકેશન પર ઉતારી દઉં છું. એ ક્ષણથી શરૂ થયેલી દોસ્તી આજે ૪૫ વર્ષે પણ અકબંધ છે.

નામાશી ચક્રવર્તિ

મિથુનનો પુત્ર નામાશી હવે તો બેડબોય ફિલ્મ કરી હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં હીરો બની ચૂક્યો છે. તે તેના પિતા સાથેના સબંધોની વાત કરતાં કહે છે, મારા પરિવારમાં ચારે ભાઇ બહેનોમાં હું એક જ એવો છું જેણે મારા પિતાની તમામ ફિલ્મો જોઇ છે. મારા પિતાને જોઇને હું હમેશા એક્ટર બનવાની ઇચ્છા ધરાવતો હતો. મારા પિતાએ અમને શીખવ્યું છે કે, તમે બજારમાં જઇને સ્ટારડમ ખરીદી શકો નહીંં. તેઓ ઇચ્છતા હતા કે હું સંઘર્ષ કરી મારું સ્થાન બનાવું. મેં જ્યારે મારી પ્રથમ ફિલ્મ બેડ બોય સાઇન કરી ત્યારે તેઓ ભાવવિભોર બની ગયા હતા. નામાશી હાલ બીજી એક ફિલ્મનું લોસ એન્જેલસમાં શૂટિંગ કરી રહ્યો  છે. 

મિથુનનો મોટો પુત્ર મિમોહ પણ હિન્દી ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે પણ તેને ધારી સફળતા મળી નથી. મિમોહની પ્રથમ ફિલ્મ ૨૦૦૮માં જિમી આવી પણ તે ફલોપ નીવડી હતી.

એ પછી ત્રણ વર્ષ બાદ ૨૦૧૧માં હોન્ટેડ થ્રીડી ફિલ્મ આવી હતી જે સફળ નીવડી હતી. મિમોહ કહે છે, ઘણાં વર્ષોના સંઘર્ષ બાદ મને સમજાયું છે કે જ્યારે નસીબ તેનો ખેલ ખેલે છે ત્યારે તેની સામે કોઇ કારી ચાલતી નથી. 

સાવ સાચી વાત છે, મૃગયાના હીરો મિથુન ચક્રવર્તિને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળશે તેવું કોણે ધાર્યું હતું? 


Google NewsGoogle News