તૂ ચંદા મૈં ચાંદની, તૂ તરુવર મૈં શાખ રે...
- બાલ કવિ બૈરાગીના શબ્દોને ચૌદ માત્રાના દીપચંદી તાલમાં જયદેવે જીવંત કર્યા છે. આપણે ત્યાં સૌરાષ્ટ્ર-કાઠિયાવાડમાં આ તાલમાં પ્રાચીન ભજનો બહુ ગવાય છે. મન્ના ડેએ 'જિસે બનાયા થા દાતા...' ગીતના ભાવને તાદ્રશ કરવા સરસ રીતે સ્વરફેંક (થ્રો ઓફ નોટ્સ) અજમાવી છે.
- રેશમા ઔર શેરા
'મુઝે જીને દો' પછી લગભગ સાતેક વર્ષ બાદ ફરી એકવાર સુનીલ દત્ત અને સંગીતકાર જયદેવ ભેગા થયા. 'મુઝે જીને દો'માં ચંબલની કોતરો ધૂ્રજાવતા ડાકુઓની વાત હતી, તો 'રેશમા ઔર શેરા'માં રાજસ્થાનના રણમાં વસતા અને પેઢીઓથી વેરનાં વાવેતર કરતા કબીલાઓમાં પ્રગટેલી પ્રેમકથાની વાત હતી. યોગાનુયોગ કેવો સરસ છે! આજે ૧૪ ફેબુ્રઆરી એટલે કે વેલેન્ટાઇન ડે છે અને આપણે એક પ્રેમકથાની વાત કરી રહ્યા છીએ. 'મુઝે જીને દો'ની જેમ અહીં પણ સુનીલ દત્તની નાયિકા વહીદા રહેમાન હતી. રણમાં વસતા બે કબીલા વચ્ચેના વેર છતાં એક કબીલાની યુવતી અને બીજા કબીલાના યુવક વચ્ચે પ્રેમ થઇ જાય છે. આ પ્રેમ એકાદ-બે હત્યા કરાવી નાખે છે છતાં પ્રેમ અકબંધ રહે છે એવી કથા હતી.
જોકે આપણે ફિલ્મ 'રેશમા ઔર શેરા'ને જુદી રીતે યાદ કરીએ છીએ. આ ફિલ્મમાં ઘેઘુર કંઠ ધરાવતા અભિનેતા અમિતાભ બચ્ચનને લેવામાં આવેલા પરંતુ એના કંઠનો ઉપયોગ થયો નહીં કારણ કે એને મંૂગાનો રોલ આપવામાં આવેલો. આ ફિલ્મે નેશનલ એવોર્ડની હેટ્ટ્રીક સર્જેલી. વહીદા રહેમાનને શ્રે અભિનેત્રીનો, રામચંદ્રને શ્રે છબીકલાનો અને યસ, જયદેવને શ્રે સંગીતકારનો એવોર્ડ મળ્યો હતો. આપણે જયદેવના સંગીતની વાત કરવાની છે.
અત્રે એક આડવાત. મહારાષ્ટ્રમાં ભારતીય સંગીતનો રાગ ભૂપાલી પ્રિય ગણાય, ગુજરાતની પ્રજાને રાગ વૃન્દાવની સારંગ પ્રિય ગણાય એમ રાજસ્થાનમાં રાગ માંડ પ્રિય ગણાય. આમ જુઓ તો આ રાગ સાવ હલકો ફૂલકો લાગે, પરંતુ ગાવામાં સહેલો નથી. રાજસ્થાનના લોકસંગીત સાથે આ રાગ દૂધમાં સાકર ભળે એમ ભળી ગયો છે. ત્યાં ધામક મેળાવડા, બર્થ ડે પાર્ટી અને સગાઇ-લગ્નમાં આ રાગ પર આધારિત વાદ્યસંગીત કે લોકગીતો હોંશે હોંશે ગવાય છે.
જયદેવે આ રાગ પર આધારિત એક અત્યંત મધુર પ્રેમગીત લતાજીના કંઠે ગવડાવ્યું છે જે તમને પણ આજ સુધી અચૂક યાદ હશે. બાલકવિ બૈરાગીના શબ્દોને જયદેવે દાદરા તાલ અને રાગ માંડમાં સ્વરાંકિત કર્યું છે. એ ગીત એટલે આ- 'તૂ ચંદા મૈં ચાંદની, તૂ તરુવર મૈં શાખ રે...' શબ્દોમાં એકમેકને પૂરક ગણાવતી યાદી છે. આ રાગનો સંપૂર્ણ વિનિયોગ આપણને વરસો પછી ફિલ્મ 'લેકિન'માં મળ્યો. હૃદયનાથ મંગેશકરે મોટીબહેન લતા પાસે ગવડાવ્યું, 'કેસરિયા બાલમા પધારો મ્હારે દેશ...' અહીં પણ રાગ માંડ હતો અને તાલ દાદરો હતો. 'તૂ ચંદા મૈં ચાંદની' ગીત અત્યંત મધુર અને યાદગાર બન્યું છે.
'મુઝે જીને દો'માં લતા અને આશા સાથે મુહમ્મદ રફી હતા. અહીં લતા અને આશા સાથે મન્ના ડે છે. પુરુષ કંઠે બે ગીતો છે અને બંને મન્ના ડેના કંઠમાં છે. કથામાં એક પછી એક-બે હત્યા થઇ જાય છે ત્યારબાદ રજૂ થયેલું એવું પહેલું ગીત છે, 'જિસે બનાયા થા દાતા ને ધરતી કા વરદાન રે, નફરત કી એક ઠોકર ને યે ક્યા સે ક્યા કર ડાલા રે...' નાયકના મનના સંતાપને આ ગીતમાં જયદેવે આબાદ રજૂ કર્યો છે. બાલ કવિ બૈરાગીના શબ્દોને ચૌદ માત્રાના દીપચંદી તાલમાં જયદેવે જીવંત કર્યા છે. આપણે ત્યાં સૌરાષ્ટ્ર-કાઠિયાવાડમાં આ તાલમાં પ્રાચીન ભજનો બહુ ગવાય છે. મન્ના ડેએ ગીતના ભાવને તાદ્રશ કરવા સરસ રીતે સ્વરફેંક (થ્રો ઓફ નોટ્સ) અજમાવી છે.
મન્ના ડેના ભાગે આવેલું બીજું ગીત એક કવ્વાલી છે. તમે જો ફિલ્મ જોઇ હોય તો આ કવ્વાલી બારેક વર્ષના સંજય દત્ત પર સુનીલ દત્તે ફિલ્માવી છે. સંજયે કવ્વાલીને જીવંત કરવા યથાશક્તિ અભિનય કર્યો છે. રાજેન્દ્ર કૃષ્ણના શબ્દોને જયદેવે પ્રસંગને અનુરૂપ સ્વરોમાં ગોઠવીને મન્ના ડે પાસે ગવડાવ્યા છે. 'જાલિમ મેરી શરાબ મેં યે ક્યા મિલા દિયા...' મુખડાથી શરૂ થતી આ કવ્વાલી ખાસ્સી લાંબી છે. જોકે પરદા પર રજૂ થતાં દ્રશ્યોમાં એ લંબાઇ દર્શકને કઠતી નથી. માત્ર ઓડિયો સાંભળવામાં આજના ટીનેજર્સને કદાચ કંટાળો આવે ખરો.
આ ફિલ્મમાં પણ જયદેવે કથાના પ્રસંગો, લોકેશન, પાત્રોના મનોભાવ, ગીતના શબ્દો વગેરેને ધ્યાનમાં રાખીને સંગીત તૈયાર કર્યું છે અને એમાં જયદેવ ખાસ્સા સફળ થયા છે. વધુ આવતા શુક્રવારે.