યશસ્વી ભવ! .
- ગુજરાતી સિનેમામાં સૌથી ઊંચો સક્સેસ રેટ ધરાવનાર યંગ અને ડાયનેમિક હીરો યશ સોની સાથે મસ્તમજાની ગોષ્ઠિ...
આ જની તારીખે, ના, છેલ્લાં કેટલાંય વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોની સૌથી વધારે ઇર્ષ્યા થઈ રહી છે, એ તમે જાણો છો, યશ? તમારી!
ગુજરાતી સિનેમાના આ સુપરહિટ હીરોને તમે આવું કહો એટલે એ મોટેથી હસી પડશે. 'ના, હું નથી જાણતો!' તેઓ કહેશે, 'ફિલ્મ સ્વીકારતી વખતે જાણ ન હોય કે તે સફળ થશે કે કેમ, પણ હા, મારી મોટા ભાગની ફિલ્મો સફળ થઈ છે. આ મામલામાં હું લકી સાબિત થયો છું.'
લક એટલે કેવું લક! સાતમાંથી પાંચ ફિલ્મો ('છેલ્લો દિવસ', 'શું થયું?', 'ચાલ જીવી લઈએ', 'નાડી દોષ' અને લેટેસ્ટ 'ફક્ત મહિલાઓ માટે') બોક્સઓફિસ પર હિટ થઈ, છઠ્ઠી 'રાડો' મેકિંગની દષ્ટિએ ગુજરાતી સિનેમા માટે સીમાચિહ્નરુપ સાબિત થઈ અને સાતમી 'ડેઝ ઓફ તફરી', કે જે 'છેલ્લો દિવસ'ની હિન્દી રિમેક હતી, તે ભલે ચાલી નહીં, પણ એણે યશને બોલિવુડમાં ઓફિશિયલી એન્ટ્રી જરુર કરાવી આપી.
'વાર્તાની પસંદગીની સમજ મારા ગુરુજીને કારણે કેળવાઈ છે,' યશ કહે છે, 'મારી ઇન્સ્ટીંક્ટ એટલી સ્ટ્રોંગ થઈ છે કે હું સારી સ્ક્રિપ્ટ અને સારાં પાત્રો સહજ રીતે પારખી લઉં છું. થિયેટરની આ ટ્રેનિંગ મને હવે ફિલ્મોમાં પણ કામ આવી રહી છે.'
યશ સોનીના ગુરુજી એટલે વિખ્યાત થિયેટર એક્ટર, સ્વ. નિમેશ દેસાઈ. જોકે તેઓ જીવનમાં આવ્યા તેની પહેલાં જ યશને થિયેટરનો સ્પર્શ થઈ ચૂક્યો હતો. યશ ત્રીજા ધોરણમાં હતા ત્યારે પપ્પા ચંદ્રેશ સોનીએ એમને 'ગુજરાત સમાચાર' આયોજિત થિયેટર વર્કશોપમાં ભાગ લેવડાવ્યો. છ મહિનાની વર્કશોપ. દર વીકએન્ડમાં બબ્બે કલાક જવાનું. વરિષ્ઠ અભિનેતા અર્ચન ત્રિવેદી એમના પ્રશિક્ષક. છ મહિનાને અંતે એક નાટકમાં અને એક ટીવી શોમાં કામ કરવા મળે. આ નાટક એટલે 'અંધેરી નગરી ને ગંડુ રાજા'. યશનું આ પહેલું સ્ટેજ પર્ફોર્મન્સ. તે પછી યશે ભાર્વગ જોશી સાથે પણ ઘણાં નાટકો કર્યાં - 'મિયાં ફૂસકી', 'અદુકિયો દડુકિયો' વગેેરે. આ નાટકોમાં એક્ટિંગ પણ કરવાની અને બેકસ્ટેજ પણ કરવાનું. સાતમા ધોરણમાં એમણે નિમેશ દેસાઈ સાથે નાટકો કરવા માંડયા. રવીન્દ્રનાથ ટાગોરનું 'ડાકઘર' એમનું પહેલું નાટક. સિતાંશુ યશશ્ચંદ્રનું ક્લાસિક નાટક 'તોખાર', મઘુ રાયનું એવરગ્રીન 'કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો!', રાકેશ મોહનના 'આધે અધૂરે'નું ગુજરાતી સંસ્કરણ 'માનવ માત્ર અધૂરા'... આ બધાં નાટકો-કિરદારો યશે ક્રમશઃ ભજવ્યાં.
'નિમેશસરનો સ્વભાવ આકરો. ડાયલોગ ભુલાય જાય તો ધૂળ કાઢી નાખે. મને યાદ છે, 'ડાકઘર'ના ગ્રાન્ડ રિહર્સલ વખતે મેં પપ્પાને કહી દીધેલું કે પપ્પા, મારાથી આ નાટક નહીં થાય. પપ્પાએ મને પ્રેમથી સમજાવ્યો ને હું બીજા દિવસે શો કરવા ક-મને તૈયાર થયો. નાટકના છેલ્લા સીનમાં મારે સ્ટેજ પર સૂઈ જવાનું હતું. હું સૂતો હોઉં ને પડદો પડે. પડદો ધીમે ધીમે સરકી રહ્યો હતો અને મેં અધખૂલી આંખે જોયું કે નિમેશસર પડદાની સાથે સાથે મારી તરફ આવી રહ્યા હતા. હું ઊભો થાઉં એટલી રાહ પણ એમણે ન જોઈ. તેઓ મારા પર્ફોર્મન્સથી એટલા ખુશ હતા કે મને હરખથી ભેટી પડયા. મારા માટે આ બહુ મોટા કોમ્પ્લીમેન્ટ હતા. મારા જીવનનો આ મોટો ટર્નિંગ પોઇન્ટ.'
બીજો મહત્ત્વનો ટર્નિંગ પોઇન્ટ આવ્યો 'છેલ્લો દિવસ'નું ઓડિશન ક્લીયર કર્યું ત્યારે. એ વખતે યશ માંડ સત્તર વર્ષના કોલેજિયન. 'ઓડિશન વખતે મેં એક હિન્દી મોનોલોગ પર્ફોર્મ કર્યો હતો અને અભિષેક શાહ, તે વખતે તેઓ 'છેલ્લો દિવસ'ના કાસ્ટિંગ ડિરેક્ટર હતા, એમણે મને કહ્યું કે 'તું મને ગમે છે' આ લાઇન તું અલગ અલગ ઇમોશન સાથે બોલી બતાવ. મેં એ પ્રમાણે કર્યું. અભિષેકસર અને ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિાક (કેડી) બન્નેને ગમ્યું. આ રીતે 'છેલ્લો દિવસ'માં મારી પસંદગી થઈ.'
યશ કેમેરા સામે સહજ રીતે પર્ફોર્મ કરી શકતા હતા એનું કારણ એ હતું કે દોસ્ત હર્ષીલ સાથે એમણે નવ-દસ શોર્ટ ફિલ્મો કરી હતી. વચ્ચેનાં વર્ષોમાં ભાઈબંધો ભેગા થઈને પોતાને આવડે એવી શોર્ટ ફિલ્મો બનાવ્યા કરતા. તેને કારણે ઇમોશનનું સાતત્ય, દશ્યની કન્ટિન્યુટી વગેરે જેવી બાબતોમાં યશને ઠીક ઠીક સમજ પડતી હતી. સંભવતઃ કૃષ્ણદેવ યાજ્ઞિાકે આ વાત નોંધી. અભિનયપ્રતિભા તો ખરી જ. કમ્ફર્ટ ઝોન પણ ખરું. આ જ કારણોસર કૃષ્ણદેવે યાજ્ઞિાકે પોતાની પાંચેય ફિલ્મોમાં યશને મહત્ત્વની ભુમિકાઓ આપી. 'આ મામલામાં હું ખરેખર લકી છું કે કેડી જેવા ડિરેક્ટર સાથે આ મારી આ પ્રકારની કેમિસ્ટ્રી બિલ્ડ-અપ થઈ શકી,' યશ કહે છે, 'કેડી જેવો ચિલ્ડ-આઉટ માણસ મેં બીજો એકેય જોયો નથી. સેટ પર ક્યારેય ઘાંઘા ન થાય, ક્યારેય ઊંચા અવાજે વાત ન કરે. હંમેશા બીજા માણસોના આઇડિયાઝ અને ઇનપુટ્સ આવકારે. તમે માનશો, આખેઆખી 'રોડા' ફિલ્મ એમણે પહેલાં ટુડી એનિમેશનમાં બનાવી હતી.'
'ચાલ જીવી લઈએ'ના ડિરેક્ટર વિપુલ મહેતાની કામ કરવાની શૈલી સાવ વેગળી. આ ફિલ્મ ગુજરાતી સિનેમાના ઇતિહાસની સૌથી સફળ ફિલ્મ પૂરવાર થઈ. જય બોડસ ડિરેક્ટેડ 'ફક્ત મહિલાઓ માટે' પણ ગુજરાતી સિનેમાની ઓર એક સીમાચિહ્નરુપ ફિલ્મ ગણાઈ, કેમ કે અમિતાભ બચ્ચને પહેલી વાર આપણી ભાષાની ફિલ્મમાં કામ કર્યું. બિગ બીનું નામ પડતાં જ યશ પુલકિત થઈ જાય છે, 'અમેે લગભગ ચાર-પાંચ કલાક સાથે શૂટિંગ કર્યું હશે. આવડો મહાન કલાકાર, પણ સેટ પર તેઓ અત્યંત માનપૂર્વક વર્તતા હતા અને અમને સૌને કમ્ફર્ટેબલ ફીલ કરાવતા હતા. એમને આવું કશુંય કરવાની જરુર નહોતી, તો પણ.'
યશ હવે 'મિસિંગ' નામની ગુજરાતી વેબ સિરીઝમાં તદ્દન જુદા સ્વરુપમાં દેખાશે. હાલ તેમણે બેક-ટુ-બેક બે ગુજરાતી ફિલ્મોનું શૂટિંગ શરુ કર્યું છે.
ઓલ ધ બેસ્ટ, યશ!