યમી ગૌતમને ડબલ ગુડ ન્યુઝ મળશે?, આગામી ફિલ્મ ‘આર્ટિકલ 370’ વિશે કરી અત્યંત રસપ્રદ વાતો
- સહેજ વેગળા અને જોખમી વિષયો ધરાવતી ફિલ્મો પસંદ કરીને યમી ગૌતમે બોલિવૂડ અને દર્શકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. એની પર્સનલ લાઇફ અને પ્રોફેશનલ લાઇફ બંને ફુલગુલાબી છે
સૌથી પહેલાં તો, 'યામી' નહીં, પણ 'યમી'. યમદેવની બહેનનું નામ યમી હતું. યમુના નદી માટે પણ યમી નામ વપરાય છે. 'સરકાર-૩', 'બદલાપુર', 'કાબિલ', 'ભૂત પુલિસ' જેવી ફિલ્મોમાં પોતાની પ્રતિભા બતાવી ચૂકેલી યમી આજકાલ ફોર્મમાં છે. પતિદેવ ખુદ નિર્માતા હોય ત્યારે શી વાતની તકલીફ હોવાની? યમીની લેટેસ્ટ ફિલ્મ 'આર્ટિકલ ૩૭૦'ના પ્રોડ્યુસર અને રાઇટર એના કાશ્મીરી પતિ આદિત્ય ધર છે. ડિરેક્ટર છે, આદિત્ય જમ્ભાલે.
યમી કહે છે, 'ટાઇટલ પરથી જ સમજાય છે કે આ ફિલ્મ ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ બંધારણમાંથી રદ્ કરવાનું ઐતિહાસિક પગલું ભર્યું તે વિશે છે. તેના શૂટિંગ દરમિયાન કેટકેટલુંય શીખવા પણ મળ્યું છે. મને પ્રોફેશનલો પાસેથી વિવિધ પ્રકારના સ્ટંટ કરવાની તેમ જ બંદૂક ચલાવવાની તાલીમ મળી. ભલે આ કામ બહુ અઘરું હતું, પરંતુ મને જે શીખવા મળ્યું તે મારા માટે આજીવન સંભારણું બની રહેશે.'
એવું લાગે છે કે યમીના બંને હાથમાં લાડવાં છે. મે મહિનામાં તેના ઘરે પારણું બંધાવાનું છે. આદિત્ય ધર કહે છે, 'આ ફિલ્મ મારા માટે ફેમિલી ફંક્શન સમાન હતી. તેમાં મારો ભાઈ અને મારી પત્ની મારી સાથે હતાં. આ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું હતું ત્યારે અમને યમીની ગર્ભાવસ્થાની જાણ થઈ હતી. તેથી હું સતત એમ કહેતો રહ્યો હતો કે યમીની કૂખમાં રહેલો 'અભિમન્યુ' કાશ્મીર, કાશ્મીરી પંડિતો અને આર્ટિકલ ૩૭૦ વિશેની કહાણી સાંભળી-ગ્રહણ કરી રહ્યો છે. હું તો મજાકમાં કહેતો હોઉં છું કે અમારું શિશુ, ચાહે તે પુત્ર હોય કે પુત્રી, અવતરશે ત્યારે તેના આ સઘળી બાબતોની જાણકારી હશે. તેને એ પણ ખબર હશે કે આ મૂવી શી રીતે બની!'
જોકે વાંકદેખાઓએ આ ફિલ્મના ટાઇમિંગ બાબતે આદિત્યની ટીકા કરે છે. આદિત્ય કહે છે, 'ભારતની વર્તમાન સરકારને ચૂંટણી જીતવા માટે મારી આ નાનકડી ફિલ્મની કોઈ જરૂર નથી. મેં આ ફિલ્મ વ્યાપક-ઊંડા સંશોધન પછી લખી છે. એક કાશ્મીરી પંડિત હોવાના નાતે આ ફિલ્મ મારા હૃદયની નિકટ છે. તેથી કોઈ મારી આ મૂવી વિશે આ પ્રકારનો આક્ષેપ કરે ત્યારે ચોક્કસપણે અફસોસ થાય. મારા ડિરેક્શનમાં બનેલી 'ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક' માટે પણ પુષ્કળ ઊહાપોહ કરવામાં આવ્યો હતો, પરંતુ આપણા દર્શકો બહુ હોશિયાર છે. તેમણે આ ફિલ્મને બ્લોકબસ્ટર કરી બતાવી. મને ખાતરી છે કે 'આર્ટિકલ ૩૭૦'ને પણ એવો જ પ્રતિસાદ સાંપડશે.'
યમી અને આદિત્ય 'ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઈક' દરમિયાન જ નિકટ આવ્યાં હતાં. યમી ફિલ્મની હિરોઈન હતી અને આદિત્ય ધર, ડિરેક્ટર. બે વર્ષ સુધી ડેટ કર્યા પછી સાદગીપૂર્ણ રીતે લગ્નના બંધનમાં બંધાયાં હતાં. જોઈએ, પ્રેગનન્સીના ગુડ ન્યુઝમાં બોક્સ ઓફિસના શુભ સમાચાર ઉમેરાય છેે કે કેમ.