યમી ગૌતમ અમે ખરેબર બહુ નસીબદાર છીએ...
- 'લગ્ન કર્યા પછી કે મા બન્યા બાદ કામ જારી રાખવું કે નહીં તેનો ફેંસલો અભિનેત્રીઓએ જાતે જ લેવા દેવો જોઈએ, કોઈપણ પ્રકારના દબાણ વિના. જો અદાકારા મમ્મી બન્યા પછી કામ કરવા માગતી હોય તો તેની સામે કોઈ વાંધાવચકા ન હોવા જોઈએ.'
એજમાનો ગયો જ્યારે અભિનેત્રીઓ માતા બન્યા પછી ચૂપચાપ ઘરમાં બેસી જતી અથવા બહેન કે મમ્મીના પાત્રો અદા કરતી. હવે તો એવો વખત પણ નથી રહ્યો કે મમ્મી બનેલી અદાકારાઓ એકાદ-બે વર્ષ કેમેરા સામે આવવાનું ટાળે છે. થોડા સમય પહેલાં જ મમ્મી બનેલી અભિનેત્રી યમી ગૌતમ ધર પ્રસૂતિ પછી ચાર મહિનામાં જ ફરીથી કામે ચડી ગઈ હતી. આજકાલ એ એની 'ધૂમધામ' ફિલ્મને કારણે ન્યુઝમાં છે. પ્રતીક ગાંધી સાથેની એની આ ફિલ્મ ઓટીટી પર ટ્રેન્ડ કરી રહી છે. ગયા સપ્ટેમ્બર માસમાં ફરીથી કામ શરૂ કરનાર યામી કહે છે, 'એક તબક્કે ફિલ્મોદ્યોગમાં મમ્મી બની ગયેલી અભિનેત્રીઓને કામ ન મળતું. એટલે સુધી કે પોતે પરિણીત છે કે નહીં એ વાત કરવાનું પણ ટાળતી. મને એ વાતની ખુશી છે કે હવે ફિલ્મોદ્યોગના રીતરિવાજ બદલાયાં છે. આપણે આ બાબતે લાંબી મજલ કાપી છે. મને ઘણીવાર એવા વિચારો આવ્યાં છે કે અમારી પેઢી ખરેખર નસીબદાર છે.'
આટલું કહીને યમી ઉમેરે છે, 'આટલો બદલાવ આણવા માટે પણ અભિનેત્રીઓએ પુષ્કળ પ્રયાસો કરવા પડયાં હશે. એ કલ્પના પણ કેટલી ડરામણી છે જ્યારે માત્ર અભિનેત્રીઓ જ નહીં, અભિનેતાઓ સુધ્ધાં પોતાની ઈમેજ ખાતર પોતે વિવાહિત હોવાનું સંતાડતા. અલબત્ત, અદાકારાઓના શિરે આ વાતનું દબાણ ઘણું વધારે હતું.'
જો કે યમી માને છે કે આજે કોઈપણ કલાકારને પોતાની ઈમેજ માટે વિવાહિત હોવાનું કે માતાપિતા બની ગયાં હોવાનું સંતાડવાની જરૂર નથી પડતી. આમ છતાં માતા બનેલી અદાકારાઓ સામે પડકારોની વણઝાર તો ઊભી જ હોય છે. અદાકારા એક સિનિયર કલાકાર પાસેથી સાંભળેલી વાત દોહરાવતાં કહે છે, 'તમે લગ્ન કરો એટલે તમારી બાયોલોજિકલ ક્લોક અને કરીઅરની ક્લોક વિરોધી દિશામાં ચાલે છે. જોકે હું દ્રઢપણે માનું છું કે અભિનેત્રીઓને ક્યારે શું કરવું અને શું નહીં તે સ્વયં નક્કી કરવાની છૂટ હોવી જોઈએ. તેમના ઉપર કારકિર્દી રોળાઈ જવાનો ભય ન હોવો જોઈએ. લગ્ન કર્યા પછી કે માતા બન્યા બાદ કામ જારી રાખવું કે નહીં તેનો ફેંસલો અભિનેત્રીઓએ જાતે જ લેવા દેવો જોઈએ, કોઈપણ પ્રકારના દબાણ વિના. જો અદાકારા મમ્મી બન્યા પછી કામ કરવા માગતી હોય તો તેની સામે કોઈ વાંધાવચકા ન હોવા જોઈએ. અલબત્ત, તેનો આધાર તમે કેવી ફિલ્મો પસંદ કરો છો તેના પર પણ રહે છે. આમ છતાં આ ઇન્ડસ્ટ્રીમાં લાંબા સુધી ટકી રહેવું હોય તો અવિરત કામ કરવું આવશ્યક છે.'
સત્ય વચન.