યામી ગૌતમ: પિતાના રાષ્ટ્રીય એવોર્ડે ભાવવિભોર કરી
- યામીએ સોશિયલ મીડિયા પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી જેમાં સમારંભના મુખ્ય આકર્ષણ તરીકે મુકેશ ગૌતમ એવોર્ડ મેળવી રહ્યાની ક્લીપ પોસ્ટ કરવામાં આવી હતી.
અભિનેત્રી યામી ગૌતમ પોતાના પિતા, ફિલ્મ નિર્માતા મુકેશ ગૌતમને પ્રથમ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત થવા પર અત્યંત ખુશ છે. પોતાની ખુશી વ્યક્ત કરતા યામીએ જણાવ્યું કે આ પળ શબ્દોથી વ્યક્ત કરવી અત્યંત મુશ્કેલ હતી.
મુકેશ ગૌતમને તેમની ફિલ્મ 'બાગી દી ધી' માટે ૭૦માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ પંજાબી ફિલ્મનો એવોર્ડ મળ્યો. આ પ્રતિષ્ઠિત સમારંભ નવી દિલ્હીના વિજ્ઞાાન ભવનમાં આયોજિત થયો હતો જ્યાં રાષ્ટ્રપતિ દૌપદી મુર્મૂએ વિજેતાઓને એવોર્ડ એનાયત કર્યા હતા.
યામી, જો કે આ સમારંભમાં પ્રત્યક્ષ રીતે હાજર નહોતી રહી શકી, પણ તેણે પિતાની આ મહત્વની ક્ષણનો હિસ્સો બનવાનું સુનિશ્ચિત કર્યું. યામીએ સોશિયલ મીડિયા પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી જેમાં સમારંભના મુખ્ય આકર્ષણ તરીકે મુકેશ ગૌતમ એવોર્ડ મેળવી રહ્યાની ક્લીપ પોસ્ટ કરવામાં આવી હતી. પોસ્ટની સાથે યામીએ ઘેર બેઠા લાઈવ ટેલીકાસ્ટ જોઈ રહ્યાની તસવીરો પણ અપલોડ કરી હતી જેનાથી તે કેટલી ભાવુક થઈ તે સાબિત થતું હતું.
પોતાના ભાવુક સંદેશમાં યામીએ અપાર ગર્વ વ્યક્ત કરતા કહ્યું, મારા પિતા, મુકેશ ગૌતમને તેમની ફિલ્મ 'બાગી દી ધીટ માટે દિગ્દર્શક તરીકે તેમનો પ્રથમ એવોર્ડ મળ્યો જે અત્યંત ભાવુક પળ હતી. યામીએ જણાવ્યું કે પોતાની લાગણીઓ વ્યક્ત કરવા તેની પાસે પૂરતા શબ્દો નહોતા. યામીએ કહ્યું કે આજે મને તેમની પુત્રી હોવા પર ગર્વ થઈ રહ્યો છે. મારા પિતાની સફર સૌથી કઠિન રહી હોવા છતાં કામ પ્રત્યે તેમની ધગશ અને પ્રમાણિક્તામાં ક્યારે પણ ઘટાડો નથી થયો. ઉપરાંત યામીએ પોતાની પોસ્ટનું સમાપન કરતા તેના પિતાની ટીમ પ્રત્યે પણ આભાર વ્યક્ત કર્યો હતો.
યામીના પિતા મુકેશ ગૌતમ એક અનુભવી પંજાબી ફિલ્મ દિગ્દર્શક છે જેમના પોર્ટફોલિયોમાં 'એક નૂર' (૨૦૧૧) અને 'અખિયાં ઉડીકડિયન' (૨૦૦૯) જેવી પ્રસિદ્ધ ફિલ્મો સામેલ છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની આ કદર ફિલ્મના નિર્માતા તેમજ સમગ્ર સ્ટાફ માટે વિશેષ મહત્વ ધરાવે છે.
પોતાના ખાનગી જીવનને મીડિયાથી દૂર રાખનાર યામીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પિતા સાથે પોતાના ગાઢ સંબંધની એક દુર્લભ ઝલક દેખાડી.
યામીએ જીવનભર પિતાએ આપેલા માર્ગદર્શનને પણ યાદ કર્યું. પિતાએ પોતાની પ્રથમ ટ્રેન પકડવા સાથે જીવનની મુશ્કેલ પરિસ્થિતિમાંથી કેવી રીતે માર્ગ કાઢવો જેવા સૂચનોથી લઈને પોતાના વ્યાવસાયિક અનુભવો વર્ણવ્યા હોવાના સ્મરણો યામીએ શેર કર્યા.
યામી કહે છે કે તેમની આવી શીખને કારણે જ હું કોઈપણ પરિસ્થિતિમાં મારો ઉત્તમ પરફોર્મન્સ આપવાનો પ્રયાસ કરું છું.
યામી આગળ કહે છે કે મારા પિતાએ ક્યારે પણ કોઈને સમક્ષ મારી ભલામણ નથી કરી. તેમની સ્પષ્ટ સૂચના હતી કે આ મારી પોતાની સફર હશે, તેમની જેમ જ સંઘર્ષથી ભરેલી, પણ આખરે, જો હું દ્રઢ રહી અને મારી પસંદગી યોગ્ય રહી તો મને મારા પરિશ્રમનું યોગ્ય ફળ મળશે જ. યામી કહે છે કે તેઓ કાયમ મારી સાથે, મારા ભાઈ-બહેનોની પડખે મક્કમ બનીને ઊભા રહ્યા અને એક પિતા તરીકે અમારી તમામ રીતે અમારુ માર્ગદર્શન કર્યું.
પોતાની વ્યાવસાયિક સિદ્ધિઓ ઉપરાંત યામી હાલ માતૃત્વની ખુશીઓનો પણ અનુભવ કરી રહી છે. યામી અને તેના પતિ ફિલ્મ નિર્માતા આદિત્ય ધરને ૧૦મી મેના રોજ પુત્ર વેદવિદનો જન્મ થયો. આ તારીખે જ અક્ષય તૃતીયા હતી.
ત્યારે કપલે સોશિયલ મીડયા પોસ્ટ કરીને પોતાના પુત્રના જન્મની જાહેરાત કરી હતી જેમાં લખ્યું હતું અમે અમારા લાડલા પુત્ર વેદવિદના આગમનની ઘોષણા કરીએ છીએ જેણે અક્ષય તૃતીયાના શુભ દિવસે જન્મ લઈને અમને સન્માનિત કર્યા છે.
યામીએ પોતાની કારકિર્દી અને અંગત જીવનને ખૂબીપૂર્વક સંતુલિત કર્યા છે. યામી છેલ્લે રાજકીય એક્શન થ્રિલર 'આર્ટિકલ ૩૭૦'માં દેખાઈ હતી જેમાં તેણે અભિનેતા પ્રિયામણિ અને અરુણ ગોવિલ સાથે સ્ક્રીન શેર કરી હતી.પોતે વ્યસ્ત હોવા છતાં પિતાની રાષ્ટ્રીય એવોર્ડની સિદ્ધિની ખુશી તેના માટે અંગત વિજયની પળ બની ગઈ હતી. આ સીમાચિહ્ન મુકેશ ગૌતમની પ્રતિભા અને પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરવા ઉપરાંત કળામાં ઓતપ્રોત પારિવારીક વારસો ચાલુ રાખવામાં પણ યામી ગૌતમનો ગર્વ છલકાય છે.