આગામી સાત ફિલ્મો માધવનને પહોંચાડશે સાતમા આસમાને?
તનુ વેડ્સ મનુ-૩ : 'તનુ વેડ્સ મનુ' અને તેની સિક્વલમાં દર્શકોએ માધવન અને કંગના રણૌતની જોડીને ખૂબ પસંદ કરી હતી. સ્વાભાવિક રીતે જ આ મૂવીના સર્જકો 'તનુ વેડ્સ મનુ-૩' બનાવવા પ્રેરાયા છે. એમ માનવામાં આવે છે કે ટૂંક સમયમાં જ આ ફિલ્મ વિષયક ઘોષણા કરી દેવામાં આવશે.
મા ધવન આજકાલ ફુલ ફોર્મમાં છે. ખાસ કરીને અજય દેવગણની 'શૈતાન'માં નેગેટિવ રોલમાં કામ કર્યા બાદ. સૌના મનમાં એક જ વાત હતી કે એક સમયે જે ચોકલેટ બોય તરીકે જાણીતો હતો એવો આ સૌમ્ય એક્ટર ખૂંખાર ભૂમિકામાં કેવો લાગશે? પણ 'શૈતાન'ના તેના અભિનયમાં ખૂબ વખાણ થયા છે. તેથી જ આ અભિનેતા-ડિરેક્ટર સાતમા આસમાને ઉડવાની તૈયારી કરી રહ્યો છે.
કહેવાનો અર્થ એ છે કે આર. માધવન આગામી સમયમાં સાત ફિલ્મોમાં દેખાવાનો છે. આ મૂવીઝ માટે તે હમણાં દિવસ-રાત એક કરી રહ્યો છે. એમ માનવામાં આવે છે કે આર. માધવનની આ ફિલ્મો ૧૦૦૦થી ૨૦૦૦ કરોડ રૂપિયાનો કારોબાર આસાનીથી કરી લેશે. આજે આપણે આ ફિલ્મો વિશે જાણીએ.
દે દે પ્યાર દે - ૨ : અજય દેવગણની આગામી ફિલ્મ 'દે દે પ્યાર દે'માં આર. માધવન મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ૨૦૨૫ના મે માસમાં રજૂ થનારી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે.
શૈતાન - ૨ : 'શૈતાન'ની કામયાબીને પગલે તેના સર્જકો 'શૈતાન-૨'ની તૈયારી કરવા માંડયા છે. અગાઉ કહ્યું તેમ, દર્શકોએ આર. માધવનને તેમાં વિલનના રોલમાં ખૂબ પસંદ કર્યો હોવાથી અજય દેવગણ આ અભિનેતાને ફરીવાર વિલન બનાવશે એમ લાગી રહ્યું છે. જોવાનું એ છે કે શું જાનકી બોડીવાલા પણ 'શૈતાન-ટુ'માં જોવા મળશે?
સૂર્યા-૪૩ : માધવનની આગામી ફિલ્મોમાંની એક મૂવી છે 'સૂર્યા-૪૩'. આ ફિલ્મમાં જોકે મુખ્ય ભૂમિકામાં દક્ષિણનો સુપરસ્ટાર સૂર્યા નજરે પડશે. જે ઝડપથી આ સિનેમાનું કામ ચાલી રહ્યું છે તે જોતાં 'સૂર્યા-૪૩' આ વર્ષના ડિસેમ્બર મહિનામાં રજૂ કરી દેવામાં આવે તો નવાઈ નહીં.
શંકરા : 'શંકરા'માં માધવન અને અક્ષયકુમારની જોડી જોવા મળશે. આ ફિલ્મની કહાણી 'ધ કેસ ધેેટ શૂક ધ અમ્પાયર' પર આધારિત છે. એમ માનવામાં આવે છે કે આ સિનેમા આ વર્ષમાં જ રજૂ કરી દેવામાં આવશે.
સનગ્લાસ : આ અભિનેતાના પ્રશંસકો ઘણા સમયથી 'સનગ્લાસ'ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. પરંતુ તેના સર્જકો કે માધવન તરફથી તેના વિશે કોઈ નવી જાણકારી આપવામાં નથી આવી.
ચંદા મામા દૂર કે : લાંબા સમય સુધી ચર્ચામાં રહેલી આ ફિલ્મમાં અગાઉ માધવન અને દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત એકસાથે કામ કરવાના હતાં. પરંતુ સુશાંતના કમોતને પગલે આ ફિલ્મ અટકી પડી હતી. હવે ચાંદામામા દૂરથી નજીક ક્યારે આવે છે તે જોવું રહ્યું.