રાશા થડાણીને પહેલાં રામ ફળશે કે અમન?
- રવિના ટંડનની ખૂબસૂરત પુત્રા રાશા એક ઔર સ્ટાર-કિડ છે, જેની પહેલી ફિલ્મની આતુરતાથી રાહ જોવાય છે. રાશાની પહેલી ફિલ્મ સાઉથની પણ હોઈ શકે છે
એક સમયમાં રવિના ટંડને અભિનય ઉપરાંત પોતાની અદાઓથી દર્શકોના દિલમાં અનોખું સ્થાન મેળવ્યું હતું. મઝાની વાત એ છે કે તેની ખૂબસૂરતી આજે પણ અકબંધ છે. હવે તેની પુત્રી રાશા થડાણી પણ રવિનાની બરાબરી કરી રહી છે, બલ્કે એમ કહેવું વધારે પડતું નહીં ગણાય કે તે પોતાની માતા કરતાં ચાર કદમ આગળ છે.
સોશ્યલ મીડિયા પર અતિ સક્રિય રહેતી રાશા અત્યાર સુધી તેની ખૂબસુરતી અને અદાઓ માટે ચર્ચાતી રહી હતી, પણ હવે અભિનય ક્ષેત્રે ડગ માંડવા થનગની રહેલી રાશા તેની કારકિર્દીના શુભારંભ બાબતે ચર્ચાઈ રહી છે. મહત્વની વાત એ છે કે રાશાની બોલિવુડમાં પદાર્પણ કરવાની વાતો વચ્ચે તે દક્ષિણ ભારતીય ફિલ્મોદ્યોગમાં પણ કદમ માંડી રહી હોવાની વાતોએ જોર પકડયું છે.
હિન્દી ફિલ્મોના જાણીતા કલાકારોનાં બહુચર્ચિત સંતાનોની યાદીમાં રાશાનું નામ પણ સામેલ છે. અત્યાર લગી સોશ્યલ મીડિયાના માધ્યમ પ્રસિધ્ધિ પામી રહેલી રાશાએ અજય દેવગણના ભાણિયા અમન સાથે ડેબ્યુની તૈયારી કરી ત્યાં તો તેને દક્ષિણ ભારતના ટોચના અભિનેતા રામચરણ સાથે 'ઇબ ૧૬' ફિલ્મ મળી હોવાની વાતોએ તેના પ્રશંસકોને હરખાવી દીધા છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી એમ કહેવાઈ રહ્યું છે કે રાશા દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરવા એકદમ તૈયાર છે. આ તેલુગુ સિનેમામાં બાબૂ સના પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
કહેવાની જરૂર નથી કે છેલ્લા ઘણા વખતથી એવી વાતો વહેતી થઈ હતી કે રાશા, અભિષેક કપૂરની ફિલ્મ દ્વારા અમન દેવગણ સાથે બોલિવુડમાં શુભારંભ કરશે. આ એક્શન-એડવેન્ચર મૂવી ૨૦૨૪ના ફેબુ્રઆરી મહિનામાં સિનેમાઘરોમાં રજૂ થશે. અને હવે રાશા રામચરણની હીરોઈન બનવાની હોવાની વાતોએ પણ જોર પકડયું છે. હવે તે કઈ ફિલ્મ પહેલાં હાથ ધરે છે કે પછી તેની કઈ મૂવી પહેલા રજૂ થાય છે એ તો સમય જ કહેશે. પણ રવિના માત્ર એટલું જ ઇચ્છે છે કે તેની પુત્રી પગભર થાય. તે કહે છે કે મારા માટે એ વાત વધુ અગત્યની છે કે રાશા પોતાના પગ પર ઊભી રહે. તે ક્યા ક્ષેત્રમાં કામ કરે છે તે ગૌણ છે.
જો તેને અભિનય ક્ષેત્રે ન ફાવે તો તે અન્ય ક્ષેત્રમાં નોકરી શોધી લેવા જેટલી સક્ષમ તો છે જ. મઝાની વાત એ છે કે રાશા ફિલ્મોમાં ચુંબન દ્રશ્યો આપે તેની સામે પણ રવિનાને જરાય વાંધો નથી. તેણે પોતે ક્યારેય પડદા પર કિસિંગ સીન નથી આપ્યાં. તે કહે છે કે અમારા સમયમાં કિસિંગ દ્રશ્યો બાબતે કોઈ કરાર નહોતા થતા, પરંતુ મને ક્યારેય પડદા પર ચુંબન દ્રશ્ય આપવાનું નહોતું ફાવ્યું તેથી હું તેને માટે ઘસીને ના પાડી દેતી. સ્વાભાવિક રીતે જ લોકો મને રાશા બાબતે પૂછે છે કે શું હું મારી પુત્રીને પણ કિસિંગ સીન્સ આપવાની ના પાડીશ? અને તેમને હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે મને આવાં દ્રશ્યો ફિલ્માવવાનું નહોતું ફાવતું તેથી હું તેને માટે ઇનકાર કરતી, પરંતુ જો રાશાને ફાવે તો તે ચોક્કસપણે આવા સીન આપી શકે. મને તેની સામે જરાય વાંધો નથી. હા, તેની પાસેથી આવાં કે અન્ય કોઈપણ દ્રશ્યો પરાણે ન કરાવી શકાય.
હવે જોવાનું એ રહ્યું કે રાશા આગામી સમયમાં શું કરે છે.