ગોવિંદા કમ-બેક કરશે? .

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
ગોવિંદા કમ-બેક કરશે?                                 . 1 - image


- 'મેરા ઔર ડેવિડ ધવન કા પેચ-અપ તો પહેલે હી હો ગયા થા. હું અને ડેવિડ  ભૂતકાળ ઉખેડવામાં માનતા નથી. એ જરૂરી પણ નથી, એનો કોઈ અર્થ નથી. જો બીત ગયા સો બીત ગયા.'

બો લિવુડની બેસ્ટ ડિરેક્ટર-એક્ટર જોડીની વાત આવો ત્યારે તમારા મનમાં જે નામ તરત ઝબકે તે આ હોવાનાંઃ રાજેશ ખન્ના-શક્તિ સામંત, અમિતાભ બચ્ચન-મનમોહન દેસાઈ, અમિતાભ બચ્ચન-પ્રકાશ મેહરા, અમોલ પાલેકર-બાસુ ચેટરજી વગેરે વગેરે. '૮૦ અને '૯૦ના દશકમાં આવી જ એક સુપરહિટ જોડી આવી હતી - ગોવિંદા અને ડેવિડ ધવન. અભિનેતા-દિગ્દર્શકની આ પોપ્યુલર જોડીએ 'હીરો નંબર વન', 'કુલી નંબર વન', 'પાર્ટનર' અને 'દીવાના-મસ્તાના' જેવી લગભગ ૧૮ ફિલ્મો આપી, જે એક પ્રકારનો રેકોર્ડ છે. ગોવિંદા અને ડેવિડ ધવન અંગત સ્તરે સારા દોસ્ત પણ હતા, પરંતુ કોણ જાણે જોડીને કોની નજર લાગી ગઈ. બંને વચ્ચે મતભેદ થયા, તેઓ છૂટા પડયા. ગોવિંદા બીજા ડિરેક્ટરો સાથે અને ડેવિડ અન્ય એક્ટરો સાથે ફિલ્મો કરતા થઈ ગયા.

બંને વચ્ચે એક્ઝેક્ટલી શું થયું હતું? વેલ, આ સવાલના જવાબમાં અલાયદો લેખ લખવો પડે. હાલ પૂરતું એટલું જાણી લઈએ કે ગોવિંદાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'મેં ડેવિડને ફોનમાં એમ કહેતા સાંભળ્યો હતો કે હવે મને મારા ફેવરિટ હીરો સાથે કામ કરવાની ઇચ્છા નથી થતી.' ડિરેક્ટરનું આ એક વિધાન બન્ને વચ્ચે તિરાડ પેદા કરવા માટે પૂરતું બની રહ્યું.

ખેર, તાજેતરમાં દિવાળી વખતે ડેવિડ ધવન અને ગોવિંદા ફરી મીડિયામાં ચમક્યા. તેઓ પ્રોડયુસર રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં ભેગા થઈ ગયા હતા. એમને કલાકો સુધી એકબીજાની કંપની એન્જોય કરતા જોઈને બધાને આશ્ચર્ય થયું. એટલું જ નહીં, ગોવિંદાએ બીજા જ દિવસે ડેવિડ ધવન સાથેનો પાર્ટી-ફોટો સોશિયલ મીડિયામાં શેર કરી નીચે કેપ્શન લખી, 'અસ્સી ઔર નબ્બે કે દશક મેં મેરી દો બિવીયાં થી. એક સુનિતા ઔર દૂસરી ડેવિડ.' 

આ તસવીર અને કેપ્શન જોઈને ચાહકોને મજા પડી ગઈ. તેમણે કમન્ટ્સનો મારો કર્યોઃ પ્લીઝ, તમે બંને જલદી સાગમટે કમબેક કરો!

ડેવિડ સાથે લાંબા ગાળાના બ્રેક બાદ થયેલા પુનર્મિલન વિશે ગોવિંદા કહે છે, 'લોકો હજુ પણ ઇચ્છે છે કે અમારે બંનેએ સાથે કામ કરવું જોઈએ. આ જાણીને ખુશી થઈ. યે ઉનકા પ્યાર હૈ. બાકી, મેરા ઔર ડેવિડ કા પેચ-અપ તો પહેલે હી હો ગયા થા. દિવાળી પાર્ટીમાં અમે બીજી વાર મળ્યા. પાર્ટીમાં મસ્ત ખાધું-પીધું ને મજાની વાતો કરી. બહુ મજા આવી. હું અને ડેવિડ ભૂતકાળ ઉખેડવામાં માનતા નથી. એ જરૂરી પણ નથી, એનો કોઈ અર્થ નથી. જો બીત ગયા સો બીત ગયા. અમે સાથે વીતાવેલી આનંદની પળો મમળાવી હતી. ઘણી સરસ સ્મૃતિઓ તાજી થઈ ગઈ.'

ગોવિંદા ધરતી પર પગ રાખીને ચાલનારી વ્યક્તિ છે. એમને ગ્લેમરસ પાર્ટીઓનું આકર્ષણ ક્યારેય રહ્યું નહોતું. એ કહે છે, 'તમે કદાચ નહીં માનો પણ હું લગભગ ૧૯-૨૦ વરસ પછી પાર્ટીમાં ગયો. ખાસ તો એટલા માટે કે આ રમેશ તૌરાનીની પાર્ટી હતી. રમેશ મારા ગમતા માણસ છે. સામાન્યપણે એવું બનતું હોય છે કે જો તમે કોઈ ગુ્રપનો હિસ્સો ન હો તો તમને પાર્ટીમાં ઇન્વાઈટ ન કરાય. તમે  પાર્ટીઓમાં ન દેખાવ એટલે એવું ધારી લેવાય કે તમે સોશિયલ પર્સન નથી, તમને લોકો સાથે હળવું-મળવું ગમતું નથી, જે સદંતર ખોટું છે. હું કંઈ અસામાજિક માણસ નથી, પણ હું ગુ્રપીઝમમાં પણ માનતો નથી. એક જમાનામાં લોકો કહેતા કે ગોવિંદા, કરિશ્મા કપૂર, શક્તિ કપૂર અને ડેવિડ ધવનનું એક ગુ્રપ છે. હું એ વાત ત્યારે પણ માનતો નહોતો. અમે બધા તો માત્ર સાથે કામ કરનારા આર્ટિસ્ટો હતા.'

ચાલો, ગોવિંદા-ડેવિડ ધવનની બ્રાન્ડ-ન્યુ ફિલ્મની રાહ જોવાનું શરૂ કરી દઈએ? 


Google NewsGoogle News