Get The App

શું ચૂમ દરાંગ બિગ બોસ વિનર કરણ મેહરા સાથે ઘર માંડશે?

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
શું ચૂમ દરાંગ બિગ બોસ વિનર કરણ મેહરા સાથે ઘર માંડશે? 1 - image


- 'મને કોઈ રિહેબિલિટેશન સેંટરમાંથી બહાર આવ્યો હોઉં એવી લાગણી થઈ રહી છે,' વીર મેહરા કહે છે, 'આ શોને લીધે હું ધીરજ રાખતા અને માનસિક સ્વસ્થતા જાળવવાનું શીખી ગયો છું. મારે મને આ એક વરદાન જેવું છે.'

ટોપનો ટીવી એક્ટર કરન વીર મેહરા ઉપરાઉપરી બે રિયાલિટી શોનો વિનર બનીને બહુ ખુશ છે. ખતરોં કે ખિલાડી બાદ એણે બિગબોસ ૧૮નો તાજ જીત્યો છે. રવિવાર, ૧૯ જાન્યુઆરીએ હોસ્ટ સલમાન ખાને એને બિગ બોસ (બીબી)નો વિનર ઘોષિત કર્યો. 

કરનના બિગ બોસ હાઉસમાં ત્રણ મહિનાથી પણ લાંબા વસવાટ દરમિયાન એનું મોડલ-કમ-એકટ્રેસ ચૂમ દરાંગ સાથે વિકસેલું મધુર સમીકરણ સૌથી વધુ ચર્ચામાં રહ્યું. શો દરમિયાન મેહરાને પોતાની સાથી કોન્ટેસ્ટંટ પ્રત્યે કૂણી લાગણી જન્મી હતી અને એણે પોતાની લાગણીઓને વાચા પણ આપી હતી. જ્યારે ચૂમે વાત ટાળવા એમ કહી દીધું હતું કે શો પૂરો થયા બાદ હું અમારી રિલેશનશિપ વિશે ચર્ચા કરીશ. આ સંબંધમાં મીડિયાએ વિનરની ઘોષણા બાદના પ્રેસ બ્રીફિંગમાં મેહરાને પૂછી લીધું, 'શું ચૂમ-વીરના ફેન્સ ટૂંક સમયમાં શુભ સમાચારની આશા રાખી શકે ખરા? જવાબમાં કરને કહ્યું, 'મારે જે કહેવું હતું એ મેં કહી દીધું છે. હવે સલમાન સરે હમણાં કહ્યું એમ સ્ત્રીની પસંદગી સૌથી મહત્ત્વની છે એટલે હું ચૂમના જવાબની રાહ જોઈશ.'

અત્રે નોંધવું ઘટે કે લગભગ બે દશક પહેલા ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનાર કરન વીર મેહરા લગ્નની બાબતમાં બિલકુલ લકી નથી. એ બબ્બે ડિવોર્સમાંથી પસાર થઈ ચુક્યો છે. ૨૦૦૯માં કરને બાળપણની ફ્રેન્ડ દેવિકા સાથે પહેલા મેરેજ કર્યા. દેવિકા સાથે નવ વરસના દાંપત્યજીવન બાદ મેહરાએ ૨૦૧૮માં છુટાછેડા લીધા. ૨૦૨૧માં એક્ટર નિધી સેઠ નામની એકટ્રેસને પરણ્યો અને બે વરસ બાદ એની સાથે પણ ડિવોર્સ લઈ લીધા.

ચૂમ દરાંગ બીબીના પોતાના સાથી કોન્ટેસ્ટંટનો પૂર્વ ઈતિહાસ ન જાણતી હોય એવું ન બની શકે. એટલા માટે કે એ ગ્લેમરની દુનિયામાં નવી નથી. ભારતની ચીન સાથેની સરહદ પર આવેલા પાસ્સિઘાટની વતની 'બધાઈ દો' અને 'ગંગુબાઈ કાઠિયાવાડી' જેવી હિન્દી ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકા કરી ચુકી છે. ચૂમે ભારત વતી કેટલીક આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ પણ લીધો છે. ૩૩ વરસની માનુની-મોડલ કમ એકટ્રેસ, આંત્રપ્રિન્યોર અને સોશિયલ એક્ટિવિસ્ટ એવી મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી છે. સવાલ એ છે કે કરન મેહરાનો ભૂતકાળ જાણ્યા બાદ પણ ચૂમ ેની સાથેની રિલેશનશિપ આગળ વધારવાનું પસંદ કરશે કેમ?

દરમિયાન, વિનર બનીને બીબી હાઉસમાંથી બહાર આવ્યા બાદ મેહરા લાંબા ગાળે બહારની દુનિયા અને લોકો જોઈને દિગ્મૂઢ થઈ ગયો. પછી થોડો સ્વસ્થ થયા બાદ એ દિલ્હીથી આવેલા પોતાના મમ્મીને  મળી હર્ષઘેલો થઈ ગયો. બિગ બોસ ૧૮ના વિનર તરીકે કરનને એક સુંદર મજાની ટ્રોફી અને ૫૦ લાખની પ્રાઇઝનો ચેક એનાયત થયો. એણે તરત એ રકમ પોતાના સ્ટાફના બાળકોના એજ્યુકેશન માટે ઇન્વેસ્ટ કરવાનો નિર્ણય લઈ બધાના દિલ જીતી લીધા.

મીડિયા સાથે બીબી હાઉસમાં રહેવાનો પોતાનો અનુભવ શેર કરતા મેહરાએ સમાપનમાં કહ્યું, 'મને કોઈ રિહેબિલિટેશન સેંટરમાંથી બહાર આવ્યો હોઉં એવી લાગણી થઈ રહી છે. આ શોને લીધે હું ધીરજ રાખતા શીખ્યો. પહેલા હું નાની નાની વાતમાં ખિન્ન અને નારાજ થઈ જતો પણ હવે માનસિક સ્વસ્થતા જાળવવાનું શીખી ગયો છું. મારે મને એ એક વરદાન જેવું છે.'


Google NewsGoogle News