રણબીર એકવાયો શા માટે છે? .

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
રણબીર એકવાયો શા માટે છે?                        . 1 - image


- 'સામાન્યપણે રણબીરની આસપાસ કોઈ હોતું નથી. મોટાભાગે એ એકલો જ હોય છે. ડિરેક્ટર એને શોટ માટે સેટ પર બાર કલાક સુધી રાહ જોવડાવે તો પણ એ એક હરફ સુધ્ધાં નહીં ઉચ્ચારે. 

રણબીર એકવાયો શા માટે છે?                        . 2 - imageક રણ જોહર માત્ર પોતાના ચેટ શોમાં જ નહીં, મીડિયાને ઇન્ટરવ્યુ આપતી વખતે પણ પોતાના અંગત મિત્રોના સિક્રેટ્સ જાહેર કરી દે છે. રણબીર કપૂર એનો બહુ સારો દોસ્તાર છે. એક તાજી મુલાકાતમાં કરણે રણબીર વિશે ઘણી બધી વાતો કરી છે. રણબીર સાથે 'એ દિલ હૈ મુશ્કિલ' અને 'બોમ્બે વેલ્વેટ' જેવી ફિલ્મો કરનારા કરણ એની ખાસિયતો વર્ણવતા કહે છે, 'રણબીર બોલિવુડનો એક એવો એક્ટર છે જેણે કોઈ પીઆર (પબ્લિક રિલેશન) મેનેજર રાખ્યો નથી. એ પોતાની ડેટ્સ જાતે જ હેન્ડલ કરે છે. હું તો માનું છું કે રણબીર જેવો ધીરજવાન માણસ બોલિવુડમાં બીજો એકેય નથી.'

રણબીરની પત્ની આલિયા ભટ્ટનો બોલિવુડ-પ્રવેશ કરાવનાર કરણ જોહર હતા તે આપણે જાણીએ છીએ. કરણ આલિયાને પોતાની દીકરી ગણે છે. આ સગપણે રણબીર, કરણનો જમાઈ થયો ગણાય! રણબીર વિશે અધિકારપૂર્વક વાત કરતાં કરણ કહે છે, 'સામાન્યપણે રણબીરની આસપાસ કોઈ હોતું નથી. મોટાભાગે એ એકલો જ હોય છે. ડિરેક્ટર એને શોટ માટે સેટ પર બાર કલાક સુધી રાહ જોવડાવે તો પણ એ એક હરફ સુધ્ધાં નહીં ઉચ્ચારે. રણબીર એક સમયે એક જ ફિલ્મ કરે છે અને પોતાની ડેટ્સ જાતે જ મેનેજ કરે છે. તમે એની પાસે ડેટ્સ માગો એટલે એ ખુદ પોતાનો સેલફોન હાથમાં લઈને પોતાની ડેટ્સના લિસ્ટ પર નજર નાખશે અને ખાલી ડેટ્સ તમને ફાળવી દેશે. આ તો ઠીક, પોતે જે બ્રાન્ડ્સ એન્ડોર્સ કરે છે એની તમામ વિગતો એની પાસે હોય છે. પોતાનું આખું શેડયુલ, પોતાની પાસે કેટલા દિવસ ફાજલ છે અને ક્યારે પોતે બહારગામ ફરવા જવાનો છે એ બધું એને મોઢે હોય છે.'

રણબીર આટલો એકલવાયો શા માટે છે? કરણ કહે છે, 'રણબીરને એકલા જમવું ગમે છે. એને પોતાની કંપની એન્જોય કરતા આવડે છે. મેં ઘણીવાર રણબીરને કોઈ રેસ્ટોરાંમાં સાવ એકલો ડિનર લેતો જોયો છે. ભારતમાં તો તે શક્ય નથી, પણ ફોરેનમાં મેં આવું ઘણી વાર જોયું છે. મેં એને એકાદ-બે વાર પૂછ્યુંય ખરું કે ભાઈ, તું એકલો એકલો કેમ જમવા આવ્યો છે? એનો જવાબ હોય, હું જમીને નિરાંત સુઈ જવા માગું છું. આ માણસને ખરેખર તમારી, મારી કે બીજા કોઈની કંપનીની જરૂર નથી. એ કોઈને તકલીફ આપવા માગતો નથી.'

રણબીર થોડા દિવસ પહેલાં જ ન્યુ યોર્કમાં વેકેશન માણી મુંબઈ પાછો ફર્યો છે. અલબત્ત, એ આ વખતે એકલો નહોતો, એની સાથે આલિયા અને નાની બેબલી પણ હતાં. એની સંદીપ રેડ્ડી વાંગા દિગ્દર્શિત 'એનિમલ' ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે ને એમાં રણબીરનો અવતાર જોઈને સૌ હાંકાબાંકા થઈ ગયા છે. બસ, ડિસેમ્બરમાં આ ફિલ્મ રિલીઝ થાય એટલી જ વાર છે. 


Google NewsGoogle News