બોલિવુડ અને સાઉથ જેવા ભાગલા શા માટે કરવા જોઈએ?: અદિતિ રાવ હૈદરી

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
બોલિવુડ અને સાઉથ જેવા ભાગલા શા માટે કરવા જોઈએ?: અદિતિ રાવ હૈદરી 1 - image


- 'મને મણિરત્નમની 'બોમ્બે' જોયા પછી ફિલ્મોમાં કામ કરવાની ઝંખના જાગી હતી. મારા પરિવારને તો જોકે પહેલેથી જ લાગતું જ હતું કે હું વહેલામોડી ફિલ્મોમાં કામ કર્યા વગર રહીશ નહીં.'

બોલિવુડની અગ્રણી અભિનેત્રી અદિતિ રાવ હૈદરી તાજેતરમાં તેના કલાકાત્મક પ્રોજેક્ટો ઉપરાંત તેના અંગત જીવન માટે પણ ચાહકો અને માધ્યમોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. પોતાના ગ્રેસ અને પ્રતિભા માટે ઓળખાતી અદિતિ મુંબઈમાં બ્રિટિશ ગાયક એડ શીરીનની પાર્ટીમાં હાજર રહી ત્યારે ફરી એક વાર સ્પોટલાઈટમાં આવી હતી. જો કે મીડિયા અને પાપારાઝી પત્રકારોને તેના પ્રોજેક્ટમાં નહિ પણ તેના એક્ટર બોયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે તે ગુપુચપ જઈ રહી હતી તેમાં રસ હતો.

દ્રશ્ય રસપ્રદ હતું. અદિતિ સ્ટ્રેપલેસ બ્લેક જમ્પસુટમાં ખુશખુશાલ સ્મિત સાથે સહકલાકાર ડાયેના પેન્ટી સાથે દેખાઈ હતી. પણ રાત્રે સિદ્ધાર્થ સાથે અદિતિનું વર્તન બદલાઈ ગયું. પત્રકારોએ તેને ચહેરો છુપાડતી જોતા બંનેના સંબંધ વિશે અટકળો શરૂ થઈ ગઈ હતી જે તેમણે અત્યાર સુધી ઈરાદાપૂર્વક ગુપ્ત રાખ્યો હતો.

અહેવાલો મુજબ બંનેની પ્રેમ કહાની ૨૦૨૧માં 'મહા સમુદ્રમ'ના સેટ પર પાંગરી હતી, પણ બંનેએ તેમના રોમેન્ટિક સંબંધ વિશે ગોપનીયતા જાળવવાનું જ નક્કી કર્યું. આખરે નવા વર્ષના દિવસે સોશિયલ મીડિયા પર તેમણે પોતાના સંબંધ વિશે ફોડ પાડયો હતો.

અદિતિ અગાઉ એક્ટર સત્યદીપ મિશ્રા સાથે પરણેલી હતી જેણે છુટાછેડા પછી હાલમાં જ ફેશન ડીઝાઈનર મસાબા સાથે લગ્ન કર્યાં.

પણ મીડિયા ભલે તેના અંગત જીવનમાં જ રસ ધરાવતી હોય, અદિતિ પોતાની કારકિર્દી પ્રત્યે પ્રતિબદ્ધ છે. ઈન્ડો-યુકે સહ પ્રોડક્શન લાયનેસ તેમજ સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરામંડી'થી અદિતિ પોતાના રોલમાં વૈવિધ્યતા લાવવાના અને કલાની સરહદો પાર કરવાના સતત પ્રયાસો કરતી રહી છે.

સ્વતંત્રતા પૂર્વેની પૃષ્ઠભૂમિ સામે રચાયેલી 'હીરામંડી' મુક્તિ માટે તરસતી મહિલા બીબોજાનના પાત્રમાં પોતાની વૈવિધ્યતા દર્શાવતી અદિતિ સાથે ઐતિહાસિક મહત્ત્વ  ધરાવતી રસપ્રદ વાર્તા છે. આ શોમાં તેની સાથે સોનાક્ષી સિંહા, સંજીદા શેખ, મનિષા કોઈરાલા, રિચા ચઢ્ઢા અને શરમિન સહેગલ જેવાં કલાકારો છે.

ઉપરાંત વિજય સેતુપતિ અને અરવિંદ સ્વામી જેવા અગ્રણી કલાકારો પણ છે. કિશોર પાંડુરંગ બેલેકર દિગ્દર્શિત તેમજ સંગીતસમ્રાટ એ. આર. રહેમાનની સંગીતમય પણ મૂંગી ફિલ્મ 'ગાંધી ટોક્સ'માં તેની સંડોવણી પરંપરાગત વાર્તા કહેવાના ધોરણોને પડકારતા પ્રોજેક્ટ પ્રત્યે તેની પ્રતિબદ્ધતા સાબિત કરે છે.

ફિલ્મ ઉદ્યોગની ચમકદમકથી પેલે પાર અદિતિ તેના મૂળમાં સારી રીતે જડાયેલી છે. હૈદરાબાદના રાજવી પરિવારમાંથી આવતી અદિતિના ઉછેરમાં સંસ્કૃતિ માટે ઊંડી કદર રોપવામાં આવી છે.

હૈદરાબાદ અને દિલ્હી જેવાં મહાનગરો વચ્ચે વિતાવેલા બાળપણને યાદ કરતા અદિતિ કહે છે કે કોઈપણ શહેર વિશેના અભિગમમાં તેમાંથી મળેલા અનુભવોનો મહત્ત્વનો ફાળો હોય છે. હૈદરાબાદમાં જન્મ અને ઉછેર હોવાને નાતે અદિતિના હૃદયમાં તેનું વિશેષ સ્થાન છે. અહીં તેનો પરિવાર રહે છે એટલું જ નહીં પણ બોલિવુડની વ્યસ્તતાથી વિપરીત અહીંનું શાંત વાતાવરણ તેને પસંદ છે.

અદિતિ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ઐક્યની ભલામણ કરતા કહે છે કે પ્રાદેશિક સરહદો વાડ ન બનવી જોઈએ. બોલિવુડ અને દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ જેવા વિભાગોનો વિરોધ કરતા અદિતિ સિને સૃષ્ટિને ભારતીય ફિલ્મ ઉદ્યોગ તરીકે ગણવાની ભલામણ કરે છે. અદિતિ માને છે કે વિવિધ ભાષા અને સંસ્કૃતિમાં કામ કરવાની તક અને વૈવિધ્યતાની સમૃદ્ધિ મહત્વની છે. અદિતિ કહે છે કે પ્રદેશના આધારે ફિલ્મ ઉદ્યોગને નામ આપવાની બદલે ભારતીય ફિલ્મ ઉદ્યોગ તરીકે જ તેને ઓળખવો જોઈએ.

અદિતિની પૃષ્ઠભૂમિ ફિલ્મી પરિવારની ન હોવા છતાં નાનપણથી જ તે ફિલ્મ ઉદ્યોગમાં ચમકશે તેવી અટકળો તેના પરિવારમાં થતી હતી. અભિનયના ક્ષેત્રમાં પદાર્પણ કરવાની ઈચ્છા અદિતિને મણિ રત્નમ દિગ્દર્શિત સિનેમેટીક માસ્ટરપીસ 'બોમ્બે' જોઈને થઈ હતી. અંજાઈ ગયેલી દર્શકથી લઈને અગ્રણી અભિનેત્રી બનેલી અદિતિની સફરમાં સ્વપ્નોનાં શહેર મુંબઈ પ્રત્યે લાગણી વર્તાય છે, જ્યાં ઈચ્છાઓ જન્મે છે અને વાસ્તવિક્તા અને પરિકલ્પના એકમેકમાં ઓતપ્રોત થઈ જાય છે. 


Google NewsGoogle News