બોલિવુડમાં દક્ષિણ ભારતીય કલાકારો સાથે ભેદભાવ શા માટે?ઃ પ્રિયામણી
- 'અમારો દેખાવ પરંપરાગત ધોરણો મુજબ ભલે ન હોય, પણ દક્ષિણ ભારતીય કલાકારો પણ સુંદર હોય છે. વળી, પ્રતિભાને કોઈ સરહદ હોતી નથી...'
ભારતના વિવિધ ફિલ્મ ઉદ્યોગમાં વિવિધતાસભર ભૂમિકાઓ ભજવવા માટે જાણીતી પ્રિયામણીએ તાજેતરમાં દક્ષિણ ભારતીય કલાકાર તરીકે પોતાના ટાઈપકાસ્ટ થવા વિશે મંતવ્યો વ્યક્ત કર્યા હતાં. એણે જણાવ્યું કે ફિલ્મ સર્જકો તેનો માત્ર દક્ષિણ ભારતીય પાત્ર ભજવવા માટે જ સંપર્ક કરતા હોય છે. પ્રાદેશિક ઓળખનો તેમને મળતી તક સાથે સંબંધ ન હોવો જોઈએ. અમે દક્ષિણ ભારતીય કલાકારો અન્ય કલાકારોની જેમ જ ભાષામાં પ્રવીણ છીએ. અમારો દેખાવ પરંપરાગત ધોરણો મુજબ ન હોઈ શકે, પણ દક્ષિણ ભારતીય કલાકારો પણ સુંદર હોય છે અને પ્રતિભાને કોઈ સરહદ નથી હોતી.
પ્રિયામણીને દક્ષિણ ભારતીય કલાકારનો ટેગ કઠે છે. તેના મતે પ્રાદેશિક વર્ગીકરણથી અલગ થઈને કલાકારોએ લાગણી વ્યક્ત કરવાની હોય છે જે ભાષાકીય ચોક્સાઈ કરતાં વધુ મહત્વની છે. પ્રિયામણી કહે છે કે આખરે તો કલાકારોએ દર્શકો સાથે તેમના મૌલિક ચિત્રણથી જોડાણ કરવાનું હોય છે. પ્રિયામણી ભારપૂર્વક કહે છે કે ઉત્તર હોય કે દક્ષિણ, આપણે તમામ ભારતીય કલાકારો છીએ અને આપણી વૈવિધ્યતા આપણા સિનેમેટીક ફલકને વધુ સમૃદ્ધ બનાવશે.
તાજેતરમાં 'આર્ટિકલ ૩૭૦'માં તેના પાત્રના ચિત્રણથી દર્શકોને પ્રભાવિત કરનાર પ્રિયામણી આતુરતાથી અજય દેવગણ સાથે તેના આગામી પ્રોજેક્ટ રજૂ થવાની રાહ જોઈ રહી છે. એ રૂઢીચુસ્ત ધારણાઓને તોડી પાડે છે અને દઢપણે ઇન્ક્લુઝિવ (સર્વસમાવેશક) બનવા પર ભાર મૂકે છે. એનો આ એટિટયુડ એના ચાહકોને તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાય સભ્યોને ખૂબ પસંદ છે.
શાહરૂખ ખાન અભિનિત 'જવાન'માં પોતાની પ્રતિભા સાબિત કરનાર પ્રિયામણી કબૂલ કરે છે કે તેની કારકિર્દી તેલુગુ અને તમિલ સિનેમાથી શરૂ થઈ હોવાથી હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં તેની સામે પૂર્વગ્રહ રાખવામાં આવે છે. પ્રિયામણીને આશા છે કે સર્જકો દ્વારા માત્ર દક્ષિણ ભારતીય પાત્ર માટે તેનો વિચાર કરવાનું વલણ ધીમે ધીમે બદલાશે.
પ્રિયામણીએ તેલુગુ, કન્નડ, તમિલ, હિન્દી અને મલાયલમ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ૨૦૦૩માં તેલુગુ ફિલ્મ 'એવારે અટાગાડુ'થી કરી હતી. પણ ૨૦૦૭માં તમિલ ફિલ્મ 'પરુથીવીરન'માં તેણે ભજવેલા રોલથી તેની લોકપ્રિયતા વધી ગઈ હતી અને તેને આ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર તેમજ તમિલમાં શ્રેષ્ઠ અભિનેત્રી માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
બોલિવુડ સાથે તેનો પ્રથમ સંબંધ ૨૦૧૩માં 'ચેન્નઈ એક્સપ્રેસ'માં ડાન્સ ગીત 'વન ટુ થ્રી ફોર ગેટ ઓન ધી ફ્લોર' સાથે થયો હતો. પ્રિયામણીના અન્ય નોંધનીય પ્રોજેક્ટોમાં 'રામ' (૨૦૦૯), 'રાવણ' (૨૦૧૦), 'પ્રાણચિયેત્તન અને ધી સેન્ટ' (૨૦૧૦), 'ચારુલથા' (૨૦૧૨) અને 'આઈડોલ રામાયણા' (૨૦૧૬) તેમજ બીજા અનેક સામેલ છે.
ઉપરાંત પ્રિયામણી 'ધી ફેમિલી મેન' સીરીઝમાં મનોજ બાજપેયી સાથે પણ દેખાઈ હતી. હાલ પ્રિયામણી અજય દેવગણ સાથેની ફિલ્મ 'મૈદાન'ને લઈને ખાસ્સી ઉત્સાહિત છે.