પરણવા પહેલા પારોઠના પગલાં કેમ ભર્યાં વિદ્યા તિવારી-નીલ મોટવાણીએ?
- નીલ અને વિદ્યા હવે એકબીજા વિશેેે વાત કરવા પણ રાજી નથી. તેમણે પોતાની સગાઇ તોડી નાખી છે. તેમણે સોશ્યલ મીડિયા પરથી પોતાના સહિયારા ફોટા ડિલિટ કરી નાખ્યાં છે
ગ યા વર્ષે નીલ મોટવાણી અને વિદ્યા તિવારી પ્રભુતામાં પગલાં પાડવાના હતાં. પરંતુ કોરોના મહામારીને કારણે તેમના લગ્ન વિલંબમાં પડયાં. અને હવે એમ લેગે છે કે પ્રભુતામાં પગલાં પાડવાથી પહેલાં જ તેમણે પારોઠના પગલાં ભર્યાં છે.તેમણે તેમની સગાઇ તોડી નાખી છે અને સોશ્યલ મીડિયા પર પણ એકમેકને અનફોલો કર્યાં છે. તેમણે સોશ્યલ મીડિયા પર તેમની જેટલી સહિયારી તસવીરો હતી તે બધી કાઢી નાખી છે.
ધારાવાહીક 'વારિસ' દરમિયાન પ્રેમમાં પડેલા નીલ અને વિદ્યાએ વર્ષ ૨૦૧૮માં સગાઇ કરી હતી. અને ગયા વર્ષે તેઓ લગ્ન પણ કરવાના હતાં. એકમેકના ગળાડૂબ પ્રેમમાં રહેલા નીલ અને વિદ્યાએ એક તબક્કે એકબીજાની ભરપૂર પ્રશંસા પણ કરી હતી. તેમની સગાઇ પછી વિદ્યાએ એક વખત કહ્યું હતું કે નીલ મને બધી વાતમાં સાથ આપે છે. અમે પરસ્પર નિકટ આવ્યાં તેનાથી પહેલા જ તે મારા પરિવારજનોને મળ્યો હતો. એક વખત મારા માતાપિતા અમારા શોના સેટ પરઆવ્યાં હતાં ત્યારે અમે ડિનર માટે સાથે બહાર ગયા હતાં. તે વખતે નીલે તેમને ઘર સુધી છોડયાં હતાં. તેનું નમ્ર વર્તન જોઇને મારા માતાપિતાને લાગ્યું હતું કે નીલ મારા માટે યોગ્ય વર પુરવાર થશે.
જ્યારે નીલે કહ્યું હતું કે વિદ્યા અને હું ઘણી બાબતે મળતાં આવીએ છીએ. ખાસ કરીને અધ્યાત્મ બાબતે. અમે ઘણી ધાર્મિક યાત્રાઓ કરવાનું વિચારી રાખ્યું છે. જ્યારે વિદ્યા મારી આસપાસ હોય છે ત્યારે હું મારા શ્રેષ્ઠ ફોર્મમાં હોઉં છું. એક જીવનસાથીમાં જે ગુણો હું ઇચ્છતો હતો તે બધા વિદ્યામાં છે.
એકમેકની પ્રશંસા કરવામાં જેમની જીભ નહોતી સુકાતી તે નીલ અને વિદ્યા હવે એકબીજા વિશેેે વાત કરવા પણ રાજી નથી. તેમણે પોતાની સગાઇ તોડી નાખી છે. તેમણે સોશ્યલ મીડિયા પરથી પોતાના સહિયારા ફોટા ડિલિટ કરી નાખ્યાં છે. સ્વાભાવિક રીતે જ તેમના પ્રશંસકોને એ વાતનો ઉચાટ થઇ રહ્યો છે કે તેમની વચ્ચે એવું તે શું થયું કે લગ્નથી પહેલા જ છૂટા પડવાની નોબત આવી. જોકે આ બાબતે અત્યાર સુધી તેમણે હોઠ સીવી રાખ્યાં છે. લાગે છે સમય જ તેમના અલગ થવાનું રહસ્ય ખુલ્લું કરશે.