સંજય કપૂરના રંગરુપ કેમ બદલાઈ ગયા? .

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
સંજય કપૂરના રંગરુપ કેમ બદલાઈ ગયા?                           . 1 - image


- 'બ્લડી ડેડી'એ સંજય કપૂરની કરીઅરને ચેતનવંતી બનાવી છે

- સંજય, અનિલ અને બોની કપૂરના  પિતાજી  સુરિન્દર કપૂર  તેમજ પૃથ્વીરાજ કપૂર બંને સગા પિતરાઇ ભાઇઓ. આ  કૌટુંબિક સંબંધ  બંને  કપૂર કુટુંબ વચ્ચે હજી જળવાઇ રહ્યો છે.

ભા આપણે સૌ જાણીએ છીએ કે ઓટીટી પરની ફિલ્મોમાં બોલીવુડનાં જાણીતાં કલાકારોની રેલમછેલ છે. માધુરી દિક્ષીત, મનોજ બાજપાઇ, અનિલ કપૂર, બોબી દેઓલ, પંકજ કપૂર, સારા અલી ખાન, વરૂણ ધવન વગેરે કલાકારો આજે ઓટીટીની વધી રહેલી લોકપ્રિયતાનો આનંદ માણી રહ્યાં છે. એમાં એક ઓર નામ ઉમેરાયું છે, સંજય કપૂરનું. 'લસ્ટ સ્ટોરીઝ'થી સંજય કપૂરની ફિલ્મ  કારકિર્દીને જાણે કે નવી ઉર્જા મળી. 

થોડા સમય પહેલાં ઓટીટી પર સંજય કપૂરની  'બ્લડી ડેડી' ફિલ્મ રજૂ થઇ હતી. બ્લડી ડેડી ફિલ્મમાં  કેફી દ્રવ્યોની હેરાફેરી  કરતી ટોળકી અને એક સરકારી ઓફિસરની કથા છે. ફિલ્મમાં સંજય કપૂર હમીદ શેખનુંપાત્ર ભજવ્યું છે. બહુ ઓછા બોલો પણ જબરો ખતરનાક હમીદ શેેખ સુંદર, આકર્ષક, મોઘાં, ફેશનેબલ વસ્ત્રો, ચશ્મા, ઘડિયાળ, ગળામાં સોનાની ચેન વગેરે પહેરવાનો જબરો શોખીન હોય છે.  ગ્રે રંગ(રાખોડી) ની દાઢી અને માથાના વાળ પણ  ગ્રે રંગના.  કોઇને જરા સરખી શંકા પણ થાય કે હમીદ શેખ ખોફનાક ખલનાયક છે.

ફિલ્મ નિર્માતા સુરિન્દર કપૂરનો સૌથી નાનો પુત્ર સંજય કપૂર (બોનીકપૂર, અનિલ કપૂર મોટાભાઇ છે) ખુશી વ્યક્ત કરતાં કહે છે, ફિલ્મના દિગ્દર્શક અલી અબ્બાસ જફરે મારા પાત્રના રૂપરંગ સાવ જ બદલી નાખ્યા છે. અલી ઇચ્છતા હતા કે  દર્શકોને  હમીદ પડદા પરફક્ત અને ફક્ત હમીદ  લાગવો જોઇએ.   સંજય કપૂર નહીં. મેં  ખરેખર મારી કારકિર્દીના કોઇ પાત્રમાં ક્યારેય માથાના  ગ્રે રંગના  વાળ  કે ગ્રે રંગની દાઢી નથી રાખ્યાં. દર્શકોને કદાચ  મારા આવા નવતર અને આકર્ષક  રૂપરંગ ગમી ગયાં  છે. 

ફિલ્મ પ્રેમ (૧૯૯૫)થી હિન્દી ફિલ્મ જગતમાં  પા પા પગલી શરૂ કરનારો  સંજય કપૂર કહે છે, બ્લડી ડેડી ફિલ્મ વિશે  મને મારા શુભેચ્છકો, ચાહકો,  દર્શકો  દ્વારા  સંદેશા મળ્યા છે. તેમના કહેવા મુજબ  બ્લડી ડેડી ફિલ્મ   ઓટીટી પર  નહીં પણ થિયેટરોમાં રજૂ થવી જોઇતી હતી. વળી, ફિલ્મમાં મારું હમીદ શેખનું પાત્ર મૃત્યુ પામે છે એ પણ તેઓને નથી ગમ્યું. કહેવાનો અર્થ એ છે કે દર્શકો મારી હમીદની ભૂમિકા  જીવતી રહે તેમ ઇચ્છતાં હતાં.  આમ તો ફિલ્મનાં અન્ય પાત્રોની સરખામણીએ મારું હમીદ શેખનું પાત્ર નાનું--ટૂંકું  છે.આમ છતાં  પડદા પર હમીદ છવાઇ જાય છે. હમીદનો રૂઆબ, દબદબો, વેધકતા વગેર પાસાં બહુ અસરકારક બની રહે છે. એટલે કે ફિલ્મમાં સિકંદર કેફી દ્રવ્યોની હેરાફેરી કરતી ટોળીનો સરદાર હોય છે. આમ છતાં આ જ સિકંદરે પેલા હમીદનો હુકમ  માનવો પડે છે. સિકંદરે હમીદ કહે તેમ કરવું પડે છે. હવે આ બધાં મજબૂત  પાસાં સાથે બ્લડી ડેડી થિયેટરોમાં રજૂ  થઇ હોત તો તે  બેહદ લોકપ્રિય બની હોત. ફિલ્મ ઓટીટી પર રજૂ થઇ હોવા છતાં ફક્ત ત્રણ જ દિવસમાં ૬૦ લાખ દર્શકોએ જોઇ છે. જરા કલ્પના કરો કે આજના નવા જમાનામાં ઓટીટી માધ્યમ કેટલું અસરકારક અને લોકપ્રિય બની ગયું છે.  

અમે બ્લડી ડેડીનું શૂટિંગ દેહરાદૂનમાં  કરતા હતાં ત્યારે મને ત્યાંનાં જે કોઇ  નાગરિક મળતા તે અભિનંદન આપતાં. મારા અભિનયની પ્રશસા કરતાં. હવે ફિલ્મને દર્શકોનો ઉમળકાભેર પ્રતિસાદ મળ્યો છે ત્યારે મારા ખ્યાલ મુજબ નિર્માતાએ અને દિગ્દર્શકે આ જ ફિલ્મનો બીજો હિસ્સો પણ બનાવવો જોઇએ. ખાસ કરીને  મને (મારી હમીદની ભૂમિકાને) તેના ભાઇ તરીકે રજૂકરવો જોઇએ.

સંજય કપૂર કહે છે, બ્લડી ડેડી ફિલ્મમાં શાહીદ કપૂરની ભૂમિકા (કેફી  દ્રવ્યો વિભાગના ઓફિસર સુમેર આઝાદ) મોટી અને મહત્વની  છે. શાહીદ કપૂર બહુ મહેનતુ અને પ્રતિભાશાળી અભિનેતા છે.  શાહીદ ધીમી પણ મક્કમ ગતિએ  વધુ ને વધુ અચ્છો અભિનેતા બની રહ્યો છે. અમે અગાઉ શાનદાર  ફિલ્મમાં સાથે કામ કર્યું છે  એટલે અમારી વચ્ચે સારી સમજણ છે. શાહીદે બ્લડી ડેડી ફિલ્મનાં  સંવેદનશીલ  દ્રશ્યોમાં ખરેખર બહુ અસરકારક અભિનય કર્યો છે. ખાસ કરીને સુમેર આઝાદ (શાહીદ કપૂર)ના  નાના પુત્રનું અપહરણ થાય છે ત્યારે એક પિતા તેના વહાલા દીકરાને બચાવવા તમામ પ્રયાસ કરે તે લાગણી તેની આંખોમાં સ્પષ્ટ જોઇ-અનુભવી શકાય છે. 

રાજા,  સિર્ફ તુમ, ઔઝાર, છૂપા રૂસ્તમ, કોઇ મેરે દિલ સે પૂછે વગેરે ફિલ્મમાં અને કરિશ્મા, દિલ સંભાલ  જરા, ગોન ગેમ વગેરે ટીવી  સિરિયલોમાં  વિવિધ પાત્રો ભજવનારો સંજય કપૂર  કહે છે, જુઓ, મારા માટે ફિલ્મના  દિગ્દર્શક પહેલી પસંદગી હોય છે. ઉદાહરણરૂપે અલી અબ્બાસ જફર બહુ મજેદાર  દિગ્દર્શક છે. અલીઅ મને બ્લડી ડેડીની વાર્તા સંભળાવી અને મારા પાત્ર વિશે વિગતવાર કહ્યું ત્યારે જ મને તે ગમી ગઇ હતી.મેં  અલીને એ જ વખતે ફિલ્મમાં કામ  કરવાની હા કહી દીધી  હતી. 

દિગ્દર્શક બાદ બીજા  નંબરે  મારા માટે ફિલ્મની કથા -પટકથા મહત્વની છે. ત્યારબાદ ફિલ્મનો સેટ. સેટ પરનું વાતાવરણ જેટલું સારું એટલી કામ કરવાની મજા આવે. 

બ્લડી ડેડી હિન્દી ફિલ્મ મૂળ  ફ્રેન્ચ  ફિલ્મ  સ્લિપલેસ નાઇટ પરથી બની છે. આ જ ફ્રેન્ચ  ફિલ્મના આધારે  તમિળ ફિલ્મ થુંગા વનમ(કમલ હાસન) પણ બની છે.  જોકે મારા અભિપ્રાય મુજબ બ્લડી ડેડી  ખરેખર બહુ સારી રીતે અને નવા સ્વરૂપમાં બની છે. ફિલ્મની રજૂઆત બહુ વિશિષ્ટ અને અસરકારક છે.એટલે જ તો આપણાં દર્શકોને પણ ગમી છે.

સંજય કપૂરના પરિવારને અને બોલીવુડના વડલા જેવા કપૂર પરિવાર સાથે ગાઢ સગપણનો સંબંધ છે. સંજય, અનિલ, બોની કપૂરના  પિતાજી  સુરિન્દર કપૂર અને પૃથ્વીરાજ કપૂર બંને સગા પિતરાઇ ભાઇઓ.  આ  કૌટુંબિક સંબંધ  બંને  કપૂર કુટુંબ વચ્ચે હજી જળવાઇ રહ્યો છે.

સંજય કહે છે, અમારા કપૂર પરિવારમાં  મારો મોટોભાઇ અનિલ કપૂર હજી બોલીવુડમાં અને ટેલિવુડમાં સક્રિય છે. અનિલે હજી હમણાં જ  ધ નાઇટ મેનેજર નામની ટેલિવઝન સિરીઝમાં શસ્ત્રોના સોદાગરની અચ્છી ભૂમિકા ભજવી છે. હાલ તો અમે બંને ભાઇઓ અમારી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છીએ. હા, રૂબરૂ મળીએ ત્યારે અમારા ઘરની, પરિવારનાં સભ્યોની, એકબીજાના આરોગ્યની વાતો કરીએ. ફિલ્મની નહીં. 

સંજય કપૂર કહે છે, હાલ ઓટીટીની લોકપ્રિયતા વધી રહી છે. ઓટીટી માધ્યમ  જૂનાં અને નવાં બંને કલાકારો માટે શુકનિંયાળ નિવડયું છે. જુઓ, હિન્દી ફિલ્મ જગતના આલા દરજ્જાના અદાકાર મનોજ બાજપાઇની ફેમિલી મેન અને સિર્ફ એક બંદા કાફી હૈ બંને  ફિલ્મને દર્શકોનો બહોળો આવકાર મળ્યો છે.ખરું કહું તો મને  સિર્ફ એક  બંદા કાફી હૈ નું મનોજ બાજપાઇનું પાત્ર ભજવવાની અદમ્ય ઇચ્છા છે.

હું હાલ ક્રિસમસ, મર્ડર મુબારક, લાલ બત્તી  એમ ત્રણ નવી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત  છું.  લાલ બત્તી ફિલ્મ તો બોલીવુડના સુપરહીટ દિગ્દર્શક પ્રાશ ઝાની હોવાથી  બહુ વિશિષ્ટ છે.  


Google NewsGoogle News