રડવામાં શરમ શાની?: બૉબી દેઓલ
- 'મને લાગે છે કે છાના છાના તો સૌ કોઈ રડી લેતું હોય છે. મોટા ભાગના લોકો તેના વિશે વાત કરતા નથી, એટલું જ. અમારું એવું નથી. અમે છૂટથી લાગણી વ્યક્ત કરીએ છીએ.'
ફિલ્મોમાં દુશ્મનોનું 'ખૂન પી જાઉંગા'ની ત્રાડ નાખતા દેઓલ્સ અસલી જીવનમાં ખાસ્સા ઈમોશનલ છે. આવું ખુદ બૉબી દેઓલનું કહેવું છે. ધર્મેન્દ્ર હોય, સની અને બૉબી હોય કે પછી અભય હોય, દેઓલ્સ ઓડિયન્સનું મનોરંજન કરવામાં ક્યારેય પાછા પડયા નથી. દેઓલ્સનું ગયું વર્ષ જબરદસ્ત પૂરવાર થયું હતું. સનીની 'ગદર-ટુ'એ બમ્પર કમાણી કરી હતી, બૉબીની 'એનિમલ'એ તો રીતસર છાકો પાડી દીધો હતો અને ધર્મેન્દ્રએ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં સંવેદનશીલ અભિનય કરીને સૌનાં દિલ જીતી લીધાં હતાં. ઇન ફેક્ટ, સનીના પુત્રોની ફિલ્મો પણ ગયા વર્ષે થિયેટરમાં રિલીઝ થઈ હતી.
સન્ની અને બૉબી દેઓલ ઘણી ઈવેન્ટ્સમાં અને ટેલિવિઝન શોઝમાં પોતાના પરિવાર વિશેની વાતો શૅર કરે છે. વાત કરતાં કરતાં તેઓ ઘણી વાર ભાવુક પણ થઈ જાય છે. બૉબી દેઓલ કહે છે, 'તમે જોયું હશે કે વિરાટ સ્ટેડિયમમાં રમતવીરો જીતી જાય ત્યારે આનંદના આવેગમાં રડવા લાગે છે. અમારું પણ એવું જ છે. જ્યારે તમે આટલી મહેનત કર્યા પછી કંઈક મોટું હાસલ કરો છો તો આંખોમાં આનંદનાં આંસુ આવી જાય છે. આ એક સામાન્ય ઘટના છે, આપણને સૌને આવી લાગણી થાય છે. જોકે અમારો આખો પરિવાર તો કંઈ વધારે પડતો જ લાગણીશીલ છે. બધા દેઓલ-પુરુષો છૂટથી રડે છે. અમને રડવામાં કોઈ શરમ આવતી નથી. રુદન એક લાગણી છે, જે ગમે ત્યારે વ્યક્ત થઈ શકે છે.'
દેઓલ-પુરુષોનો શારીરિક દેખાવ જોકે તદ્દન વિપરીત છે. તેઓ હટ્ટાકટ્ટા, મજબૂત અને મર્દાના છે, પણ એમનું દિલ ભારે કોમળ છે. સની કહે છે, 'મને લાગે છે કે છાના છાના તો સૌ કોઈ રડી લેતું હોય છે. મોટા ભાગના લોકો તેના વિશે વાત કરતા નથી, એટલું જ. અમારું એવું નથી. અમે છૂટથી લાગણી વ્યક્ત કરીએ છીએ.'
'એનિમલ'ની સફળતા બાદ અનેક જગ્યાએ કહેવાયું કે બૉબીના પહેલાં ક્યારેય જોયા ન હોય તેવા અવતારથી બધા ચોંકી ગયા છે. સંદીપ રેડ્ડી વાંગાના ડિરેક્શનમાં બની રહેલી સિક્વલ 'એનિમલ ફાર્મ'માં તો ઓરિજિનલ કરતાંય વધારે હિંસા છે. બૉબી કહે છે, 'મારો ભાઈ અને મારા પિતા મારા પ્રેરણાસ્રોત છે. તેઓ એક્શનમાં આવે છે ત્યારે સાવ જુદા જ માણસ બની જાય છે. હું તો કાયમ સનીભૈયા જેવી ફિલ્મો કરવાનો જ આગ્રહ રાખું છું, પણ મને એવી ફિલ્મો મળતી નથી, કેમ કે એ બધી ફિલ્મો સનીભૈયાને જ ઓફર થાય છે. હા, મને ઢંગઢડા વગરની એક્શન ફિલ્મો જરાય ગમતી નથી. મને 'જોન વિક' જરાય નહોતી ગમી. આ પણ ઢંગઢડા વગરની એક્શન ફિલ્મ હતી, પણ તેમાં જોકે કિઆનુ રિવ્ઝની અદાકારી ગમી જાય તેવી હતી.'
બોબી દેઓલની સૌથી મનગમતી એક્શન ફિલ્મ છે, સની અભિનીત 'ઘાયલ'. બૉબી કહે છે, 'મને 'ઘાયલ' ઘણી ગમે છે. હું તો દ્રઢપણે માનું છું કે જે એક્શન ફિલ્મોમાં ઈમોશન હોય છે તે અચૂક ચાલે જ છે.'
વાત તો સાચી.