Get The App

કોણે કહ્યું કે અજાણી ભાષામાં એક્ટિંગ ન જ કરાય?: સેલેના ગોમેઝ

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
કોણે કહ્યું કે અજાણી ભાષામાં એક્ટિંગ ન જ કરાય?: સેલેના ગોમેઝ 1 - image


તાજેતરના એક પોડકાસ્ટમાં વિખ્યાત અભિનેતા-પ્રોડયુસર ઈગેનિયો ડરબેઝએ જેક્સ ઓડિયાર્ડની સંગીતમય થ્રિલર 'એમિલિયા પેરેઝ'માં સેલેના ગોમેઝના પરફોર્મન્સ પર પોતાના નિખાલસ મંતવ્યો શેર કર્યા હતા. 

ફિલ્મમાં જેસી ડેલ મોન્ટેનું ચિત્રણ કરનાર ગોમેઝનું સ્પેનિશ ભાષા પર પ્રભુત્વ ન હોવાને કારણે ડરબેઝે ટીકા કરી હતી. તેના મતે ભાષાના જ્ઞાાનના અભાવે ગોમેઝ ચુસ્ત અને પ્રભાવશાળી પરફોર્મન્સ આપવામાં નિષ્ફળ સાબિત થઈ હતી. આ ચર્ચાથી સિનેમામાં ભાષાકીય અને સાંસ્કૃતિક પ્રમાણિકતાના મહત્વને ઉજાગર કરાયું છે.

'કોડા' અને 'ઓવરબોર્ડ' જેવી ફિલ્મોમાં પોતાના રોલ માટે પ્રસિદ્ધ ડરબેઝએ ગોમેઝના ચિત્રણ બાબતે પોતાના મંતવ્ય વ્યક્ત કરવામાં કોઈ કચાશ નહોતી રાખી. ફિલ્મ જોવામાં પોતાના અનુભવનું વર્ણન કરતા ડરબેઝે કહ્યું કે ગોમેઝના પરફોર્મન્સનો બચાવ કરી શકાય એમ નથી. તેના મતે ભાષાકીય અજ્ઞાાનને કારણે ગોમેઝ પાત્રને યોગ્ય ન્યાય નહોતી આપી શકી.

ડરબેઝના મતે ગોમેઝ પ્રતિભાશાળી જરૂર છે, તેને 'ઓનલી મર્ડર્સ ઈન ધી બિલ્ડીંગ'માં તેના પરફોર્મન્સ માટે ઓસ્કર નામાંકન પણ મળ્યું હતું અને તેની સંગીત કારકિર્દી પણ અત્યંત સફળ રહી છે, પણ સ્પેનીશ ભાષા વિશે તેને પૂરતી જાણકારી નથી. ભાષાના જ્ઞાાનના અભાવે ગોમેઝ અમુક સંવાદોના અર્થ પૂરા સમજી નથી શકી જેના પરિણામે તેના પરફોર્મન્સમાં સુક્ષ્મતા અને ભાવનાત્મક ઊંડાણ નથી દેખાતું. આથી ગોમેઝનો અભિનય અવિશ્વનીય હોવા સાથે સ્પેનીશ બોલતા લોકોને અસ્વસ્થ કરનારો પણ હતો.

ડરબેઝે પોતાની ટીકામાં સમગ્ર ફિલ્મ સર્જનને પણ આવરી લીધું. તેના મતે ગોમેઝને કાન ફિલ્મ ફેસ્ટીવલમાં આ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો ત્યારે તેના પરફોર્મન્સનું વ્યાપક વિશ્લેષણ થવું જોઈતું હતું. તેમના મતે દર્શકોને સ્પેનીશ ભાષા વિશે જાણકારી ન હોવાથી તેમને ગોમેઝની ખામી નજરે ન આવી હોય એવું પણ બની શકે. તેમણે માત્ર સબટાઈટલ પર જ મદાર રાખ્યો હોવો જોઈએ. તેમણે સ્પષ્ટતા કરી કે અજાણી ભાષાની ફિલ્મ જોનારા દર્શકોને સંવાદની સમજણ વિના અભિનયની ગુણવત્તાનો ખ્યાલ ન આવી શકે.

ગોમેઝ ઉપરાંત ડરબેઝે દિગ્દર્શકની પણ ટીકા કરતા કહ્યું કે જેક્સ ઓડિયાર્ડ ફ્રેન્ચ ફિલ્મ સર્જક છે જેમને સ્પેનીશ અથવા અંગ્રેજી ભાષા વિશે કોઈ જાણકારી નથી. આવા દિગ્દર્શક મેક્સિકોની પૃષ્ઠભૂમિ ધરાવતી વાર્તાનું બંને ભાષામાં એમિલિયા પેરેઝનું દિગ્દર્શન કરે તે હાસ્યાસ્પદ છે.  ડરબેઝના મતે ઓડિયાર્ડની સાંસ્કૃતિક અને ભાષાકીય જાણકારીના અભાવે ફિલ્મના સર્જનમાં ક્ષતિઓ રહી ગઈ. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે મને રશિયન ભાષા અને સંસ્કૃતિ વિશે જાણકારી ન હોય તો હું તેના પર ફિલ્મ કેવી રીતે બનાવી શકું. પ્રાથમિક જ્ઞાાન વિના કોઈપણ સંસ્કૃતિની મૌલિકતા કેવી રીતે ફિલ્મમાં દર્શાવી શકાય એવો સવાલ તેમણે ઉપસ્થિત કર્યો હતો.

ડરબેઝની ટીકાની જાણકારી મળતા સેલેના ગોમેઝે પ્રતિસાદ આપ્યો. ગોેમેઝે પોતાનો બચાવ કર્યો કે મેં મારાથી શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પણ તે યોગ્ય ન લાગ્યો હોય તો હું દિલગીર છું. પણ ભાષાનું અજ્ઞાાન રોલ માટે મેં કરેલા પ્રયાસો અને લાગણીને ઢાંકી ન શકે. ગોમેઝે પોતાના ચાહકોનો પણ આભાર માનતા કહ્યું કે વિવાદ છતાં તેમણે મારું સમર્થન કર્યું. ગોમેઝ પ્રોજેક્ટ પ્રત્યેની પ્રતિબદ્ધતા બાબતે મક્કમ રહી અને સ્પષ્ટતા કરી કે ભાષાની જાણકારીનો અભાવ તેના પરફોર્મન્સને નબળો ન પાડી શકે.

ફિલ્મ ઉદ્યોગ જ્યારે વૈવિધ્યતા અને પ્રતિનિધિત્વ પર વધુ ભાર મુકી રહ્યો છે ત્યારે ગોમેઝ ફરતા વિવાદની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. એમિલિયા પેરેઝના વિવાદથી સ્પષ્ટ થયું છે કે ભાષાકીય જ્ઞાાન અને સાંસ્કૃતિક જાણકારી મુખ્ય ભૂમિકા નિભાવતા કલાકાર માટે અત્યંત જરૂરી છે. વિવેચકોના મતે સમગ્ર વિવાદનો સાર એટલો છે કે કલાકારની પ્રોજેક્ટ પ્રત્યે પ્રતિબદ્ધતા ભલે નિર્વિવાદ હોય, પણ કથાનકમાં પ્રમાણિકતા લાવવા તેની પાસે વાર્તાને અનુરૂપ ભાષાકીય અને સાંસ્કૃતિક જાણકારી હોવી જરૂરી છે.


Google NewsGoogle News