સિનેમામાં સાચું શું અને ખોટું શું એ કોણ નક્કી કરે? : ઇમ્તિયાઝ અલી
- 'એનિમલ' હિટ થઇ એટલે તેમાં દર્શાવવામાં આવેલી હિંસા સ્વીકાર્ય ગણાય? 'ચમકીલા'નાં ગીતો પંજાબી સમાજના નિમ્ન વર્ગને પસંદ હતા એટલે તે ખરાબ ગણાય?
- ઇમ્તિયાઝ અલીની 'હાઇવ', 'રોકસ્ટાર' અને 'તમાશા' પછીની આ ચોથી ફિલ્મમાં એ.આર. રહેમાને સંગીત પીરસ્યું છે.
ભારતમાં સિનેમાના માધ્યમને નિર્માતાઓ મનોરંજનનો બિઝનેસ ગણે છે પણ ઘણા ભારતીય દર્શકોઓ માટે એ ટાઇમપાસ કરવા માટે કરવામાં આવતી ક્ષુલ્લક પ્રવૃત્તિ કરતાં વિશેષ છે. પરિણામે ઇમ્તિયાઝ અલી જેવા દિગ્દર્શકની ફિલ્મ રજૂ થાય ત્યારે એક પ્રકારની અપેક્ષા રહે છે કે આ ફિલ્મમાંં શું હશે. આ વખતે ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'અમરસિંહ ચમકીલા' થિયેટરમાં નહીં પણ સીધી ઓટીટી પર રજૂ થઇ છે. જોકે નેટફલિક્સ પોતે નિર્માણ કંપની હોય એટલે સ્વાભાવિક રીતે જ તેના દ્વારા નિર્મિત ફિલ્મ તેમના ઓટીટી નેટવર્ક પર જ પ્રસારિત થાય.
ઇમ્તિયાઝ અલીની આ એવી પ્રથમ ફિલ્મ નથી જેમાં સિંગર હીરો હોય, અગાઉ ઇમ્તિયાઝ અલી રણબીર કપૂરને ચમકાવતી 'રોકસ્ટાર' ફિલ્મ બનાવી ચૂક્યા છે. પણ આ વખતે ફરક એ છે કે 'રોકસ્ટાર' એ કાલ્પનિક કથા હતી, જ્યારે આ ફિલ્મ અમરસિંહ ચમકીલા એ પંજાબમાં એક જમાનામાં થઇ ગયેલાં વિખ્યાત લોકગાયકની બાયોપિક છે. ઘણા લોકો અમરસિંહ ચમકીલાને પંજાબનો એલ્વિસ પ્રેસ્લી ગણાવે છે. અમરસિંહ ચમકીલા અને તેમની પ્રતિભાશાળી ગાયિકા પત્ની અમરજોત કૌરની બાર એેપ્રિલ ૧૯૮૮માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અમરસિંહની ચમકીલાની ભૂમિકા દિલજિત દોસાંજે અને અમરજોતની ભૂમિકા પરિણીતિ ચોપડાએ ભજવી છે.
જો કે ઇમ્તિયાઝ અલી માટે અમરસિંહ ચમકીલાં એ પંજાબની સ્થાનિક કથા નથી. તેઓ તેને એક યુનિવસલ સ્ટોરી ગણે છે. ચમકીલાએ પંજાબી સંગીતને દુનિયાભરમાં જાણીતું કર્યું, એટલું જ નહીંં, પણ તેમણે પંજાબી ગાયકોની એક આખી પેઢીને પ્રેરણા આપી હતી. રસપ્રદ હકીકત એ પણ છે કે ચમકીલા સંગીતની દુનિયાની કમનસીબ '૨૭ કલબ'ના પણ સભ્ય હતા. જે લોકો ૨૭ વર્ષની વયે અવસાન પામ્યા હોય તેવા ગાયકોનો આ કલબમાં સમાવેશ થાય છે. આ કલબના સભ્યોમાં જિમી હેન્ડ્રિક્સ, જિમ મોરિસન, જાનિસ જોપલિન, કુર્ત કોબેઇન અને અમી વાઇનહાઉસ જેવી પ્રતિભાશાળી હસ્તીઓનો સમાવેશ થાય છે. ઇમ્તિયાઝ અલી કહે છે આખી દુનિયામાં આવું બનતું રહે છે. અમેરિકામાં ઘણા સંગીતકારોએ હિંસામાં તેમની જાન ગુમાવી છે. ચમકીલાની પણ ગજબની લોકપ્રિયતા હતી. પંજાબમાં તેમની જિંદગી પણ નાટયાત્મક રહી હતી.
દ્વિઅર્થી ગીતો માટે જાણીતા ચમકીલા આમ તો મૂળમાં પંજાબના એક સામાન્ય ગામના સામાન્ય લોકગાયક હતા, જે તેમના ગીતોમાં સ્થાનિક સમસ્યાઓને વાચા આપતાં હતા. જોકે, અલી કહે છે તેમ ચમકીલા તેમનાં ગીતો દ્વારા જગતને બદલી નાખવાની કોઇ મહેચ્છા ધરાવતાં નહોતા. તેઓ તો એક સામાન્ય લોકકલાકાર હતા જે લોકોને ગમે તે પીરસતા હતા. સામાન્ય ગામડિયા જે રીતે તોફાની હોય છે તે પ્રકારની તોફાની વૃત્તિ પણ તે ધરાવતા હતા. પણ તેમની વિનોદવૃત્તિ કલાત્મક હતી. તેમણે તેમના ગીતોમાં કોઇ રાજકીય પક્ષની ટીકા કરી નહોતી. તેમના ગીતોમાં તેમણે લોકોને મોજ કરાવી હતી.
ચમકીલાના ગીતોમાં ગામડાના જીવનની વાતો, લગ્ન બાહ્ય સંબંધો, દારૂ પીવાની આદતો અને પુરૂષાતન જેવા વિષયો રજૂ થતા હતા. ઘણા લોકો મતે ચમકીલાના ગીતો અશ્લીલતાની સરહદ સુધી પહોંચી જતાં હતા. પણ ઇમ્તિયાઝ અલી કહે છે કે સાચું શું અને ખોટું શું એ કોણ નક્કી કરશે? દાખલા તરીકે 'એનિમલ' નામની ફિલ્મ સફળ થઇ પણ તેમાં રજૂ કરવામાં આવેલી પુરૂષાતનની વાતોને હિંસક રીતે દર્શાવવાને કારણે તેની ટીકા પણ થઇ છે. આ સંજોગોમાં કળાકાર કેવી અવસ્થામાંથી પસાર થતો હોય છે તે સમજવાનો આ ફિલ્મમાં મેં પ્રયાસ કર્યો છે. આને માટે અલીએ ચમકીલાના બેન્ડના સભ્યો, સાઉન્ડ રેકોર્ડિસ્ટ અને તેમના પરિવારના સભ્યોને મળી તેમણે અમરસિંહ ચમકીલાના ચરિત્રને સમજવાનો પ્રયાસ કર્યો છે.
મજાની વાત એ છે કે ઇમ્તિયાઝ અલીની આ ચોથી ફિલ્મને એ. આર. રહેમાનનું સંગીત મળ્યું છે. 'રોકસ્ટાર' જેવી પ્રયોગાત્મક અને આધુનિક સંગીત રજૂ કરતી કાલ્પનિક ફિલ્મ હોય કે 'અમરસિંહ ચમકીલા' જેવી પંજાબના સ્થાનિક લોકગાયકની કથા કહેતી વાસ્તવિક ફિલ્મ હોય રહેમાન પરનો અલીનો વિશ્વાસ સહેજ પણ ડગ્યો નથી. ઓસ્કર એવોર્ડ વિજેતા રહેમાને ઇમ્તિયાઝ અલીની ફિલ્મો હાઇવે, રોકસ્ટાર, તમાશા બાદ હવે ચોથી અમરસિંહ 'ચમકીલા'માં સંગીત આપ્યું છે.
અમરસિંહ ચમકીલાની લોકપ્રિયતા અને તેમના ગીતોને આ ફિલ્મમાં એક નવી જ ઊંચાઇએ લઇ જવામાં આવ્યા છે. અલીએ આ ફિલ્મના કેન્દ્રમાં સંગીત હોઇ ફિલ્મ સર્જક તરીકે પણ અવનવા પ્રયોગ કર્યાં છે. જેમ કે, આ ફિલ્મમાં ઇમ્તિયાઝ અલીએ દોસાંજ અને ચોપડાને લાઇવ સંગીત સાથે ગીતો ગવડાવ્યાં છે. આ ફિલ્મમાં ચમકીલાના તેર ગીતો પસંદ કરીને રજૂ કરવામાં આવ્યા છે. પંજાબમાં જાહેરમાં લોકગીતોની રમઝટ બોલાવવામાં આવે તેને અખાડા કહે છે. અખાડાનો માહોલ આધારભૂત રીતે ઊભો કરવા માટે અલીએ કોઇ કસર છોડી નથી. સિન્ક સાઉન્ડનો અલગ જ રીતે ઉપયોગ કરી અખાડામાં લોકો બૂમો પાડતાં હોય તે પણ દર્શાવવામાં આવ્યું છે. મજાની વાત એ છે કે દિલજિત દોસાંજ પોતે એક સારો પંજાબી ગાયક છે. તેણે અમરસિંહ ચમકીલાના પાત્રને આત્મસાત કરવા માટે તેના લાક્ષણિક સંગીતવાદ્ય તુંબીને વગાડવાનું શીખી લઇ આ ભૂમિકામાં પ્રાણ પૂર્યા છે. બીજી તરફ પરિણિતિ ચોપડાએ પણ પંજાબની લોકબોલીમાં ગીતો ગાવા માટે જે તે સ્થાનિક બોલી બોલવાનું શીખી લઇ પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. 'ચમકીલા' દોસાંજ અને ચોપડા માટે તેમની ગાયકીનું શિખર બની રહેશે તેમાં કોઇ શંકા નથી. બંને એક્ટર્સ કેટલાં સારા ગાયકો છે તે પણ આ ફિલ્મની સફળતા નક્કી કરશે.