રશ્મિકા મંદાનાએ જ્યારે સંજય લીલા ભણસાલીને ના પાડી દીધી...
- ભણસાલીસાહેબ સાથે કામ કરવા માટે તો એક્ટરો એકબીજાના માથાં વાઢી લેવા તૈયાર હોય છે! કહે છેને કે જો માણસની 'ના'માં તાકાત હોય તો એની 'હા'માં આપોઆપ શક્તિ આવી જતી હોય છે. લાગે છે, રશ્મિકાએ આ વાતને વધારે પડતી ગંભીરતાથી લઈ લીધી છે!
ર શ્મિકા મંદાના આજે હિન્દી ફિલ્મજગતની એક લોકપ્રિય સ્ટાર ગણાય છે. ખાસ કરીને બ્લોકબસ્ટર ફિલ્મ 'એનિમલ'થી તો રશ્મિકાના ચાહકોની સંખ્યા એકાએક વધી ગઇ છે. અગાઉ 'પુષ્પાઃ ધ રાઇઝ' ફિલ્મ અને તેના ગીતોની સફળતા સાથે રશ્મિકા મંદાના એકદમ પ્રકાશમાં આવી ગઈ હતી.
'નેશનલ ક્રશ'નું બિરુદ મેળવી ચૂકેલી રશ્મિકા મંદાનાએ એક તબક્કે મોટાં બેનરની લગભગ પાંચેક ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી હતી, તે તમે જાણો છો? આ ફિલ્મોમાં હિન્દી, તેલુગુ અને તમિળ ફિલ્મોનો સમાવેશ થાય છે. જેમ કે, રશ્મિકાએ બોલિવુડના આલા દરજ્જાના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની એક ફિલ્મમાં કામ કરવાનો નનૈયો ભણી દીધો હતો. વાત જાણે એમ છે કે સંજય લીલા ભણસાલીએ 'ગંગુબાઇ કાઠિયાવાડી' પહેલાં એક ફિલ્મની તૈયારી કરી રહ્યા હતા. ફિલ્મની કથા-પટકથાની તૈયાર હતી. સંજય ભણસાલી ફિલ્મમાં રશ્મિકા મંદાના અને રણદીપ હુડાને લેવા ઇચ્છતા હતા. રશ્મિકાનો સંપર્ક કરવામાં આવ્યો, ફિલ્મની ઓફર આપવામાં આવી, પણ રશ્મિકાએ 'ધ સંજય લીલા ભણસાલી'ને ના કહી દીધી હતી. ના પાડવાનું કારણ શું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી.
શાહિદ કપૂરની 'જર્સી' નામની એક ફિલ્મ આવીને જતી રહી. મૂળ ફિલ્મ સાઉથની છે, પછી એની હિન્દી રિમેક બનાવવામાં આવી હતી. આ સ્પોર્ટ્સ ડ્રામાના હિન્દી વર્ઝન માટે રશ્મિકાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. રશ્મિકાએ નમ્રતાપૂર્વક કહી દીધુઃ મને લાગે છે કે આ રોલ માટે હું યોગ્ય નથી. આઇ એમ સોરી! હિરોઈનનો રોલ પછી મૃણાલ ઠાકુરને મળ્યો. રશ્મિકાએ જોકે 'જર્સી' માટે ના પાડીને કશું ગુમાવ્યું નથી, કેમ કે ફિલ્મ તદ્દન નિષ્ફળ ગઈ હતી.
૨૦૨૧માં 'માસ્ટર' ફિલ્મ રજૂ થઇ હતી. આ તમિળ ફિલ્મના દિગ્દર્શક લોકેશ કાંગરાજે શરૂઆતમાં રશ્મિકાનો સંપર્ક કર્યો હતો. તે સમયે રશ્મિકા તેલુગુ ફિલ્મોમાં બિઝી બિઝી હતી. આથી તેણે 'માસ્ટર'માં કામ કરવાની ના કહી દીધી.
રશ્મિકા મંદાનાએ કરીઅરની શરૂઆત 'કિરીક પાર્ટી' (૨૦૧૬) નામની તેલુગુ ફિલ્મથી કરી હતી. આ ફિલ્મના દિગ્દર્શક કાતક હવે આ જ ફિલ્મની રિમેક બનાવવા માગે છે. એમણે હિન્દી રિમેક માટે રશ્મિકાનો સંપર્ક કર્યો, પણ રશ્મિકાએ જવાબ આપ્યો કે મને 'કિરીક પાર્ટી'ની હિન્દી રિમેકમાં કામ કરવામાં રસ નથી. એક આડવાત. ગુજરાતી ફિલ્મમેકર અભિષેક જૈન એક તબક્કે કાતક આર્યનને લઈને 'કિરીક પાર્ટી'ની હિન્દી રીમેક બનાવવાની તજવીજ કરી હતી. આ પ્રોજેક્ટ જોકે આગળ વધી શક્યો નહોતો.
તેલુગુ સ્ટાર રામચરણની 'ગેમ ચેન્જર' નામની ફિલ્મ રજૂ થવાની છે. બોલિવુડની રૂપકડી અને સફળ અભિનેત્રી કિયારા અડવાની ફિલ્મની હિરોઈન છે. ચર્ચા તો એવી છે કે 'ગેમ ચેન્જર' માટે પહેલાં રશ્મિકાનો સંપર્ક થયો હતો. ગમે તે કારણ હોય પણ રશ્મિકા તરફથી 'નો, થેન્ક્યુ' આવી ગયું હતું.
કાં તો રશ્મિકાને હા કરતાં ના પાડવામાં વધારે મોજ પડે છે, યા તો એ વધુ પડતી ચૂઝી છે. સહેજે વિચાર આવે કે એક્ટર ગમે તેવો ચૂઝી હોય, પણ સંજય લીલા ભણસાલીને કોઈ કેવી રીતે ના પાડી શકે? ભણસાલીસાહેબ સાથે કામ કરવા માટે તો એક્ટરો એકબીજાના માથાં વાઢી લેવા તૈયાર હોય છે! કહે છેને કે જો માણસની 'ના'માં તાકાત હોય તો એની 'હા'માં આપોઆપ શક્તિ આવી જતી હોય છે. લાગે છે, રશ્મિકાએ આ વાતને વધારે પડતી ગંભીરતાથી લઈ લીધી છે!