કિરણ રાવે જ્યારે આમિર ખાનને ફિલ્મમાં રોલ આપવાની ના પાડી દીધી

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
કિરણ રાવે જ્યારે આમિર ખાનને ફિલ્મમાં રોલ આપવાની ના પાડી દીધી 1 - image


- 'આજે પણ હું, આમિરની પહેલી પત્ની રીના, અમારાં બાળકો સહુ એક જ સોસાયટીમાં રહીએ છીએ. ડિનર માટે રેસ્ટોરાંમાં અમે બધા સાથે જ જઇએ છીએ.'

- 'જુઓ, અમે પતિ-પત્ની તરીકે જુદાં થયાં છીએ, એક પરિવારરૂપે નહીં...'

'દર્શકો 'લાપતા લેડીઝ'ને આવકારશે કે કેમ તે વાતનું મને ટેન્શન છે.'

હિ ન્દી  ફિલ્મ જગત જેટલુંં  મનોરંજક  છે, એટલું જ ભારોભાર અનિશ્ચિતતાઓથી પણ ભરેલું છે.  કિરણ રાવ આ બાબતનું ઉદાહરણ  છે. કિરણ રાવની  ફિલ્મ ડિરેક્ટર તરીકેની બે ફિલ્મ વચ્ચે ૧૩ વર્ષનો મોટો સમયગાળો  રહ્યો છે.    કિરણની દિગ્દર્શિકા તરીકેની પહેલી ફિલ્મ  'ધોબીઘાટ' ૨૦૧૦માં રજૂ થઇ હતી. ત્યાર બાદ હવે  તેની બીજી ફિલ્મ   'લાપતા લેડીઝ'  છેક હવે રિલીઝ થઈ છે. 

હૈદરાબાદમાં  જન્મેલી, કોલાકાતામાં ઉછરેલી, મુંબઇમાં ભણેલી કિરણ રાવ કહે છે, 'તેર વર્ષના સમયગાળામાં ફિલ્મ નિર્માણમાં ઘણા આધુનિક ફેરફાર થઇ ગયા છે.  દર્શકોનાં રસ-રૂચિમાં પણ પરિવર્તન આવ્યું છે. ખરું કહું તો 'લાપતા લેડીઝ' મૂળભુત રીતે કોમેડી  ફિલ્મ છે અને તે ભોજપુરી ભાષામાં બનેલી છે. ભોજપુરી આમ તો બહુ મીઠા લહેકાવાળી ભાષા છે. આમ છતાં મને ફિલ્મની  ભોજપુરી ભાષા અને કોમેડી એમ  બંને બાબતોની ચિંતા છે. દર્શકો મારી  ફિલ્મને આવકારશે કે કેમ તે વાતનું મને ટેન્શન છે. જોકે કેનેડાના ટોરેન્ટો  ઇન્ટરનેશનલ  ફિલ્મ  ફેસ્ટિવલમાં  ફિલ્મને ઉમળકાભેર આવકાર મળ્યો તેનાથી મને ઘણો ઘણો સંતોષ અને આનંદ  છે. એમ કહો કે મને હાશકારો થયો છે.'  

'લાપતા લેડીઝ' ફિલ્મની કથા  ટ્રેનના પ્રવાસ દરમિયાન  ગુમ થઇ  જતી બે નવવધુની છે. ટ્રેન ભારતના અંતરિયાળ વિસ્તારમાંથી પસાર થતી હોય છે. હવે આ બંને  નવવધુ ટ્રેનમાંથી અચાનક  ક્યાં લાપતા થઇ ગઇ? કોઇ ગુનાખોર તત્ત્વોએ  બંનેનું અપહરણ  કર્યું  છે કે  કે પછી બંને જાતે જ અદ્રશ્ય  થઇ ગઇ છે ? બંને નવવધુને કઇ રીતે  શોધવી તે બાબતમાંથી જબરી કોમેડી સર્જાય છે. રહસ્ય સાથે કોમેડીના તાણાવાણા ગૂંથાય છે.

આ ફિલ્મમાં બોલિવુડનાં કોઇ મોટાં કે જાણીતાં નામ નથી. અહીં પ્રતિભા રત્ના, નિતાંશી  ગોયલ, સ્પર્શ શ્રીવાસ્તવ જેવાં સાવ જ અજાણ્યાં પણ પ્રતિભાશાળી  કલાકારો છે. હા, એક જાણીતું અને મોટું નામ છે - રવિ કિશનનું.

ફૂડ  સાયન્સ અને માસ કોમ્યુનિકેશન એમ બે જુદા જુદા વિષયોની ડિગ્રી ધરાવતી  કિરણ રાવ કહે છે, 'મને આમિર ખાને પહેલી વખત કથા સંભળાવી ત્યારે જ મને તેનું કથાવસ્તુ ગમી  ગયું હતું. ત્યારબાદ મેં આખી  વાર્તા નિરાંતે વાંચી. મને એવો વિચાર આવ્યો હતો કે આ વાર્તમાં બે નવવધુ ટ્રેનમાંથી જે રીતે ગુમ થઇ જાય છે તે ઘટનાનું રહસ્ય કઇ રીતે ઉકેલાશે? આ ફિલ્મમાં  રહસ્યનું તત્ત્વ હોવા છતાં અમે તેને કોમિક ટચ આપવાનો  મહત્વનો નિર્ણય કર્યો.' 

 'લગાન' અને 'દિલ ચાહતા હૈ'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂકેલાં કિરણ કહે  છે, 'મને 'લાપતા લેડીઝ'નાં અમુક દ્રશ્યો   બેહદ  ગમે  છે. ઉદાહરણરૂપે, એક જ પરિવારની મહિલા સભ્યો ભેગી થઈને કોઇ ગમતીલી વાતે ખૂબ હસે છે, ભરપૂર મોજમસ્તી કરે છે. આનંદની આ જ ક્ષણો દરમિયાન તેમાંની એક વહુ કહે છે, અરે સાંભળો, આમ તો આપણે એકબીજાંનાં સગાં અને એક જ કુટુંબની સભ્ય છીએ, છતાં ચાલો, આજથી આપણે એકબીજીની પાક્કી બહેનપણીઓ  બની જઇએ...  બીજું દ્રશ્ય છે નદી કાંઠાનું.  નવદંપતિ નદી કિનારે બેસીને પ્રેમસભર વાતો  કરે છે. અમે આ દ્રશ્ય આધુનિક ટેકનોલોજીવાળા ડ્રોનમાં કેમેરા  ગોઠવીને લીધું  છે. મને આ દ્રશ્ય પણ બહુ પસંદ છે.'

'જાને તુ યા જાને  ના', 'પીપલી લાઇવ', 'ધોબીઘાટ', 'દિલ્હી બેલી', 'તલાશ', 'દંગલ' વગેરે ફિલ્મોના નિર્માણમાં મહત્ત્વની  કામગીરી ભજવનારાં કિરણ રાવ મહત્વનો મુદ્દો  વ્યક્ત કરતાં કહે છે, 'અમે 'લાપતા લેડીઝ' ફિલ્મમાં રવિ કિશનને બાદ કરતાં બધા નવા, અજાણ્યાં કલાકારોને લેવાનો હિંમતભર્યો નિર્ણય કર્યો છે. તેઓ ઇન્દોર, જબલપુર, ભોપાલની રંગભૂમિના કલાકારો છે. થિયેટરની તાલીમને કારણે તેમની પ્રતિભાને ધાર મળી છે. અમે ફિલ્મની કથાને અને પ્રસંગોને વાસ્તવિક બનાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. 

'એક મજેદાર વાત. ફિલ્મમાં આમિર ખાને પોલીસ ઓફિસરના પાત્ર માટે ઓડિશન આપ્યું હતું! પોલીસ અધિકારીની ભૂમિકા માટે  આમિરે મારી સાથે ચર્ચા પણ કરી ંહતી. અમે જ્યારે રવિ કિશનનું ઓડિશન જોયું ત્યારે સમજાઈ ગયું કે આ કેરેક્ટર માટે રવિ જ બેસ્ટ છે. વિચિત્ર વર્તન કરતો, બોલે કંઇક અને કરે જુદું એવા પોલીસ ઓફિસરનો આ રોલ છે. મેં  આમિરને ના પાડી દીધી. અને હા, મારા આ નિર્ણય સાથે આમિર પણ સંમત થયો.' 

 'ધોબીઘાટ' અને 'લાપતા લેડીઝ' વચ્ચે એક  દાયકાના લાંબા સમયના ગેપ વિશે ખુલાસો કરતાં  કિરણ રાવ કહે છે, 'જુઓ, ખરું કહું તો હું અમારી 'દંગલ', 'સિક્રેટ સુપરસ્ટાર' વગેરે ફિલ્મના નિર્માણમાં અતિ વ્યસ્ત હતી. સાથોસાથ મારે મારા પુત્ર આઝાદને પણ ઉછેરવાનો છે. આજે તો આઝાદ  ૧૨ વર્ષનો થઇ ગયો છે. આ બધી પરિસ્થિતિને કારણે  'લાપતા લેડીઝ' ફિલ્મની કથા લખવામાં વિલંબ થયો.

પાની ફાઉન્ડેશન નામની સંસ્થા સાથે જોડાયેલી કિરણ રાવ તેના આમિર ખાન સાથેના છૂટાછેડા વિશે કહે છે, 'જુઓ, અમે પતિ-પત્ની તરીકે જુદાં થયાં છીએ, એક પરિવારરૂપે નહીં. આજે પણ હું, આમિરની પહેલી પત્ની રીના, અમારાં બાળકો સહુ એક જ સોસાયટીમાં રહીએ છીએ. વળી, અમે બધાં દર સોમવારે રાતે ભોજન કરવા એકાદ રેસ્ટોરાંમાં જઇએ છીએ. અમે બધાં પરિવારના સભ્યો તરીકે એકબીજાંની પૂરી કાળજી રાખીએ છીએ. 


Google NewsGoogle News