હોલિવુડ પણ જ્યારે સોનુ સૂદને મદદ ન કરી શક્યું...
- 50 કરોડની બજેટની સામે 'ફતેહ' ફિલ્મે બોક્સઓફિસ પર ફક્ત 18.2 કરોડનો બિઝનેસ કર્યો. તમે દુનિયાભરના ટેકનિશિયનો-કલાકારોને લાવો, પણ દર્શકો ફિલ્મ જોવા જ ન આવે એનું શું?
તો,સોનુ સૂદે ડિરેક્ટ કરેલી સૌથી પહેલી ફિલ્મ 'ફતેહ' રિલીઝ થઈ પણ અને ફ્લોપ પણ થઈ ગઈ. દુનિયા આખી માટે માથાનો દુખાવો બની ગયેલા સાયબર ક્રાઈમ સામેના જંગનું નિરૂપણ કરવાની કોશિષ આ ફિલ્મમાં કરવાની સોનુ સૂદે કરી હતી. પ્રોડયુસર-ડિરેકટર-લીડ એક્ટરે સોનુએ હોલિવુડના એકશન ડિરેકટર અને સિનેમાટોગ્રાફરને રોક્યા હતા. બીજું કંઈ હોય કે ન હોય, પણ આ ફિલ્મનાં એક્શન સીન્સ પ્રભાવશાળી નીવડયાં એ તો સ્વીકારવું પડે. 'ફતેહ'માં સાડા ત્રણ મિનિટનું એક દ્રશ્ય એક જ શોટમાં એક પણ કટ વિના ફિલ્માવાયું છે. આ એક સીન માટે મેક્સિકો અને સાઉથ આફ્રિકાથી ૭૫ સ્પેશ્યલ ફાઈટર્સ બોલાવવામાં આવ્યા હતા.સોનુ કહે છે, 'અમે જાણતા હતા કે ખરા અર્થમાં કંઈક વિશેષ કરવું હશે તો અમારે ભારતીય સિનેમાએ અગાઉ બનાવેલા સીમાડા ઓળંગી જાય એવું કામ કરવું પડશે. આ કરવાનો એક જ રસ્તો હતો - એક્શન જોનરની દુનિયાની શ્રેષ્ઠ હસ્તીઓ સાથે હાથ મિલાવવો.'
સોનુ સૂદના વિઝનને સ્ક્રીન પર સાકાર કરવાની કામગીરી ઈન્ટરનેશનલ સ્ટંટ ડિરેકટર્સ ફેડરિકો બેર્તે, ફિલીપ સિપ્રિયાન ફલોરિયન અને લી વિટ્ટેકરે બજાવી છે. 'કેપ્ટન માર્વેલ' જેવી કેટલીય બિગ બજેટ હોલિવુડ ફિલ્મ માટે કામ કરનાર લી વિટ્ટેકર કહે છે, 'અમે 'ફતેહ' માટે જેટલું શૂટ કર્યું છે એટલું અગાઉ કોઈએ કર્યુ હોવાનું મેં કદી સાંભળ્યું નથી. આ માટે ક્રૂના કામની સ્પીડે પણ અગત્યનો ભાગ ભજવ્યો છે. માત્ર બે દિવસમાં અમે એક સાંકડી ગલીની સિકવન્સ માટે ૧૦૦ સેટ-અપ્સ તૈયાર કરી શક્યા. સામાન્યપણે એક્ટરો એકશન સિકવન્સીસનું સપ્તાહો સુધી રિહર્સલ કરતા હોય છે, પણ સોનુ સ્પોટ પર જ એક્શન સમજી લઈ એને એક્ઝિક્યુટ કરતો. એની ટેલેન્ટ જોઈ મને ટોમ ક્રુઝનું ડેડિકેશન અને પેશન યાદ આવી ગયા.'
ફિલ્મના ડિરેકટર ઓફ ફોટોગ્રાફી વિન્સેન્ઝો કોન્ડોરેલી પોતાનો અનુભવ શેર કરતા કહે છે, 'અમારા નવા અખતરા અને નવા આઈડિયાઝને કારણે 'ફતેહ'નું છેલ્લું શેડયુલ બહુ એકસાઈટિંગ બની રહ્યું. સોનુનો અભિગમ હંમેશ કંઈક નવીનતા લાવવાની રહેતી. એમના આ એટિટયુડને કારણે જ અમે અનોખું કહી શકાય એવું કેમેરા વર્ક કરી શકયા.'
સોનુ સૂદે સંગીત માટે પણ વિદેશી કલાકારની મદદ લીધી. ગ્રેમી નોમિનેટેડ સિંગર લોઈલ કોપ્લરે એક ઓરિજિનલ સોંગ 'કોલ ટુ લાઈફ' આ ફિલ્મ માટે કમ્પોઝ કર્યું છે. ફિલ્મમાં એમ તો અરિજિત સિંઘ, હની સિંહ, જુબિન નૌટિયાલ અને સુખવિન્દર જેવા ટોચના ભારતીય ગાયકોએ પણ ગીતો ગાયાં છે.
આ બધું લેખે લાગ્યું હોત જો ઓડિયન્સે ફિલ્મને વધાવી લીધી હોત. બોક્સ ઓફિસના આંકડા આપણી સામે છે. ફિલ્મનું બજેટઃ ૫૦ કરોડ, બોક્સઓફિસ કમાણીઃ ૧૮.૨ કરોડ. દુનિયાભરના ટેકનિશિયનો-કલાકારોને લાવો, પણ દર્શકો ફિલ્મ જોવા જ ન આવે એનું શું કરવું? જંગલ મેં મોર નાચા કિસને દેખા કહેવત સોનુ સૂદે સાંભળી જ હશે, ખરું?