લગ્ન કરવાની જરૂર જ શી છે? શ્રુતિ હાસનનો સીધો સવાલ
- 'લગ્ન શબ્દ જ મને ખૂબ ડરાવી દે છે. હું શાંતનુ સાથે ખુશ છું. તેની સાથે મળીને હું સારું કામ કરી રહી છું. અમે બન્ને એકબીજા સાથે ખૂબ સરસ સમય પસાર કરી રહ્યાં છીએ. શું મોટા ભાગનાં લગ્નો કરતાં આ સ્થિતિ વધારે સારી નથી?'
ક મલ હાસન અને સારિકાની અભિનેત્રી પુત્રી શ્રુતિ કાયમ તેના સંબંધોને લીધે ચર્ચામાં રહે છે. જોકે એને કન્ટ્રોવર્સી કે વાદવિવાદની કદી પડી પણ હોતી નથી કે ચિંતા પણ હોતી નથી. એ તો પોતાના રિલેશનશીપમાં મદમસ્ત હોય છે. છેલ્લા થોડા સમયથી સંગીતકાર શાંતનુ હઝારિકા સાથે એનું નામ જોડાયું છે. શ્રુતિ અને શાંતનુની નિકટતાએ તેમના ચાહકોના મનમાં તેમનાં લગ્નની સંભાવના વિશે ઉત્સુકતા જગાવી. શ્રુતિ જોકે સ્પષ્ટ શબ્દો કહે છે, 'અત્યારે તો લગ્ન કરવાનો કોઈ વિચાર નથી.'
શ્રુતિ એક તૂટેલા લગ્નજીવનનું ફરજંદ છે. લગ્ન સંસ્થા પ્રત્યે એને અણગમો હોય તો તે સમજી શકાય તેવંો છે. એ કહે છે, 'લગ્ન શબ્દ જ મને ખૂબ ડરાવી દે છે. હું શાંતનુ સાથે ખુશ છું. તેની સાથે મળીને હું સારું કામ કરી રહી છું. અમે બન્ને એકબીજા સાથે ખૂબ સરસ સમય પસાર કરી રહ્યાં છીએ. શું મોટાભાગનાં લગ્નો કરતાં આ સ્થિતિ વધારે સારી નથી?
શાંતનુ હઝારિકા સાથેનો શ્રુતિનો સંબંધ ટિપિકલ પ્રેમીઓ જેવો નથી. સામાજિક ધારાધોરણો માટે શ્રુતિના મનમાં ક્યારેય કોઈ ઊંચા ખ્યાલો રહ્યા નથી. સમાજની મંજૂરીની એણે કદી પરવા કરી નથી. એ કહે છે, 'જ્યાં સુધી અમે એકબીજાનાં બેસ્ટ ફ્રેન્ડ્ઝ છીએ, શ્રેષ્ઠ સહયોગી છીએ, એકબીજા પ્રત્યે આદરભાવથી વર્તીએ છીએ ત્યાં સુધી કશી જ ચિંતા કરવાની જરૂર નથી.'
મજાની વાત એ છે કે આ કપલને પ્રોફેશનલ સ્તર પર પણ એકબીજા સાથે પૂરેપૂરા લયબદ્ધ છે. તેમણે તાજેતરમાં સંગીતમાં એક નવતર પ્રયોગ કર્યો છે. ં'અમે 'મોન્સ્ટર મશીન' શબ્દોવાળું અંગ્રેજી ગીત અને એનો વીડિયો બનાવવા માટે ખૂબ મહેનત કરી છે,' આટલું કહીને શ્રુતિ કહે છે, 'હું અને શાંતનુ બંને શિસ્તબદ્ધ છીએ, પણ અમારી પર્સનાલિટી ઘણી જુદી છે. હું હંમેશા અધીરી હોઉં છું, બેચેન રહું છું, જ્યારે શાંતનુનો સ્વભાવ બહુ શાંત અને હળવોફુલ માણસ છે.'
ઓપોઝિટ અટ્રેક્ટ્સ - તે આનું નામ. જોઈએ, નજીકના ભવિષ્યમાં આવનારી બિગ બજેટ ફિલ્મ 'સલાર'માં શ્રુતિ અને પ્રભાસની જોડી કેવુંક અટ્રેક્શન પેેદા કરે છે.