મનીષા કોઈરાલા ફિફટી પ્લસ થઈ તો શું થઈ ગયું?
- 'પરિવાર અને શુભેચ્છકોએ મને ઘણી સલાહો આપી હતી, પણ એ બધી નકામી ગઈ. એટલા માટે કે મારી લાઈફનો એક જ ફંડા રહ્યો છે- પોતાના નિયમો બનાવો અને એના પર જ ચાલો.
મનીષા કોઈરાલાએ લગભગ ત્રણ દશક પહેલા સુભાષ ધઈની ફિલ્મ 'સૌદાગર'થી ડેબ્યુ કર્યું ત્યારે એની કનેથી ઘણી બધી અપેક્ષા રખાતી હતી. બોલિવુડના દિગ્ગજોને એમ હતું કે આ નેપાળી યુવતી ઇન્ડસ્ટ્રીમાં નામ કાઢશે, પરંતુ પહેલા જીવનમાં શિસ્તના સદંતર અભાવ, ચિત્રવિચિત્ર લવ અફેયર્સ અને પછી કેન્સરને કારણે એક્ટ્રેસનું ખરાબે ચડી ગયું. અલબત્ત, એણે કેટલીક ઉત્તમ ફિલ્મો કરી પણ ખરી. વરસો સુધી ગાયબ રહ્યા બાદ મનીષાને સંજય લીલા ભણસાલીએ વેબ સીરિઝ 'હીરામંડી'ના અગત્યનો રોલ આપ્યો. બસ, ત્યારથી મનીષાની કરિયર ફરી પાટે ચડી ગઈ છે.
સૌ જાણે છે કે મનીષા એક મુક્ત વિચારો ધરાવતી મહિલા છે. એણે કદી રુઢિઓ અને રિવાજોની બહુ પરવા નથી કરી. પચાસની ઉંમર વટાવવા છતાં એણે પોતાના વિચારોની સ્વતંત્રતા સાચવી રાખી છે. એ હકીકતથી વાકેફ કેટલાંક મીડિયા પર્સન્સે કોઈરાલા સાથે વયના પાંચમા દાયકામાં સ્ત્રીઓને અને એમાંય ખાસ કરીને એકટ્રેસોને નડતી સમસ્યાઓ, એમના વિશેની ગેરસમજો અને એમની માનસિક સ્થિતિ જેવી બાબતો વિશે એક અનૌપચારિક ગોષ્ઠિ ગોઠવી. એમાં મનીષાએ પોતાના સ્વભાવ મુજબ દિલ ખોલીને પ્રશ્નોના જવાબ આપ્યા અને પોતાનો ઓપિનિયન શેર કર્યો.
વાર્તાલાપના આરંભે જ અભિનેત્રીને પૂછાયું, 'મેડમ, એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઘણી સ્ત્રીઓને એજિંગ (મોટી ઉંમર)નો ડર લાગે છે. એ વિશે તમે શું કહેશો?' મનીષા મક્કમ અવાજમાં કહે છે, 'ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે બીજા ક્ષેત્રોમાં સ્ત્રીઓ માટે એજિંગ (વધતી વય) એક સમસ્યા છે. અમને લોકો શરમમાં મુકે છે. મેં આજ સુધી ટ્રોલિંગ કરનાર ટોળકીમાંથી કોઈને એકાદ પુરુષને એમ કહેતા સાંભળ્યો નથી કે ભાઈ, હવે તમે બુઢ્ઢા થઈ ગયા. જ્યારે મારા જેવી મોટી વયની મહિલાઓને ટ્રોલ કરવામાં કંઈ બાકી નથી રખાતું. ઇન શોર્ટ, એજ્જિમ (પાકટ વય)ની પુરુષો કરતા માનુનીઓને વધુ પરેશાન કરે છે. મને મારી એજને કારણે એક સિમ્પોજિયમ (પરિસંવાદ)માં ભાગ નહોતો લેવા દેવાયો. જ્યારે મારી ઉંમરના કે મારાથી પણ મોટા જેન્ટલમેનને ખુશી ખુશી સામેલ કરાયા હતા અને બધાએ એમની વાતો ટેસથી સાંભળી પણ ખરી. આવું મારી સાથે બે-ત્રણ વાર બની ચુક્યું છે.'
બીજા સવાલમાં મનીષાને પૂછાયું કે 'પચાસ વરસથી મોટી અબિનેત્રીઓ માટે ઇન્ડસ્ટ્રીમાં કેવી ગેરસમજ પ્રવર્તે છે?' એ વિશે પોતાનો જાત અનુભવ શેર કરતા મનીષા કહે છે 'ઘણાં બધા લોકો ઇન્ડસ્ટ્રીમાં એવું વિચારે છે કે બુઢ્ઢી હો ગઈ હૈ, એ ક્યો ગેલ કરી શકશે? ચલો, એને આપણી ફિલ્મમાં મા કે બહેનનો રોલ આપી દઈએ. એમને કોણ સમજાવે કે આ ઉંમરે પણ સ્ત્રીઓ જોરદાર પાત્રો ભજવી શકે છે. તેઓ પોતાના રોલમાં લાઇફ અને ફાયર લાવી શકે છે. મારી પહેલા ઘણી એકટ્રેસોએ આ કરી બતાવ્યું છે અને મારે પણ એ કરવું છે. મારી અંદર હજુ અભિનયની અગગ્નિ પેટે છે. મને હજુ કંઈક વધુ સારું કરવાની તાલાવેલી છે. એક કલાકાર તરીકે હું કાયમ વિકસતી રહેવા ઇચ્છું છું. મારે મન એજ ઇઝ જસ્ટ અ નંબર. ૫૦ ફક્ટ એક આંકડો છે અને એને લીધે હું રોકાઈશ નહિ. બીજા કોઈએ પણ રોકાવું ન જોઈએ.'
મનીષાને બોલવાના મૂડમાં જોઈ આ જ સંદર્ભમાં એક વધુ સવાલ, 'તાજેતરમાં તમે એમ કહ્યું હતું કે જિંદગીનો શ્રેષ્ઠ તબક્કો ૫૦ પછી શરૂ થાય છે. એવું તમે શેના આધારે માનો છો?' કોઈરાલા ઉત્સાહથી એ વિશે ખુલાસો આપે છે, '૫૦ વરસની વય સુધીમાં આપણાં પૈકી ઘણાં આર્થિક રીતે આજાદ થઈ જાય છે. એ તબક્કામાં એમનામાં એક પ્રકારનો ઠહેરાવ આવી જાય છે. પચાસ સુધીમાં આપણને પોતાના વિશે અને દુનિયા વિશે એક કલેરિટી (સ્પષ્ટ ખ્યાલ) મળી જાય છે. કોણ આપણાં સાચા મિત્રો છે અને કોની સાથે વધુ સમય ગાળવો એ સમજાઈ જતું હોય છે. આપણને જે ગમે એ કરતા રહીએ છીએ. ટૂંકમાં, જીવનમાં એક પ્રકારની મસ્તી કે મોજ આવી જાય છે. એટલે જ કહું છું કે એ લાઈફનો બેસ્ટ ફેઝ (તબક્કો) છે.'
સમાપનમાં હીરામંડીની હિરોઈનને મીડિયામાંથી એક રસપ્રદ પૃચ્છા થાય છે, 'તમને જીવનમાં ૩૦ વરસ પાછા જવાની તક મળે તો તમે પોતાને કઈ એક એડવાઇસ (સલાહ) આપવાનું પસંદ કરો?' સવાલ સાંભળી મનીષાના ચહેરા પર એક તોફાની સ્મિત ફરી વળે છે, 'ખબર નહિ, કહી ન શકું. એટલા માટે કે મેં કદી કોઈની એડવાઇસ નથી લીધી. મારા પરિવાર અને મારા શુભેચ્છકોએ મને ઘણી સલાહો આપી પણ બધી નકામી ગઈ. એટલા માટે કે મારી લાઈફનો એક જ ફંડા હતો પોતાના રુલ્સ બનાવો અને એના પર જ ચાલો. આપણે યંગ હોઈએ છીએ ત્યારે આવી જિદ બધામાં હોય છે, આજે ભલે સ્ટુપિડ લાગે. હું બસ એટલું જાણું છું કે એ બધા યુવાનીમાં સારા કે નરસા અનુભવોએ મને ઘડી છે. હું આજે જેવી છું એવી એમના કારણે છું. હકીકતમાં જીવનનો દરેક અનુભવ આપણાં વ્યક્તિત્વમાં કંઈક ઉમેરો કરતો જાય છે એટલે એને ઓછો ન આંકવો જોઈએ. આજે હું એકદમ સંતુષ્ટ છું અને મારી લાઈફમાં નર્યો આનંદ છે. કોઈ અસંતોષ નથી. બટ યસ, ક્યારેક એવો વિચાર જરૂર આવે છે કે અમુકના પ્રેમમાં પડીને હું મારું દિલ તૂટતા રોકી શકી હોત તો સારું હતું. મારે નકામા નિરાશાની ગર્તામાં ધકેલાવી જરૂર નહોતી.'