OTT પર 2024માં શું શું થયું?
- OTT ઓનલાઈન ઝિંદાબાદ - સંજય વિ. શાહ
- 2024 આવજો કહેવાને સજ્જ છે. ઓટીટીએ આ વરસે પણ અનેક ફિલ્મો અને સિરીઝથી દર્શકોનાં દિલ જીતવા મથામણ કરી છે. અમુકમાં એને સફળતા મળી છે. આવો, એક નજર નાખીએ વરસના નોંધનીય મનોરંજક વિકલ્પો પર.
'પં ચાયત' મે મહિનામાં એની ત્રીજી સીઝન આવી. ઓટીટી પરની એ કદાચ સૌથી સારી ફ્રેન્ચાઇઝી પહેલી બે સીઝનમાં સાબિત થઈ ગઈ હતી. ત્રીજી સીઝન એટલી તો સારી રહી જ કે દર્શકોએ એને જોવામાં ખર્ચેલો સમય વ્યર્થ ગયાની લાગણી ના થાય. અસલ દેશી માહોલ વચ્ચે આ સીઝનમાં રાજકીય ટ્વિસ્ટ ઉમેરાયો. વાર્તામાં નિર્દોષતા સાથે ખટપટ ઉમેરાઈ. આઠ એપિસોડની લેટેસ્ટ સીઝન સરવાળે જૂના-નવાના કોમ્બિનેશનથી અલગ તરી આવી. ના જોઈ હો. તો 'પંચાયત' જરૂર જોઈ શકાય છે.
'કોટા ફેક્ટરી' જીતેન્દ્ર કુમારની આ બીજી સિરીઝ પણ ત્રીજી સીઝનમાં પ્રવેશી. 'પંચાયત'માં સચિવ તો અહીં જીતુ ભૈયા તરીકે એ રંગ રાખે છે. પાંચ એપિસોડની સીઝનમાં જીતુ ભૈયા પોતે માનસિક તાણમાંથી પસાર થતા હોય એ એન્ગલ સહિત વિદ્યાર્થીઓના પ્રશ્નો પણ પહેલાંની જેમ વણાઈ જાય છે. એકમેકથી સાવ ભિન્ન એવી 'પંચાયત' અને આ સિરીઝ ઓટીટી વિશ્વની બે દમદાર રજૂઆત છે.
'મિર્ઝાપુર' કોવિડ પહેલાંથી ઓટીટી તરફ દર્શકોનું ધ્યાન ખેંચનારી આ સિરીઝ આ વરસે ત્રીજી સીઝન સાથે રિવાઇવ થઈ. એમ કરતાં છ વરસ એને લાગ્યાં પણ ઠીક છે. મારધાડ અને તંગ વાતાવરણ જેમને ફાવે એમના માટે સિરીઝ પહેલેથી માણવાલાયક રહી છે. જોકે ત્રીજી સીઝનમાં કથાનક પહેલાં કરતાં નબળું રહ્યું એ નક્કી. અલી ફઝલ અને પંકજ ત્રિપાઠીના પરફોર્મન્સથી લેટેસ્ટ સીઝન કંઈક અંશે બચી ગઈ એ પણ નોંધવું રહ્યું.
'સિટાડેલ હની બની' આ સિરીઝનો ઉલ્લેખ માત્ર એટલા કારણસર કે એમાં સામંથા રૂથ પ્રભુ, વરુણ ધવન અને કે. કે. મેનન જેવાં મોટાં ગજાનાં કલાકારો છે. સિરીઝ સાથે વરુણે ઓટીટી પર વિધિવત્ પદાર્પણ કર્યું છે. જોકે જે ઓરિજિનલ અમેરિકન સિરીઝ અને એના ભારતીય સંસ્કરણની જેમ આ સિરીઝ પણ સાધારણ છે. ખર્ચાળ છતાં કંગાળ એવું કહી શકાય.
'હીરામંડી' સંજય લીલા ભણસાલી ઓટીટી પર આવે એ પોતાનામાં એક બ્રેકિંગ ન્યુઝ કહેવાય. ખાસ્સા વિલંબ પછી એમની સિરીઝ 'હીરામંડી' આ વરસે પડદે પહોંચી અને એણે દર્શકોને બે હિસ્સામાં વહેંચી નાખ્યા. એક વર્ગ એવો જેમને સિરીઝ બેહદ ગમી. બીજો જેમને એ ભણસાલીની કક્ષાની નહીં લાગી. છતાં, મેકિંગ, મ્યુઝિક, સ્ટાર વેલ્યુ સહિતનાં પરિબળોની દ્રષ્ટિએ સિરીઝ સુપર રહી એ પાકું છે. આઝાદીની લડાઈની પશ્ચાદભૂમાં આકાર લેતી સિરીઝે સિતારાઓની હાજરીથી પણ દમામ રાખ્યો. એની નવી સીઝન પણ આવવાની છે.
'દિલ દોસ્તી ડિલેમા' સિરીઝમાં કલાકારો સારા છે. આમ સરળ વાત અને એમાં પરંપરા વર્સસ આધુનિકતા વચ્ચેની જુગલબંધી એ આ નવી સિરીઝનો મુખ્ય મુદ્દો રહ્યો. એક પુસ્તકથી પ્રેરિત એની સ્ટોરીલાઇન છે એવી કન્યાની જે માબાપ સાથે કેનેડા જવાને બદલે પહોંચે છે નાના-નાનીના ઘેર. નવી જનરેશનને ગમે એ પ્રકારની ટ્રીટમેન્ટ અને રજૂઆતથી સિરીઝે ઘણાનું ધ્યાન ખેંચ્યું.
'ફ્રીડમ એટ મિડનાઇટ' ઇતિહાસના ઓછા જાણીતા પ્રસંગો સાથે દેશના ભાગલાની વાત લાવી. સારા નિર્માણ ઉપરાંત, સિદ્ધાંત ગુપ્તા, ચિરાગ વોરા, રાજેન્દ્ર ચાવલા સહિતના કલાકારોના અભિનયથી એ માણવાલાયક બની. સાત એપિસોડ્સ એમાં છે. આ વરસની એક સારી સિરીઝ તરીકે બેશક એને લેખાવી શકાય.
'આઈસી ૮૧૪ - ધ કંદહાર એટેક' - સત્ય ઘટના પર આધારિત આ સિરીઝ એવરેજથી સારી રહી. હા, વિજય વર્મા, નસીરુદ્દીન શાહ, પંકજ કપૂર, અરવિંદ સ્વામી, દિયા મિર્ઝા અને બીજાં ઘણા નામી કલાકારો, સારા મેકિંગને લીધે એ ઘણાનું ધ્યાન ખેંચી શકી. ઇતિહાસમાં નૌંધાયેલા વિમાન અપહરણના કિસ્સાને સિરીઝ સંનિપણે ન્યાય આપવા મથે છે. ઘણા નિષ્ણાતોએ એમાં ઘટનાઓની રજૂઆત સામે પ્રશ્ન પણ કર્યા છે.
'કાલ મી બે' વરસની એક સૌથી નિરાશાજનક સિરીઝ રહી આ. અનન્યા પાંડેની લીડમાં ચમકાવતી સિરીઝમાં એવું કશું જ નથી જેના માટે કહી શકાય કે એને જુઓ. મોંઘા નિર્માણ અને સારા કલાકારોની હાજરી પણ નબળી કથા સાથે સર્જન પાણીમાં બેસી જાય છે.
વાયઆરએફની ચચત ફિલ્મ 'મહારાજ'એ વિવાદ અને વિષયને લીધે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જયદીપ અહલાવતના અભિનય સાથે આમિર ખાનના દીકરા જુનેદના પડદે પદાર્પણે એને હાઇપ આપી. 'હીરામંડી'ની જેમ એના દર્શકોના પણ બે વર્ગ પડયા. વરસની એક સૌથી નોંધનીય ઓટીટી ફિલ્મોમાં એનં અચળ સ્થાન હોવા વિશે શંકા હોઈ શકે નહીં.
'અમર સિંઘ ચમકીલા' વરસના પૂર્વાર્ધમાં આવી હતી. આ ફિલ્મ એટલે ૨૦૨૪ની એક ઉત્તમ રજૂઆત. વિષયમાં બોલ્ડ તત્ત્વો હોવા છતાં પણ. દલજિત દોસાંજ અને પરિણીતિ ચોપરાના અભિનયે અને દમદાર સંગીતે એને માણવાલાયક બનાવી. ઇમ્તિયાઝ અલીનું દિગ્દર્શન દમદાર છે. ના જોઈ હોય તો અવશ્ય જોઈ શકાય.
'ફિર આયી હસીન દિલરુબા' આનો ઉલ્લેખ માત્ર એટલે કે એની મૂળ ફિલ્મ થોડી ગાજી હતી અને ફિલ્મમાં તાપસી પન્નુ અને વિક્રાંત મેસી જેવાં કલાકારો છે. પહેલી ફિલ્મ પણ ઠીકઠીક હતી તેથી પ્રશ્ન એ કે શા માટે સિક્વલ બની. મૌલિકતાનો અભાવ અને મોળી રજૂઆતને લીધે ફિલ્મે છેવટે એવો જ આવકાર મેળવ્યો જે એને મળી શકવાનો હતો.
'મર્ડર મુબારક'ની જગ્યા આ વરસની સૌથી નિરાશનજક ફિલ્મોમાં પાકી છે. પંકજ ત્રિપાઠી, કરિશ્મા કપૂર, સારા અલી ખાન, વિજય વર્મા, ડિમ્પલ કાપડિયા, સંજય કપૂર... આવાં સ્ટાર્સ છતાં ફિલ્મ પાણીમાં બેસી ગઈ. દિલ્હીની રોયલ ક્લબમાં થતા મર્ડરની આસપાસ ફરતી એની વાર્તા છે. જોનારને થાય કે એન્ટરટેઇનમેન્ટનું આમ મર્ડર કરાય?
'દો પત્તી' એવી જ એક નિરાશ કરતી ફિલ્મ છે આ. કાજોલ અને કૃતિ સનનની હાજરી છતાં એમાં મોણ નથી. એમાં મર્ડરના પ્રયાસની વાત છે. સામાજિક મુદ્દાઓને વણીને આગળ વધવાનો એની કથાનો પ્રયાસ છે. બધું મળીને છે, નિષ્ફળ.
'સિકંદર કા મુકદ્દર' - નીરજ પાંડેની આ ફિલ્મ એમની પાછલી ફિલ્મો જેટલી જકડી રાખનારી નહીં તો પણ છે એકવાર જોવા જેવી. અવિનાશ તિવારી, જિમી શેરગિલ, તમન્ના ભાટિયા, રાજીવ મહેતા વગેરે કલાકારોની હાજરી, સારી વાર્તા અને ઠીકઠીક વળાંકો એને મનોરંજક બનાવે છે. વાત છે એક એક્ઝિબિશનમાં થતી હીરાની ચોરીની. એ મામલાનો ઉકેલ લાવવા પોલીસ ધમપછાડા કરે છે પણ...
વરુણ શર્મા, જેસી ગિલ, સની સિંઘ, પત્રલેખા વગેરે કલાકારો સાથેની 'વાઇલ્ડ વાઇલ્ડ પંજાબ' ફિલ્મ પ્રમાણમાં હળવીફુલ છે, પણ એની અટપટી રજૂઆત, લાઉડનેસ અને અન્ય ફિલ્મોના પ્રભાવથી છલકતાં દ્રષ્યો એને સાધારણ બનાવે છે. આ વરસે કોમિક પ્રકારની ઓછી ફિલ્મો આવી એમાંની આ એક.
'અગ્નિ' પ્રતીક ગાંધીને વળી એક નોખા પાત્રમાં રજૂ કરતી આ ફિલ્મ વરસની બહેતર ફિલ્મોમાં આવે છે. અગ્નિશમન દળના કર્મચારીઓનાં જીવન અને સંઘર્ષની વાત એમાં વણાઈ છે. વાસ્તવિક લાગતી રજૂઆત અને વાર્તામાં વણાયેલા વળાંકોને લીધે એ દર્શકોને બાંધી રાખે છે.
'કન્ટ્રોલ' ફિલ્મનું ઓફિશિયલ નામ છે અંગ્રેજી અક્ષરો, સીટીઆરએલ. વિક્રમાદિત્ય મોટવાનીની આ ફિલ્મ અનન્યા પાંડેની ઓટીટી પરની આ વરસની પ્રમાણમાં થોડી સારી રજૂઆત રહી. વાત છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર કપલની. અને પછી એમાં સર્જાતી તંગદિલીઓની. આટફિશિયલ ઇન્ટેલિજન્સના મુદ્દાને આવરી લેતી ફિલ્મ જોઈ શકાય નાવીન્ય માટે.
મનોજ બાજપાયી માટે આ વરસ મોળું રહ્યું. એમની ફિલ્મો 'ભૈયાજી' અને 'ડિસ્પેચ' એક જ પ્લેટફોર્મ પર આવી ને બન્ને નિરાશાજનક રહી.
આ પણ જાણી લો
૨૦૨૪માં ઓટીટીએ આશરે ૧૫% નવા ગ્રાહકો અંકે કર્યા છે. દેશમાં હવે આશરે ૪૦% લોકો સીધી કે આડકતરી રીતે ઓટીટીના ઓશિયાળા થઈ ગયા છે.
મોટાભાગના ભારતીય ઓટીટી દર્શકો હજી પણ જાહેરાત સાથે મફતમાં માણવા મળતા ઓટીટી મનોરંજનને વળગી રહ્યા છે. મતલબ કે સબસ્ક્રિપ્શન ચૂકવીને ઓટીટી જોનારા લોકો પ્રમાણમાં ઓછા છે.