શમ્મી કપૂરે બરજોર લોર્ડને શું સૂચન કર્યું?

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
શમ્મી કપૂરે બરજોર લોર્ડને શું સૂચન કર્યું? 1 - image


- 'દરેક સંગીતકાર પોતપોતાની રીતે સજ્જ હતા. દરેકની આગવી સ્ટાઇલ હતી. તમે એકની તુલના બીજાની સાથે કરી ના શકો. હા, મને અલગ અલગ અનુભવ થયા છે.' 

૧૯ ૭૦-૭૧માં પ્રખર કોમેડિયન કમ પ્લેબેક સિંગર કિશોરકુમારનો લંડનમાં સ્ટેજ શો હતો. એના પોસ્ટરની ડિઝાઇન તૈયાર થતી હતી. એને ખુદ કિશોરકુમારને અપ્રુવ કરવાનો હતો. એ ડિઝાઇન કિશોરકુમાર પાસે આવી ત્યારે એણે ધ્યાનથી જોઇ. પછી એ ડિઝાઇન તૈયાર કરનારા લે-આઉટ આટસ્ટને કહ્યું, 'સબ ઠીક હૈ, લેકિન યહ આટસ્ટ કો મેરે કરીબ કર દો.' પોસ્ટરમાં ગાયકના હાથમાં કેબલ-ફ્રી માઇક દેખાડાયું હતું. બરાબર એની નીચે કિશોરકુમારે પોતાના સૌથી માનીતા રિધમ પ્લેયરનું ચિત્ર મૂકવાનો આગ્રહ રાખ્યો. 'ઔર સબ સાજિંદે આજુબાજુ રખો તો ચલેગા. લેકિન યહ આટસ્ટ મેરે કરીબ હોના ચાહિયે, સમજે...?' કિશોરકુમારે પસંદ કરેલી ડિઝાઇન મુજબ એ પોસ્ટર તૈયાર થયું ત્યારે જ કિશોરકુમારને સંતોષ થયો.

માત્ર કિશોરકુમાર નહીં, શંકર-જયકિસન, આર. ડી. બર્મન-પંચમ, ઓ. પી. નય્યર અને બીજા મોટા ભાગના સંગીતકારોનો એ માનીતો રિધમ પ્લેયર એટલે બરજોર લોર્ડ-ભુજી લોર્ડ. ફરી એકવાર પંડિત રામ નારાયણ જેવા શબ્દો સાંભળવા મળ્યા: 'ધ ડેડી (કાવસજી લોર્ડ) અને મોટોભાઇ (કેરસી લોર્ડ) ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આદરપાત્ર મ્યુઝિશિયન્સ હતા, પરંતુ મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ગ્લેમરમાં ઇન્ટરેસ્ટ નહીં હતો... ધ બરજોર લોર્ડ કહે છે. મને તો દરિયામાર્ગે દુનિયા ફરવાની ઇચ્છા હતી, પરંતુ નાની ઉંમરે આંખે ચશ્માં આવ્યાં અને સ્કૂલમાં ગણિતમાં બહુ ઓછા માર્ક મળ્યા એટલે મરચંટ નેવીમાં જવાનું મારું સપનું જતું કરવું પડયું.'

૧૯૪૦થી માંડીને જે ટોચના સંગીતકારો થઇ ગયા એ બધા બરજોરના પિતાને કાવસકાકા કહેતા. કાવસકાકા એટલા બધાં વાજિંત્રો વગાડતા કે સંગીતકારને જે જોઇએ તે હાજર કરી દે. લગભગ એવી જ તૈયારી બરજોરના મોટાભાઇ કેરસીની હતી. ઘરમાં સંગીતનું સૂરીલું વાતાવરણ. બરજોર સાત વર્ષનો હતો ત્યારે એક પારસી મહિલા રોહ્ડા ખોદાયજી એને પિયાનો શીખવવા આવતી. આ મહિલાએ એવી ખૂબીપૂર્વક બરજોરને પાશ્ચાત્ય સંગીત તરફ વાળી દીધો કે પછી તો બરજોર હતો અને પિયાનો હતો. બહુ ઓછા સમયમાં એણે પિયાનો વાદનમાં કુશળતા મેળવી લીધી. એકવાર સંગીતમાં રસ પડયો એટલે બીજું બધું ભૂલાઇ ગયું. એક પછી એક વાજિંત્રો પર હાથ બેસાડતો થઇ ગયો. પિયાનો અને એકોડયન પછી એ ડ્રમસેટ તરફ વળ્યો. એક સાથે બંને હાથ અને બંને પગ સક્રિય થઇ જાય.

'એ વખતે મારી ખરી ટ્રેનિંગ શરૂ થઇ. ખાસ કરીને ફાસ્ટ સોંગ ડ્રમ સ્ટીક પરની પકડ સોલિડ જોઇએ. હું પ્રેક્ટિસ કરતો હોઉં ત્યારે હાથની પકડ સહેજ પણ ઢીલી પડે એનો મને ખ્યાલ ન આવે પણ ડ્રમના સાઉન્ડ પરથી ડેડીને ખ્યાલ આવી જાય. એ મારી પાછળથી આવીને મારા એક હાથની સ્ટીક આંચકી લઇને એવી ફટકારે કે આંખમાં આંસુ આવી જાય. ઇન્ડસ્ટ્રીમાં બધા ડેડીના રમૂજી સ્વભાવના વખાણ કરે, પરંતુ ઘરમાં ટીચર તરીકે એ હિટલરને શરમાવે એવા કડક...' બરજોર કહે છે. 

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કેવી રીતે થયો એ સવાલમાં જવાબમાં બરજોરે કહ્યું, 'એક્સિડન્ટલી મારો પ્રવેશ થયો. ૧૯૫૮ની આસપાસની વાત છે. એકવાર શંકર-જયકિસનના કોઇ ગીતનું હતું. શંકર-જયકિસનનો રિધમ એરેન્જર દત્તારામ મારા ભાઇને બુક કરવા આવેલો. યોગાનુયોગે કેરસીની તબિયત સારી નહોતી. કેરસીએ દત્તારામને કહ્યુ કે મારા ભાઇને લઇ જા. તારું કામ સરસ થઇ જશે. તને ઠપકો નહીં મળે. દત્તારામ મને લઇ ગયો. મને ચોક્કસ યાદ નથી, પણ ઘણું કરીને ફિલ્મ 'અનાડી'નું ગીત હતું. શંકર-જયકિસનને ડ્રમસેટ પરનો મારો હાથ ગમ્યો. પછી મારી ગાડી ચાલી નીકળી. લગભગ ચાલીસ-પિસ્તાલીસ વરસ સુધી જુદાં જુદાં વાજિંત્રો ફિલ્મ ગીતોમાં વગાડયાં. મોટા ભાગના સંગીતકારો સાથે સારો મનમેળ રહ્યો. ગણ્યા ગણાય નહીં એટલાં ગીતોમાં વગાડયું.' 

તમને કયા સંગીતકાર સાથે વગાડવામાં મોજ પડતી એવા સવાલનો જવાબ બરજોર મુત્સદ્દીથી આપે છે, 'દરેક સંગીતકાર પોતપોતાની રીતે સજ્જ હતા. દરેકની આગવી સ્ટાઇલ હતી. તમે એકની તુલના બીજાની સાથે કરી ના શકો. હા, મને અલગ અલગ અનુભવ થયા છે. એકવાર ઓ. પી. નય્યરે મને કહ્યું કે ગાયક ગાતાં ગાતાં વચ્ચે એકાદ બે સેકન્ડમાં શ્વાસ લઇ લે ત્યારે તારે વાઇબ્રોફોનનો સ્ટ્રોક મારી દેવો એટલે ગાયકના શ્વાસોચ્છવાસનો ધ્વનિ રેકોડગમાં ડિસ્ટર્બન્સ નહીં સર્જે. ઉપરાંત ગીતની મુખ્ય તર્જ અને ઇન્ટરલ્યુડમાં જ્યાં ખાલી જગ્યા જણાય ત્યાં પણ વાઇબ્રોફોનનો રણકાર કરી દેવો. આ એક નવી વાત હતી. અગાઉ વાઇબ્રોફોન આ રીતે વગાડાતું નહોતું. ઓપીએ મને નવી દિશા સૂઝાડી. એનો પ્રયોગ હું પછી બીજા સંગીતકારો સાથે પણ કરતો થયો. એ બધાં ખુશ થઇ જતા.

'ઔર એક વાત તમને કહું. જે દિવસે પંચમનું રેકોડગ હોય એની આગલી રાત્રે મને જલદી ઊંઘ ન આવતી. સતત પંચમના વિચાર આવે. એ કઇ ઘડીએ શું માગશે એની તમે કલ્પના ન કરી શકો. એ સાઉન્ડનો બેતાજ બાદશાહ હતો. એકવાર મને કહે કે ડ્રમની સ્ટીક ઊંઘી પકડીને વગાડતો. કેવો સાઉન્ડ પ્રગટે છે, મારે સાંભળવો છે. એ સાઉન્ડ એને એટલો ગમી ગયો કે એક ગીતમાં એ રીતે ઊંધી સ્ટીકથી ડ્રમસેટ વગાડાવ્યો. 'તીસરી મંઝિલ'નાં બે ત્રણ ગીતોમાં અલગ અલગ રીતે ડ્રમસેટના સાઉન્ડ વાપર્યા હતા. શમ્મી કપૂરને સૂચન કરેલું કે ડ્રમસેટના આ જુદા જુદા સાઉન્ડને અનુરૂપ તું એક્ટિંગમાં પણ કંઇક ઇમ્પ્રોવાઇઝેશન કરજે.' 

એક વિદેશ યાત્રામાં કેરસી પાશ્ચાત્ય ક્લાસિકલ મ્યુઝિકમાં વપરાતું ગ્લોકનસ્પીલ નામનું વાજિંત્ર લઇ આવેલા. દૂરથી જોતાં સંતુર જેવું લાગે એવું આ વાદ્ય એલ્યુમિનિયમની જુદા જુદા સૂરની પટ્ટી ધરાવતું  સાજ છે. બરજોરે ડ્રમસેટ ઉપરાંત બોંગો-કોંગો, ઘુંઘરુ, ટ્રાયેન્ગલ, ગ્લોકનસ્પીલ, વાઇબ્રોફોન, વગેરે અર્ધો ડઝન વાદ્યો દ્વારા પોતાની અનિવાર્યતા સાબિત કરી છે. ઢોલક પર જેમ દત્તારામનો દત્તુ ઠેકો વખણાયો છે એમ તાલના જુદા જુદા વાદ્યો પરનો બરજોરનો કાબુ લોર્ડ ટચ તરીકે બિરદાવાયો છે. 

રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનની કારકિર્દી દરમિયાન બરજોરે વીઆરએસ જાહેર કર્યું. એનું કારણ આપતાં એણે ક્રિકેટર વિજય મરચંટના સુનીલ ગાવસ્કરે ટાંકેલા શબ્દો ટાંક્યા, 'આપણને કહેવામાં આવે કે બસ, હવે તમે રિટાયર થઇ જાઓ તો સારું. એના કરતાં આપણે ગોલ્ડન પિરિયડ હોય ત્યારે ખસી જવું બહેતર ગણાય. મને એ વાત ગમે છે. ફિલ્મ સંગીતનો ગોલ્ડન પિરિયડ પૂરો થયો હતો. વૈવિધ્ય ખતમ થવા આવ્યું હતું. નવું કંઇ કરવાનું રહેતું નહોતું. એટલે મેં સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી. મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર એક ગામમાં રહીને ખેતીવાડી અને બાગાયતીમાં સમય પસાર કરું છું. આજે પણ તમારા જેવા પત્રકારો અમારા કામને યાદ કરીને અમને મળવા આવે છે એ બહુ મોટા સંતોષની વાત છે. થેંક્યુ.' 


Google NewsGoogle News