નિર્માત્રી બનીને ખુદની ફિલ્મમાં એક્ટિંગ કરવી છે: રિચા ચઢ્ઢા

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
નિર્માત્રી બનીને ખુદની ફિલ્મમાં એક્ટિંગ કરવી છે: રિચા ચઢ્ઢા 1 - image


- 'હું અને અલી બંને મધ્યમવર્ગીય પરિવારમાંથી આવીએ છીએ. અમે બંને ખૂબ મહેનતુ છીએ. અલીનો એક માઇનસ પોઇન્ટ છે કે એણે ઝૂમ કૉલ કરવાનો હોય તો પણ તે અડધો કલાક પહેલાં તૈયાર થઇને બેસી જાય છે!' 

'ટેલેન્ટ હોય અને મહેનત કરવાની તૈયારી હોય તો ગોડફાધર વગર પણ સફળ થઈ શકાય છે...'

બો લિવુડમાં પોતાની પ્રતિભાને જોરે સફળ થનારી આંગળીને વેઢે ગણાય એવી અભિનેત્રીઓમાં  રિચા ચડ્ઢાને સામેલ ન કરો તો એ યાદી અધૂરી ગણાય. લગભગ દોઢ  દાયકાથી હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં એક અભિનેત્રી તરીકે એક પછી એક સફળ ફિલ્મો આપી પોતાનું સ્થાન મજબૂત કરનારી રિચાએ પુરવાર કર્યું છે કે ફિલ્મ ઉદ્યોગમાં સફળ થવા માટે તમારે ગોડફાધરની નહીં પણ પ્રતિભાની જરૂર હોય છે. રિચા હવે સંજય લીલા ભણસાલીની અતિપપ્રતિક્ષિત વેબ સિરીઝ 'હીરામંડી'માં દેખાવાની છે. 

૨૦૦૮માં દિબાકર બેનર્જીની ફિલ્મ 'ઓયે લકી! ંલકી ઓયે!'માં રિચાએ કામ કર્યું ત્યારથી જ ફિલ્મ વર્તુળોમાં તેની પ્રશંસા થવા માંડી હતી. રિચા કહે છે, 'કોરોના મહામારી બાદ ઘણાં પરિવર્તનો આવ્યાં છે. લોકો તેમના ઘરમાં ભરાઇ રહ્યા અને ઓટીટી નું આગમન થયું. સ્થિતિમાં ઘણો ફરક પડયો છે, પણ મહિલાઓની સ્થિતિ ઓટીટીના આગમન બાદ મજબૂત બની છે એવી બધી બાબતો બકવાસ છે. હા, ઓટીટીનું હકારાત્મક પાસું એ છે કે આજે ચાળીસ અને પચાસ પાર કરી ગયેલી અભિનેત્રીઓને પણ મુખ્ય ભૂમિકાઓ કરવા મળે છે. વળી, ભૂમિકાઓની લંબાઇ પણ વધી છે. સોશિયલ મિડિયાની પણ પહોંચ વધી. જોકે, આજે પણ હું સોશિયલ મિડિયાનો ચોક્કસ હેતુ સમજી શકી નથી. જ્યારે તેની શરૂઆત થઇ ત્યારે લોકો તેઓ શું ખાય છે તેના ફોટા મુકતા હતા. આપણે બધાં એ પરિવર્તનના દોરમાંથી પસાર થયા છીએ. આપણે બધા ઇન્ટરનેટ પર જીવીએ છીએ. મારા માટે સોશિયલ મિડિયા એ મારો અવાજ વ્યક્ત કરવાનું માધ્યમ છે. હું  તેને હકારાત્મક રીતે નિહાળું છું અને મને તેમાં મજા પડે છે.'

  રિચા કહે છે કે આજે દરેક વ્યક્તિ તેની વય ગમે એટલી હોય, તે કશુંકને કશુંક કરતી રહે છે. 'હું 'ફૂકરે' જેવી કમર્શિયલ ફિલ્મની સાથે જ 'મસાણ' જેવી આર્ટ ફિલ્મ પણ કરી શકું છું. 'ફૂકરે'ની આખી કાસ્ટ મનજોત, વરુણ, પુલકિત અને મેં ઓડિશન આપીને ફિલ્મ મેળવી હતી. અમારામાંથી કોઇ ફિલ્મી પરિવારનું ફરજંદ નથી. આમ છતાં ફિલ્મે સારો બિઝનેસ કર્યો અને તેની બબ્બે સિક્વલ બની. મને આ પાત્ર ભજવવામાં બહુ મોજ પડી છે.  દિગ્દર્શક મૃગદીપ લાંબા ખૂબ રિહર્સલ કરે છે અને જ્યાં સુધી તેમને સંતોષ ન થાય ત્યાં સુધી તેઓ અટકતાં નથી.'

રિચા માટે ખાસ છે કેમ કે આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન જ તે  તેના પતિ અલી ફઝલના પરિચયમાં આવી હતી. એ કહે છે, 'અલી એક જેન્ટલમેન છે. એ મારી ખૂબ સંભાળ રાખે છે.  જો તેનામાં પ્રતિભા ન હોત તો મને નથી લાગતું કે હું તેના પ્રેમમાં પડી હોત. હું એક એવી વ્યક્તિની તલાશમાં હતી જે બુદ્ધિશાળી, સૌજન્યશીલ, શિક્ષિત હોય અને સાથે કળાકાર પણ હોય. અલીમાં આ બધા જ ગુણો છે.  અમારા બંનેનાં વ્યક્તિત્વો અલગ છે. તે ખરેખર ઝડપથી વિચારે છે જ્યારે હું ચૂપ રહું છું. તે આપેલા સમય કરતાં અડધા કલાક પહેલાં પહોંચી જાય છે, જ્યારે હું હમેંશા પાંચ મિનિટ મોડી પડું છું. અમે બંને મધ્યમ વર્ગના પરિવારમાંથી આવીએ છીએ અને અમે બંને ખૂબ મહેનતુ છીએ. અલીનો એક માઇનસ પોઇન્ટ છે કે તેને ક્યાંય જવાનું હોય તો તેને બહુ એન્ઝાઇટી થઈ જાય છે. ઝૂમ કોલ કરવાનો હોય તો પણ તે અડધો કલાક પહેલાં તૈયાર થઇને બેસી જાય છે. હું તેની હાલત જોઇ હસતી હોઉં છું કે ઝૂમ કોલ તો તેનો સમય થાય ત્યારે જ શરૂ થશે. હા, તેને રાંધવાનો બહુ શોખ છે. તે શાકભાજી અને વિવિધ પ્રકારના રાઇસ અને પાસ્તા બનાવી જાણે છે. તે ઇદના તહેવારમાં સેવૈયા બનાવે છે. મને તેના હાથના બનાવેલાં સેવૈયા બહુ ભાવે છે.  પ્રેમ એટલે સહવાસ, ફાવટ અને એકમેકની સાથે રહેવાની ઉત્તેજના. અમને સાથે રજા મળે તો રાજી રાજી થઈ જઈએ છીએ. બંનેને રજા હોય તો અમે ફિલ્મ જોવાનું નક્કી કરીએ છીએ. અમને સાથે ફિલ્મો જોવાનું, ફરવાનું, ખાવાનું અને કસરત કરવાનું ગમે છે. અમે બંને બેસ્ટ ફ્રેન્ડ્ઝ છીએ અને અમારી પસંદગીઓ પણ સમાન હોય છે.' 

પોતાના ભાવિ વિશે વાત કરતાં રિચા કહે છે, 'હું નિર્માત્રી અને અભિનેત્રી એકસાથે બનવાનો પડકાર ઝીલવા માંગું છું. મને ખબર છે કે હું આ સિદ્ધિ હાંસલ કરી શકીશ. આ ઉપરાંત હું લેખન અને નૃત્યને શીખવા પણ તત્પર છું.' 

'ફૂકરે'ની આ ભોલી પંજાબને 'હીરામંડી'ના પ્રોમો-સોંગમાં સરસ ડાન્સ કર્યો છે.  


Google NewsGoogle News