વિવેક ઓબેરોય : મેં બોલિવુડમાં ખૂબ અપમાન સહ્યાં છે...
વિવેકાનંદ નામના હીરોને ઓળખો છો તમે? નથી ઓળખતા, રાઇટ? પણ વિવેક ઓબેરોયને તમે સારી રીતે ઓળખો છો. વિવેકનું મૂળ નામ વિવેકાનંદ છે, જે સ્વામી વિવેકાનંદથી પ્રેરિત હતું.
વિવેક ઓબેરોય આજકાલ ન્યુઝમાં છે, બોલિવુડના હિટ ફિલ્મ સર્જક રોહિત શેટ્ટીની વેબ સિરીઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'ને કારણે. આ શોમાં વિવેક પોલીસ અધિકારી વિક્રમ બક્ષીનું પાત્ર ભજવે છે.
ક્રાઇમ વિષયક ફિલ્મોના માસ્ટર ગણાતા રામ ગોપાલ વર્માની 'કંપની' (૨૦૦૨) ફિલ્મથી બોલિવુડમાં શાનદાર પ્રવેશ કરનારો વિવેક ઓબેરોય કહે છે, 'ભારતમાં છેલ્લાં થોડાં વરસથી મનોરંજન ક્ષેત્રે ઘણા અને નવા ફેરફાર થઇ રહ્યા છે. ખાસ કરીને ઓટીટી પ્લેટફોર્મ બહુ સફળ રહ્યું છે. જૂની પેઢીના અને થોડા અંશે ભૂલાઇ ગયેલાં કલાકારો માટે તો ઓટીટી મોટા આશીર્વાદરૂપ નીવડયું છે. ઓટીટીની શરૂઆત થઇ ત્યારે ઘણાં લોકો તેની સફળતા વિશે ટીકા ટીપ્પણી કરતા હતા પણ આજે ઓટીટી પ્લેટફોર્મ સંપૂર્ણપણે સફળ રહ્યું છે. હું મારી વાત કરું તો મને મે તો 'ઇનસાઇડ એજ' શોથી વરસો પહેલાં આ પ્લેટફોર્મ પર કદમ માંડી દીધાં હતાં.'
'ઇન્ડિયન પોલીસ ફોર્સ'માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને શિલ્પા શેટ્ટી પણ છે. કારકિર્દીની પહેલી જ ફિલ્મમાં બબ્બે ફિલ્મફેર એવોર્ડ્ઝ જીતનાર વિવેક કહે છે, ''ઇન્ડિયન પોલીસ ફોર્સ'માં સર્જક રોહિત શેટ્ટીનો અનોખો સ્પર્શ અનુભવાય છે. આમ પણ રોહિત શેટ્ટીએ અગાઉ પોલીસ દળની જાંબાઝ કામગીરી પર 'સિંઘમ', 'સિંઘમ રિટર્ન્સ', 'સિમ્બા', 'સૂર્યવંશી' વગેરે ફિલ્મો બનાવી હોવાથી તેમને આ વિષયનો ઘણો સારો અનુભવ છે. રોહિત આવી એક્શન ફિલ્મોના માસ્ટર ડિરેક્ટર છે.'
અમેરિકામાં ફિલ્મ એક્ટિંગનો કોર્સ કરનાર વિવેક ઓબેરોય કહે છે, 'જુઓ, મારી અને રોહિતની ફિલ્મ કારકિર્દી ૨૦૦૨-૦૩માં લગભગ એક સાથે જ શરૂ થઇ છે. ફિલ્મ 'ઝમીન' (૨૦૦૩)થી રોહિતની દિગ્દર્શક તરીકેની કારકિર્દી શરૂ થઇ. ત્યારથી અમે બંને બહુ સારા મિત્ર છીએ. એક દિગ્દર્શક તરીકે રોહિતને મારી અભિનય પ્રતિભા પર ભરોસો છે. એટલે જ તેણે 'ઇન્ડિયન પોલીસ ફોર્સ' માટે મને યાદ કર્યો. મેં આ ફિલ્મમાં સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિક્રમ બક્ષીની ભૂમિકા ભજવી છે. રોહિતે ખાસ મને ધ્યાનમાં રાખીને આ રોલ લખ્યો છે. વિક્રમ બક્ષી પ્રખર રાષ્ટ્ર પ્રેમી છે. પોતાની પોલીસ ટીમને એ ખુદનો પરિવાર સમજે છે. વિક્રમ બક્ષીની ભૂમિકાની આ જ તો વિશિષ્ટતા છે, કારણ કે તેમાં ખુદ રોહિત શેટ્ટીનો પોલીસ દળ પ્રત્યેનો આદર છલકાય છે.'
'સાથિયા', 'ઓમકારા', 'કુરબાની', 'શૂટઆઉટ એટ લોખંડવાલા', 'ક્રિશ', જેવી ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવનાર વિવેક ઓબેરોય પોતાની ફિલ્મ કારકિર્દીના ચડાવ -ઉતાર વિશે કહે છે, 'મેં અહીં ઘણી ટીકા-ટીપ્પણી અને અપમાનજનક વ્યવહાર સહન કર્યાં છે. મારી જગ્યાએ અન્ય કોઇ કલાકાર હોત તો તેણે બોલિવુડને આવજો કહી દીધું હોત... પણ જુઓ, હું હજી અહીં જ છું. આજે મારી પાસે ખૂબ બધું કામ છે. ૨૦૨૪માં મારી ચાર ફિલ્મો રજૂ થશે.'