વિવેક દુબઈ શિફ્ટ થયો, પણ એનું દિલ મુંંબઈમાં જ છે
- 'મને મુંબઈમાં જ સૌથી સારી ઊંઘ આવે છે. ઇસ્કોન મંદિરનો ઘંટનાદ સાંભળીને મારું ફસ્ટ્રેશન ક્યાંય દૂર ભાગી જાય છે.'
બોલિવુડમાં ટેલેન્ટેડ અને કમિટેડ કલાકારોને અન્યાય થયો હોય એમાં કશું નવું નથી. વિવેક ઓબેરોય આવો જ એક ઉપેક્ષિત એક્ટર છે. વિવેકને પોતાના પિતા સુરેશ ઓબેરોય પાસેથી અભિનયનો વારસો મળ્યો છે. એણે કોમેડીથી માંડી એક્શન સુધીના જોનરમાં પોતાની હથોટી બતાવી છે. છતાં એ રણબીર કપૂર, રણવીર સિંહ કે હૃતિક રોશનની જેમ સ્ટાર નથી બની શક્યો.
આજકાલ ઓબેરોય જુનિયર રોહિત શેટ્ટીની ઓટીટી સિરીઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'ને કારણે ન્યુઝમાં છે. આ કોપ શોમાં એણ એક સન્નિષ્ઠ અને પ્રામાણિક પોલીસ કમિશનરનો રોલ કર્યો છે. શોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને શિલ્પા શેટ્ટી પણ મહત્ત્વની ભૂમિકામાં છે.
ખાસ નોંધવા જેવી વાત એ છે કે વિવેકે છેક ૨૦૧૭માં ઓટીટી મીડિયમમાં પ્રવેશ કર્યો હતો. તે વખતે આ માધ્યમ સાવ નવું હતું. વેબ-સિરીઝ 'ઇનસાઇડ એજ' વિવેકને સારી ફળી હતી. આ શોની ત્રણ સિઝન પ્રસારિત થઈ ચુકી છે. હાલમાં, એક ઇવેન્ટમાં ઓબેરોયને પૂછાયું કે તારા ઓટીટી પર કમબેક કરવાનું મુખ્ય કારણ શું છે? જવાબમાં સ્મિત વેરતા ઍક્ટર કહે છે, 'મેં પહેલો શો કર્યો ત્યારે જ મને ખાતરી હતી કે આ મજાનું મીડિયમ લાંબુ ચાલશે અને નિરંતર વિકસતુ જશે. ઘણાએ મને ફિલ્મોમાંથી ટ્રેક બદલીને ઓટીટી પર જવા સામે ચેતવ્યો હતો, પરંતુ મને ડિજિટલ મીડિયમ પર અટુત વિશ્વાસ હતો અને છે.'
વિવેકને સારા મૂડમાં જોઈ પત્રકારોએ એને બીજો પ્રશ્ન કર્યો કે રોહિત શેટ્ટીના વેબ શોમાં સિદ્ધાર્થ અને શિલ્પા જેવા મોટાં સ્ટાર્સ છે. એમની હાજરીમાં પોતાનું પરફોર્મન્સ ઢંકાઈ જવાની તને ક્યારેય ફિકર નહોતી થઈ? ઍક્ટર પૂરો કોન્ફિડન્સથી જવાબ આપતા કહે છે, 'આવી ફિકર એ લોકોને સતાવે છે જેઓ ઈનસિક્યોર હોય. છેલ્લા ૨૧ વરસમાં હું અસંખ્ય વાર ટ્રોલ થયો છું અને મારું કરિયર ખતમ થઈ જવાની આગાહી પણ થઈ છે. છતાં હું હજુ અહીં જ છું. મારી પાસે હું ૨૪ કલાક બિઝી રહું એટલું બધું કામ છે. આ વરસે હું 'મસ્તી-૪' નિત્યા મેનન સાથે એક મર્ડર મિસ્ટ્રી, ટાઇગર શ્રોફ સાથે એક એક્શન ફિલ્મ અને બીજી એક વેબ સિરીઝનું શુટિંગ કરવાનો છું. હું મારા કામ થકી મારી વિરુદ્ધ થતાં ઉહાપોહ અને બકવાસ પર તાળું મારી દઉં છું.'
બહુ ઓછા લોકો જાણે છે કે રોહિત શેટ્ટી અને વિવેક ઓબેરોય બે દશકથી સારા મિત્રો છે. 'રોહિત અને મેં લગભગ સાથે જ કરીઅર શરૂ કરી હતી, પરંતુ અમારી ફ્રેન્ડશિપનો અમારા કામમાં કોઈ પ્રકારનો હસ્તક્ષેપ નથી. મને સૂટ કરતો રોલ હોય તો મને રોહિત તરત કોલ કરે છે. 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'માં વિક્રમ બક્ષીનું પાત્ર મારે મન સ્પેશિયલ છે કારણ કે એ રોહિતે મને નજર સમક્ષ રાખીને જ લખ્યું છે. આય લવ રોહિત એઝ અ ફિલ્મમેકર, પણ એથી વધુ એ એક સારી વ્યક્તિ છે. જ્યારે પણ હું પોલીસ ફોર્સ માટે કોઈ કાર્યક્રમ કરું ત્યારે એ અચૂક આવે. શોમાં મારું કેરેક્ટર રોહિત શેટ્ટીને ઘણું મળતું આવે છે. મારું પાત્ર એક દેશભક્ત કોપ છે અને એના માટે એની ટીમ જ એનું ફેમિલી છે.'
સંજય દત્તની જેમ વિવેક ઓબેરોય પણ ૨૦૨૦ના લોકડાઉન પછી મુંબઈથી દુબઈ શિફ્ટ થઈ ગયો. જોકે એ શુટિંગ માટે એ મુંબઈ, લંડન અને દુબઈ વચ્ચે આવજા કરતો રહે છે, પરંતુ એનું દિલ મુંબઈમાં જ ચોંટેલું રહે છે. એ સમાપન કરતાં કહે છે, 'મોટાભાગે શુટ્સ માટે મુંબઈમાં જ હોઉં છું, પરંતુ આ શહેરથી હું જેટલો વધુ દૂર રહું એટલો વધુ મને અહેસાસ થાય છે કે ધીસ સિટી વીલ ઓલ્વેઝ બી માય હોમ. મને મુંબઈમાં જ સૌથી સારી ઊંઘ આવે છે. ઇસ્કોન મંદિરનો ઘંટનાદ સાંભળીને મારું ફસ્ટ્રેશન ક્યાંક ભાગી જાય છે.'